: વૈશાખ : ૨૪૨૫ : આત્મધર્મ : ૧૨૫ :
માહ વદ ૧ સોમવાર] ગઢડા [તા. ૧૪–ર–૪૯
[ગાથા ચોથી]
આત્મા દેહ–મન વાણીથી જુદું તત્ત્વ, દેખનાર જાણનાર છે, તેને અનંતકાળમાં એક સેકંડ પણ જાણ્યો
નથી. બાહ્ય ઈન્દ્રિયોથી આત્મા જણાય તેવો નથી પણ તેનાથી તો રૂપ–રસ–ગંધ વગેરે જડ પદાર્થો જણાય છે. જો
એક સેકંડ માત્ર પણ આત્માને પરથી જુદો જાણે તો પરની પ્રીતિ ટળીને આત્માની પ્રીતિ થયા વિના રહે નહિ.
મકાન વગેરે સંયોગી ચીજો છે, તે સુધરે તે તેના કારણે સુધરે છે, જડ મકાન સુધરે તેથી આત્માને લાભ
નથી, આત્મા પોતે સુધરે તો તેને લાભ થાય. જે જેને પ્રીતિકર માને તે તેનો પ્રયત્ન કરે. પરને પ્રીતિકર માને તે
પરને મેળવવાના રાગનો પ્રયત્ન કરે, પણ પરને મેળવવાની તાકાત આત્મામાં નથી. જે પરવસ્તુના સંયોગને
અનુકૂળ કલ્પે છે તે તેને મેળવવાનો રાગ કરીને અટકે છે, ને જેની અપ્રીતિ છે તેને દૂર કરવાનો દ્વેષ કરીને ત્યાં
અટકે છે. ખરેખર પરવસ્તુઓ તો દ્રષ્ટાનું દ્રશ્ય છે. દ્રષ્ટા પોતે બધા પદાર્થોથી ભિન્ન છે. પોતે પોતાને પરથી
ભિન્ન સ્વરૂપે જાણતો નથી તેથી જેને જાણે છે તેના ઉપર જ પ્રીતિ કે અપ્રીતિ કરીને અટકી જાય છે. શરીરમાં
રોગ થાય તે મટાડવાની કામના થાય, પણ તે કામનાનું કામ શરીરમાં થતું નથી. અનંત કાળથી શરીરને પોતાનું
માન્યું અને તેને રાખી મૂકવાની ઈચ્છા કરી, પણ એકેય શરીર રહ્યું નથી. અનંતકાળ થયો છતાં શરીરના એક
રજકણને પણ પોતાનો કરીને રાખી શક્યો નથી. એવી કઈ વસ્તુ પોતાની થઈ કે જે હવે કદી જુદી નહિ પડે?
જુદું તો જ્ઞાન ન પડે; આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે, એ સિવાય બીજું એનું સ્વરૂપ નથી. આત્માને જ્ઞાન સિવાય
બીજું કામ કરનાર માનવો તે ચક્રવર્તીની પાસે કચરો કઢાવવા જેવું છે. હું તો દ્રષ્ટા–જ્ઞાતા છું, શરીર વગેરે ચીજો
મારી નથી, તેને રાખવાનું–મેળવવાનું કે ટાળવાનું મારામાં નથી, હું મારા આત્મામાં શુદ્ધસ્વભાવનો મેળવનાર
અને વિકારને ટાળનાર છું. કામ–ક્રોધ–હિંસા વગેરે પાપભાવો અને દયા–દાન વગેરે પુણ્યભાવો તે બધા
ઉપાધિરૂપ છે, તે મારું સ્વરૂપ નથી.
જેમ અજવાળાનો નાનામાં નાનો ભાગ કરો તોય તે અજવાળું હોય. અંધારું ન હોય. તેમ ચૈતન્ય ધર્મનો
નાનામાં નાનો ભાગ પણ ચૈતન્યરૂપ હોય, પણ વિકારરૂપ ન હોય, વિકારના સરવાળામાંથી વિકાર આવે, પણ
તેનાથી ધર્મ થાય નહિ. ચૈતન્યની મોટપને ભૂલીને પરવસ્તુથી પોતાની મોટપ માનવી તે અજ્ઞાન છે. કોઈ ઘણી
વસ્તુને પોતાની માનીને તેનાથી મોટપ માને, અને કોઈ થોડાથી મોટપ માને–તે બંનેને પરનો અહંકાર સરખો છે.
રાજા હોય તો રાજનો મમકાર કરીને તેનાથી પોતાની મોટપ માને ને કીડી શરીરને પોતાનું માનીને તેનો મમકાર
કરે–તે બંનેને પરનો મમકાર સમાનપણે છે. ત્રણકાળમાં રાજાનું રાજ પણ આત્માનું નથી ને કીડીનું શરીર પણ
આત્માનું નથી. આત્મા તેનાથી જુદો, જ્ઞાતાદ્રષ્ટા છે.
જે જીવતા માણસને મરેલો માને તેને લોકો મૂર્ખ કહે છે, તેમ ચૈતન્ય તો જાણનાર–દેખનાર ચૈતન્ય છે,
તેને પરનો કર્તા માનવો તે ચૈતન્યને હણી નાખવા જેવું છે. ચૈતન્ય દેખનાર સ્વરૂપ છે તેને તેવો ન માન્યો એટલે
ચૈતન્યની હિંસા કરી. ચૈતન્યને જાણનાર જ્ઞાની અંતરમાં એકાગ્ર થઈને જ્ઞાનનો વિકાસ કરે છે, અજ્ઞાની બહારમાં
ફેરફાર કરવાનું માને છે પણ પરથી જુદા પોતાના સ્વરૂપમાં એકાગ્ર થવાનું તે સમજતો નથી. જ્ઞાની તો આત્માને
જાણીને તેમાં એકાગ્રતા વડે અવ્યક્ત શક્તિને પ્રગટ કરે છે. ને વ્યક્ત એવા રાગ દ્વેષ ટળી જાય છે.
આત્માનો સ્વભાવ અનાદિથી એવો ને એવો છે, છે, છે ને છે એટલે ત્રિકાળ છે. ત્રિકાળને કોણ બનાવે?
જો બનાવનાર હોય તો વસ્તુ કૃત્રિમ–અનિત્ય ઠરે. આત્મા તેવો કૃત્રિમ નથી. અનાદિથી આવા આત્માને કદી
જાણ્યો નથી, એ સિવાય જે કર્યું તે બધું રણમાં પોકની જેમ ફોક છે.
લોકો પરવસ્તુથી મોટપ માને છે અને કહે છે કે ‘હતાં તે ગયાં, ને નો’ તાં તે સાંપડ્યા’, પણ ખરેખર
પર વસ્તુ આત્મામાં આવતી નથી ને જતી પણ નથી. આત્મામાં અનાદિનું સમ્યગ્જ્ઞાન ન હતું તે પ્રગટ કર્યું તેણે
જ અનાદિથી નો’ તું તે સાંપડ્યું, અને અનાદિથી જે મિથ્યાત્વ હતું તે ટાળ્યું. –એ જ ધર્મ છે.
આત્મસ્વરૂપનું અનંતકાળથી અજાણપણું છે, ને અભ્યાસ નથી તેથી મોંઘું કલ્પ્યું છે માટે દુર્લભ છે, પણ
ખરેખર તો પોતાનું સ્વરૂપ છે તેથી સુલભ છે.