: જેઠ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૪૭ :
રહેલા છે, બંને ધર્મોસ્વરૂપ વસ્તુ એક જ છે. એકપણું કે અનેકપણું ઈત્યાદિ ભેદના વિકલ્પને છોડીને અભેદરૂપ
એક ધર્મી વસ્તુને લક્ષમાં લેવી તે અનેકાંતનું પ્રયોજન છે. એક આખી વસ્તુને લક્ષમાં લીધા પછી તેના અનેક
ધર્મોને ઓળખવાથી વસ્તુસ્વરૂપ વિશેષ સ્પષ્ટપણે જણાય છે–જ્ઞાનની નિર્મળતા વધે છે. જે જીવ એક–અનેક,
નિત્ય–અનિત્ય ઈત્યાદિ ધર્મોના ભંગભેદને જાણવામાં જ રોકાઈ જાય છે, પણ ધર્મભેદના વિકલ્પ છોડીને
અભેદરૂપ એકધર્મીને લક્ષમાં લેતો નથી તે જીવને સમ્યગ્જ્ઞાન થતું નથી. ધર્મદ્વારા આખા ધર્મીને ઓળખી લ્યે તો
જ સમ્યગ્જ્ઞાન થાય છે. –૬–
હવે કહે છે કે આત્મા કથંચિત્ વક્તવ્ય છે અને કથંચિત્ અવક્તવ્ય છે–
नाऽवक्तव्यः स्वरूपाद्यैर्निर्वाच्यः परभावतः।
तस्मान्नैकान्ततो वाच्यो नापि वाचामगोचरः।। ७।।
સામાન્ય અર્થ:– આત્મા પોતાના સ્વરૂપથી કહી શકાય તેવો છે તેથી અવક્તવ્ય નથી. અને પર પદાર્થોના
ભાવોથી આત્મા કહી શકાય તેવો નથી તેથી તે અવક્તવ્ય પણ છે. માટે આત્મા એકાંતે વાચ્ય પણ નથી અને
એકાંતે વાચાથી અગોચર પણ નથી.
ભાવાર્થ:– દરેક વસ્તુ પોતાના ધર્મોની અપેક્ષાથી કહી શકાય છે પણ તેનાથી બીજી વસ્તુના ધર્મોવડે તે
વસ્તુ કહી શકાતી નથી. આત્માનું સ્વરૂપ આત્માના ધર્મોદ્વારા કહી શકાય છે તેથી આત્મા વક્તવ્ય છે અને પરના
ધર્મોદ્વારા આત્માનું સ્વરૂપ કહી શકાતું નથી તેથી આત્મા અવક્તવ્ય છે.
અહીં એમ સમજવું કે, પર પદાર્થોના ગુણોને (ધર્મોને) જોવાથી આત્માનું સ્વરૂપ જણાતું નથી પણ
આત્માના ગુણોની ઓળખાણદ્વારા જ આત્માનું સ્વરૂપ જાણી શકાય છે. –પોતાના સ્વભાવ તરફ વળવાથી જ
સમ્યગ્જ્ઞાન થાય છે, એવો તેનો સાર છે. –૭–
હવે આત્માના અસ્તિ–નાસ્તિધર્મને અને મૂર્ત–અમૂર્તધર્મને અનેકાંતમય યુક્તિથી કહે છે:–
स स्याद्विधिनिषेधात्मा स्वधर्मपरधर्मयोः।
समूर्तिर्बोधमूर्तित्वादमूर्तिश्च विपर्ययात्।। ८।।
સામાન્ય અર્થ:– તે આત્મા પોતાના ધર્મોની અપેક્ષાએ વિધિરૂપ એટલે કે અસ્તિરૂપ છે અને પર ધર્મોની
અપેક્ષાએ નિષેધરૂપ એટલે કે નાસ્તિરૂપ છે; એ રીતે સ્યાત્ અસ્તિનાસ્તિરૂપ છે. તેમજ જ્ઞાનરૂપી મૂર્તિ (–
જ્ઞાનરૂપી આકાર) સહિત હોવાથી આત્મા મૂર્તિક છે અને તેથી વિપરીત હોવાથી એટલે કે પુદ્ગલનો આકાર
તેનામાં નહિ હોવાથી અમૂર્તિક છે.
