Atmadharma magazine - Ank 068
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 17

background image
: ૧૪૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૭૫ :
દ્રવ્યોની સંખ્યામાં પુદ્ગલ દ્રવ્યો સૌથી અનંતા છે. ક્ષેત્રથી આકાશ દ્રવ્ય બધા કરતાં અનંતગુણું છે, અને
ભાવથી ભગવાન આત્માના જ્ઞાનની અનંતતા છે. બધા પદાર્થોની અનંતતાને જાણનારું આત્માનુ જ્ઞાન જ છે, તે
જ્ઞાનનો જ મહિમા છે. જ્ઞાનસ્વભાવની અનંતતાનો મહિમા જાણીને તેમાં જે જ્ઞાન વળ્‌યું તે જ્ઞાન આત્માના
કલ્યાણનું કારણ છે. છ દ્રવ્યોના સ્વભાવનું યથાર્થ વર્ણન સંપૂર્ણ સર્વજ્ઞદેવના માર્ગ સિવાય બીજે ક્યાંય નથી;
અને તે છ દ્રવ્યોનો તથા તેને જાણનાર પોતાના જ્ઞાન સ્વભાવનો યથાર્થ સ્વીકાર કરનાર સર્વજ્ઞદેવના
અનુયાયી–સમ્યગ્દ્રષ્ટિ સિવાય બીજું કોઈ નથી.
આકાશની અનંતતા વગેરે છ એ દ્રવ્યોને રાગસહિત ખ્યાલમાં લ્યે તેટલો ઉઘાડ તો અજ્ઞાનમાં પણ હોય
છે. બધા દ્રવ્યોમાં આકાશ અનંતગુણા પ્રદેશવાળું છે એવું તો મિથ્યાશ્રુતજ્ઞાન પણ ખ્યાલમાં લે છે. પરંતુ પર
પદાર્થોનું ગમે તેટલું જાણપણું કરે તે આત્માને જાણવામાં કાર્યકારી થાય નહિ. પોતાના સ્વભાવના સ્વીકાર
વિનાનું જેટલું પરનું જ્ઞાન હોય તે બધું અચેતન છે. ચેતન તો તેને કહેવાય કે જે ત્રિકાળી જ્ઞાનસ્વભાવને
સ્વીકારને તેમાં અભેદ થાય. ચૈતન્યથી ભેદ પાડીને પરમાં અભેદપણું માને તો તે જ્ઞાન ચેતનાનું વિરોધી છે.
આકાશ તે જડ દ્રવ્ય છે ને તેનામાં જ્ઞાન નથી એવું તો સામાન્યપણે ઘણા જીવો માને; પણ અહીં માત્ર
આકાશનું જ અચેતનપણું સાબિત નથી કરવું પણ આચાર્યદેવે અહીં ગૂઢ ભાવો ભર્યા છે; એકલા આકાશ તરફનું
જ્ઞાન પણ અચેતન છે–એમ કહીને ત્રિકાળી આત્મ સ્વભાવ સાથે જ્ઞાનની એકતા જણાવે છે; એટલે વર્તમાન
જ્ઞાનમાંથી પરનો અને પર્યાયનો પણ આશ્રય છોડીને ત્રિકાળી દ્રવ્યનો આશ્રય કરવાનું જણાવ્યું છે.
જે જીવે કુદેવ–કુગુરુ–કુશાસ્ત્ર–કુતીર્થની માન્યતા છોડી દીધી છે અને જૈનના નામે પણ જે કલ્પિત
મિથ્યામાર્ગ ચાલે છે તેની શ્રદ્ધા છોડીને સાચા દેવ શાસ્ત્ર–ગુરુની શ્રદ્ધા–ઓળખાણ કરી છે અને તેમણે કહેલા
આકાશ વગેરે દ્રવ્યોના વિચારમાં જ અટકી રહ્યો છે પણ પોતાના સ્વભાવ તરફ વળતો નથી એવા પાત્ર જીવને
માટે અહીં ઉપદેશ છે કે–હે જીવ? પર દ્રવ્યો તરફ વળીને રાગસહિત જે જ્ઞાન જાણે તે તારું સ્વરૂપ નથી, પણ
ચૈતન્યસ્વભાવમાં વળીને જ્ઞાનની જે અવસ્થા ચૈતન્યસ્વભાવમાં અભેદ થઈને સ્વ–પરને જાણે તે તારું સ્વરૂપ છે.
ચૈતન્યસ્વભાવમાં વળીને તેમાં લીન થયેલો પર્યાય તે જ ચૈતન્યનું સર્વસ્વ છે.
અહો, અનંત આકાશને ખ્યાલમાં લેનાર એવા જ્ઞાનને પણ જે જીવ ‘અચેતન’ સ્વીકારશે તે જીવ રાગ–
દ્વેષને પોતાનાં કેમ માનશે? ને તેનાથી ધર્મ કેમ માનશે? પરમાં ક્યાંય સુખ કેમ માનશે? ને પરનો કર્તા પોતાને
કેમ માનશે? –એ જીવ તો પોતાના જ્ઞાનપર્યાયનો આશ્રય પણ છોડીને પોતાના પરિપૂર્ણ સ્વભાવ તરફ વળીને
તેમાં લીન થશે. અહો, આવા ભગવાન ચૈતન્ય સ્વભાવના સ્વીકારમાં કેટલો પુરુષાર્થ છે! પોતાના મતિ–
શ્રુતજ્ઞાનને સ્વભાવમાં એક કરીને સ્વભાવના આશ્રયે હું જ્ઞાતાદ્રષ્ટા છું એમ જેણે સ્વીકાર્યું તેની જ્ઞાનચેતના
જાગૃત થઈ તે આત્મા પોતે જાગૃત થયો, સાધક થયો અને હવે અલ્પકાળમાં કેવળજ્ઞાન લેવાનો છે.
–ભેદવિજ્ઞાનસાર
એકવાર તો જ્ઞાનસમુદ્રમાં ડૂબકી માર!
પુણ્ય–પાપ તે પરસમય છે, અનાત્મા છે; તેનું જ હોવાપણું જેને ભાસે છે તે
મિથ્યા દ્રષ્ટિ છે. પુણ્ય–પાપ વખતે જ ચૈતન્યસ્વભાવમાં દર્શન–જ્ઞાન–ચારિત્રની એકતા
જેને ભાસે છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. સમ્યગ્દર્શનના પ્રભાવે પર્યાયે પર્યાયે સ્વભાવમાં એકતા
જ વધતી જાય છે. માટે આચાર્ય ભગવાન કહે છે કે હે ભાઈ! એકવાર તું એમ તો માન
કે જ્ઞાનસ્વરૂપ જ હું છું, રાગાદિ મારામાં છે જ નહિ. પર્યાયમાં રાગાદિ થાય તે મારા
સ્વરૂપમાં નથી, ને મારું જ્ઞાન તે રાગમાં એકમેક થઈ જતું નથી. આમ રાગ અને
જ્ઞાનની ભિન્નતાને જાણીને એકવાર તો રાગથી જુદો પડીને આત્માના જ્ઞાનનો અનુભવ
કર! તારા જ્ઞાનસમુદ્રમાં એકવાર તો ડૂબકી માર.
–ભેદવિજ્ઞાનસાર–