Atmadharma magazine - Ank 068
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 17

background image
: ૧૪૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૭૫ :
‘આત્મા તો અમૂર્ત છે તેથી તેનો નિર્ણય આપણે ન કરી શકીએ’ એમ ઘણા મૂર્ખ અજ્ઞાની જીવો કહે છે.
અહીં તેને કહે છે કે–આત્મામાં જડ પુદ્ગલ જેવું રૂપ નથી તેથી આત્મા ઈન્દ્રિયોવડે ગ્રાહ્ય ભલે ન થઈ શકે, પરંતુ
આત્મામાં પોતાનું ચૈતન્યરૂપ તો છે તેથી આત્માનો નિર્ણય જ્ઞાનવડે બરાબર થઈ શકે છે. જ્ઞાનનો સ્વભાવ
અરૂપીને પણ જાણવાનો છે. આત્મા પોતાના ચૈતન્યસ્વરૂપથી પરિપૂર્ણ સદ્ભાવરૂપ વસ્તુ છે અને અનેકાંતમય
સમ્યગ્જ્ઞાનવડે તેને બરાબર જાણી શકાય છે.
કોઈ કહે કે ‘આ આત્મા ચેતન સ્વરૂપ છે ને બીજા આત્માઓ પણ ચેતન સ્વરૂપ છે, તો બીજા
આત્માઓથી આ આત્મા જુદો છે એમ કઈ રીતે નક્કી થાય?’ –તેનું સમાધાન:– બધા આત્મા ચૈતન્યસ્વરૂપ છે
એ વાત સાચી, પણ દરેક જીવને પોતપોતાની ચેતનાનો જ અનુભવ છે. પોતાને જે સંવેદન થાય છે તે પોતાની
ચેતનાનું જ સંવેદન થાય છે, બીજા આત્માની ચેતનાનું વેદન પોતાને થતું નથી; તેથી સ્વસંવેદનમાં આવતી
પોતાની ચેતનાવડે, બીજા આત્માઓથી પોતાના જુદાપણાનો અનુભવ થાય છે.
–૮–
હવે આત્માના અનેકાંત સ્વરૂપના વર્ણનનો ઉપસંહાર કરતાં આચાર્યદેવ કહે છે કે–અત્યાર સુધી વર્ણન કર્યું
તે અનુસાર કથંચિત્ અસ્તિ–નાસ્તિ, મૂર્ત–અમૂર્ત, વક્તવ્ય–અવક્તવ્ય, એક–અનેક, ભિન્ન–અભિન્ન, ચેતન–અચેતન,
ગ્રાહ્ય–અગ્રાહ્ય ઈત્યાદિ અનેક ધર્મોને તેમ જ બંધ–મોક્ષને અને તેના ફળને આત્મા સ્વયમેવ ધારણ કરે છે:–
इत्याद्यनेकधर्मत्वं बंधमोक्षौ तयोः फलम्।
आत्मा स्वीकुरुते तत्तत्कारणौः स्वयमेव तु।।
९।।
સામાન્ય અર્થ:– ઉપર કહ્યા તે વગેરે અનેક ધર્મપણાને આત્મા સ્વયમેવ ધારણ કરે છે; તેમ જ બંધ–
મોક્ષને અને તેના ફળને પણ તેના તેના કારણોથી આત્મા પોતે ધારણ કરે છે.
ભાવાર્થ:– આત્મા અનંત ધર્મ સ્વરૂપ વસ્તુ છે. તેના દરેક ધર્મ પોતપોતાની સ્વતંત્ર વિવક્ષાથી સિદ્ધ થાય
છે. યથાર્થ વિવક્ષા સમજ્યા વગર વસ્તુના ધર્મોનું સ્વરૂપ સમજાતું નથી. દરેક વસ્તુ પોતાના સ્વરૂપથી જ
અનેકાંતસ્વરૂપ છે. સ્યાદ્વાદ કાંઈ વસ્તુમાં નવા ધર્મો ઉપજાવીને કહેતો નથી, પણ વસ્તુ સ્વયમેવ પોતાના
ધર્મોને ધારણ કરનારી છે. સ્યાદ્વાદ તો સમ્યક્ યુક્તિ–દ્વારા માત્ર તે ધર્મોદ્વારા વસ્તુની સિદ્ધિ કરે છે.
પર દ્રવ્યોના ધર્મો સાથે આત્માને કાંઈ સંબંધ નથી; તેથી આ ‘સ્વરૂપ સંબોધન’ માં ક્યાંય પર દ્રવ્યનું
વર્ણન કર્યું નથી, પણ સ્વદ્રવ્યનું જ વર્ણન કરીને તેની ભાવના કરવાનું જણાવ્યું છે, કેમકે સ્વદ્રવ્યની ભાવના તે
મોક્ષનું કારણ છે, અને પર દ્રવ્યની ભાવના તે બંધનું કારણ છે.
પહેલાંં અસ્તિ–નાસ્તિ વગેરે ત્રિકાળી ધર્મોની વાત કરીને હવે બંધ–મોક્ષરૂપ પર્યાયને પણ આત્મા પોતે જ
ધારણ કરે છે એમ બતાવે છે. જેમ ત્રિકાળી ધર્મોને આત્મા સ્વયમેવ ધારણ કરે છે તેમ બંધ કે મોક્ષ પર્યાયને પણ
આત્મા પોતે સ્વયમેવ ધારણ કરે છે. બંધના કારણો મિથ્યાત્વાદિક છે અને મોક્ષનાં કારણ સમ્યગ્દર્શનાદિક છે, તે તે
કારણોથી આત્મા પોતે જ બંધ–મોક્ષ પર્યાયને ધારણ કરે છે. પણ કોઈ કર્મ વગેરેના કારણે આત્મામાં બંધ પર્યાય થતો
નથી અને કોઈ નિમિત્તને કારણે આત્મામાં મોક્ષપર્યાય થતો નથી. તેમજ બંધપર્યાયનું ફળ દુઃખ છે ને મોક્ષપર્યાયનું
ફળ સુખ છે, તે સુખ કે દુઃખરૂપ ફળને પણ આત્મા જ પોતે ધારણ કરે છે. –આવો આત્માનો પર્યાયધર્મ છે.
જે આત્મા કર્મનો કર્તા છે તે જ તેના ફળનો ભોક્તા છે અને તે કર્તા–ભોક્તાપણા રહિત મુક્ત પણ તે જ
આત્મા થાય છે, એમ હવે કહે છે:–
कर्ता यः कर्मणां भोक्ता तत्फलानां स एव तु।
बहिरन्तरुपायाभ्यां तेषां मुक्तत्वमेवहि।।
१०।।
સામાન્ય અર્થ:– જે આત્મા કર્મોનો કર્તા થાય છે તે જ આત્મા તેના ફળનો ભોક્તા છે અને બાહ્ય–અંતર
ઉપાયો વડે તેનાથી મુક્તપણું પણ તે જ જીવને થાય છે.
ભાવાર્થ:– પર્યાયમાં વિકારીભાવોરૂપ કર્મને આત્મા પોતે કરે છે અને તેના ફળને આત્મા પોતે જ ભોગવે
છે. વળી એ વિકારીભાવોને ટાળીને મુક્તપર્યાયરૂપે પણ આત્મા પોતે જ થાય છે. સંસારદશા અને મુક્તદશામાં
આત્મા પોતાના મૂળ સ્વરૂપે સળંગ એક–