ભાવાર્થ:– દરેક પદાર્થ પોતાના સ્વધર્મરૂપે રહે છે, કોઈ પણ પદાર્થ પોતાના સ્વધર્મોને છોડીને બીજા
પદાર્થના ધર્મને પોતામાં સ્વીકારતો નથી ને પોતાના કોઈ ધર્મને બીજામાં અર્પતો નથી. આવું સ્વરૂપથી અસ્તિત્વ
અને પરથી નાસ્તિત્વ દરેક પદાર્થનું સ્વરૂપ છે. આત્મા પોતાના ચૈતન્ય વગેરે ગુણોથી અસ્તિરૂપ છે ને પરથી
નાસ્તિરૂપ છે, એટલે આત્મા પોતાના કોઈ ધર્મને પરમાં એકમેક કરતો નથી ને પરના કોઈ ધર્મોને પોતામાં
એકમેક કરતો નથી. સદાય પરથી જુદો ને જુદો જ રહે છે. પરથી નાસ્તિપણું હોવારૂપ ધર્મ પણ પોતામાં જ છે.
કાંઈ અસ્તિધર્મ પોતામાં અને નાસ્તિધર્મ પરમાં–એવું નથી.
આ શાસ્ત્રમાં સૂત્ર બહુ ટુંકાં છે પણ અંતરમાં જૈનધર્મનાં મૂળભૂત રહસ્યો છે. સ્વરૂપથી અસ્તિ અને
પરરૂપથી નાસ્તિ એટલે કે દરેક પદાર્થો પોતે પોતાથી જ પરિપૂર્ણ છે અને પરની મદદ વગરનો છે. એક વાર એક
ધર્મી મહાત્માને કોઈએ પૂછયું કે, જૈનધર્મનું એવું મૂળભૂત સિદ્ધાંત સૂત્ર શું છે કે જેના આધારે આખા જૈનધર્મના
મૂળ સિદ્ધાંતો સાબિત થઈ શકે? ત્યારે તે મહાત્માએ જવાબ આપ્યો કે ‘સર્વ પદાર્થો પોતાના સ્વરૂપથી અસ્તિરૂપ
છે અને પર રૂપથી નાસ્તિરૂપ છે એટલે કે સર્વે પદાર્થો સ્વતંત્ર પરિપૂર્ણ છે.’ આ જૈન–ધર્મનો મૂળભૂત સિદ્ધાંત છે;
એના આધારે વસ્તુસ્વરૂપની બરાબર સિદ્ધિ થઈ શકે છે. પોતે પોતાથી પરિપૂર્ણ છે એમ સ્વીકારતાં જ પર
પદાર્થોથી નિરપેક્ષપણું થઈ જાય છે એટલે પરમાં એકતાબુદ્ધિ ટાળીને પોતાના જ સ્વભાવનો આશ્રય કરે છે, આ
જ ધર્મ છે અને આ જ અનેકાતસ્વરૂપની સમજણનું ફળ છે.
આત્મામાં સ્પર્શ–રસ–ગંધ–વર્ણરૂપ પૌદ્ગલિક આકાર નથી તેમ જ ઈન્દ્રિયોદ્વારા આત્મા ગ્રાહ્ય થતો નથી
તેથી આત્મા અમૂર્તિક છે. અને આત્મામાં જ્ઞાન રૂપી આકાર છે તેમ જ જ્ઞાનવડે આત્માના આકારનું ગ્રહણ થઈ
શકે છે તેથી આત્મા મૂર્તિક પણ છે.