Atmadharma magazine - Ank 069
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 17

background image
: અષાડ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૬૭ :
છે. જીવે અનંતકાળમાં એક સેકંડ પણ આવા સમ્યગ્દર્શનની સમજણ કરી નથી. અનંતકાળે આ મનુષ્ય દેહ મળે
છે તેમાં એ જ કરવા જેવું છે.
જેમ ભગવાન બધાના જાણનાર છે, પણ તેમને રાગ–દ્વેષ નથી, તેમ આ આત્મા પણ જાણનાર છે, તેને
રાગ–દ્વેષ હોય ભલે પણ તે રાગ–દ્વેષ મારું સ્વરૂપ નથી, હું જ્ઞાતા છું–એવું ભાન કરે તો સમ્યગ્દર્શન થાય. શ્રેણીક
રાજાને વ્રત ન હતું, ત્યાગ ન હતો છતાં તીર્થંકરનામકર્મ બાંધ્યું. એ કોનો પ્રતાપ? એમને સમ્યગ્દર્શન હતું, તેના
પ્રતાપે આવતી ચોવીસીમાં જગતપૂજ્ય પહેલા તીર્થંકર થશે.
જ્ઞાન આત્મામાં ભર્યું છે, કાંઈ શાસ્ત્રના પાનામાં જ્ઞાન નથી, તે તો જડ છે. જેમ મીઠાના ગાંગડામાં
ખારાશ ભરી છે તેમ આત્મામાં જ્ઞાન ભર્યું છે. પુણ્ય–પાપ થાય તે ભાવ આત્માનું સ્વરૂપ જ નથી–એમ સમજે તો
સમ્યગ્જ્ઞાન છે. એવું સમ્યગ્જ્ઞાન થયા પછી પૂજા–ભક્તિનો શુભાભવ આવે ને રમવાનો કે ભોગનો અશુભભાવ
પણ આવે, પણ જ્ઞાની જાણે છે કે એ શુભ ને અશુભ બંને મારો ધર્મ નથી. શુભરાગ થાય તે પાપ નથી તેમજ
ધર્મ પણ નથી, પણ તે પુણ્ય છે. ધર્મ ચીજ તેનાથી જુદી છે. પુણ્ય કરીને અનંતવાર દેવ થયો પણ ધર્મ ચીજ શું
છે? તે ન સમજ્યો, તેથી અનંત સંસારમાં રખડયો. એક સેકંડ માત્ર જો આત્માને સમજે તો સંસારથી બેડો પાર
થઈ જાય.
ભગવાન શાંતિનાથ વગેરે તીર્થંકરો ચક્રવર્તી હતા. માતાના પેટમાં આવ્યા ત્યારથી મતિ–શ્રુત–અવધિ
એવા ત્રણ જ્ઞાનસહિત આવ્યા હતા. તેમને રાગ હતો, હજી વીતરાગ થયા ન હતા છતાં ઉપર કહ્યું તેવું
આત્મભાન હતું.
ભગવાને માર્ગ જેમ છે તેમ કહ્યો છે, પણ કર્યો નથી. मग्ग देसयाणं એટલે હે ભગવાન! તમે મોક્ષનો
માર્ગ દેખાડનારા છો. ભગવાન તો માર્ગ દેખાડનારા છે પણ ચાલવાનું તો પોતાને છે, ભગવાન જેમ કહે છે તેમ
એક સેકંડ પણ સમજે તો સમ્યગ્દર્શન થયા વગર રહે નહિ.
સીતાજીના પેટમાં લવ–કુશ બે પુત્ર હતા. તે વખતે ય સીતાજીને સમ્યગ્દર્શન હતું–આત્મભાન હતું.
રામચંદ્રજીએ સીતાજીને જંગલમાં મૂકી આવવાનો હુકમ કર્યો, છતાં જંગલમાં આત્માનું ભાન હતું. ધર્મી જીવ
સંસારમાં રહ્યા છતાં નિર્લેપ રહે છે. જેમ ધાવમાતા બાળકને ખેલાવે પણ અંતરમાં સમજે છે કે આ બાળક
કમાઈને મને નહિ ખવરાવે. તેમ ધર્મી જીવ ગૃહસ્થદશામાં હોવા છતાં અંતરમાં આત્માનું ભાન છે કે આ શરીર–
પુત્ર વગેરે મારાં નથી, ને વિકાર થાય તે પણ મારો સ્વભાવ નથી, એ કોઈ મને ધર્મમાં મદદ કરનાર નથી.
આત્માનું ભાન થયા પછી રાગ હોય, રાજપાટ હોય, લડાઈ કરતા દેખાય, છતાં ધર્માત્મા અંદરનું ભાન
ચૂકતા નથી. શાંતિનાથ, કુંથુનાથ ને અરનાથ એ ત્રણે તીર્થંકરો ચક્રવર્તી હતા, માતાના પેટમાં આવ્યા ત્યારથી
આત્મભાન લઈને જ આવ્યા હતા, છતાં પછી રાજમાં રહ્યા, છ ખંડ જીત્યા, તેવો રાગ હતો, તેને પોતાની
નબળાઈ જાણતા, પણ તે રાગને પોતાનું સ્વરૂપ માનતા નહિ, ને એક ક્ષણ પણ આત્માનું ભાન ચૂકતા નહિ,
આવા આત્માની ઓળખાણ વગર ધર્મ ને મુક્તિ થાય નહિ. પહાડ ઉપર વીજળી પડે ને તેના બે કટકા થાય,
પછી તે રેણથી સંધાય નહિ, તેમ એકવાર પણ આત્માનું ભાન કરે તે જીવ અનંત સંસારમાં રખડે નહિ, તે હળવે
હળવે સંસારને તરી જશે. આવું ભાન આઠ વર્ષની બાલિકાને થાય છે. મહાવિદેહમાં અત્યારે સીમંધરપરમાત્મા
બિરાજે છે, તે તીર્થંકર છે, તેમના સમોસરણમાં અત્યારે આઠ આઠ વર્ષના બાળકો આત્માને ઓળખે છે. બાપુ!
અનંત કાળમાં આત્માને જાણ્યા વગર તેં બધી ધમાલ કરી. તારું સ્વરૂપ તો શેરડીના રસ જેવું મીઠું છે, ને પુણ્ય–
પાપ તો મેલ છે, છોતાં છે. અહો! ભગવાન આત્માનું સ્વરૂપ શું કહે છે? શરીર નહિ, મન નહિ, વાણી નહિ.
રાગ નહિ દ્વેષ નહિ, જ્ઞાનમૂર્તિ આત્મા છે–એમ સાંભળીને અંતર આત્માના મહિમા તરફ વળતાં આઠ વર્ષની
રાજકુમારી પણ આત્માનું ભાન પામે છે.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તે મનથી જણાતાં નથી. મનથી પણ ભગવાન આત્મા અગોચર છે. મન સાથે
જોડાય તો સંકલ્પ–વિકલ્પ ને રાગદ્વેષ થાય છે; તેના આશ્રયે ચૈતન્ય જાત જણાય નહિ, ચૈતન્યના આશ્રયે ચૈતન્ય
જણાય છે. જેમ ઝેર પીવાથી અમૃતના ઓડકાર ન આવે તેમ મનના સંબંધે જે પુણ્ય–પાપના ભાવ થાય તે
વિકાર છે, તે વિકારવડે અવિકારી આત્મા પ્રગટે નહિ. મનથી કામ લ્યે તો કલ્યાણ ન થાય, પણ મનનું
અવલંબન મૂકીને અંદર જ્ઞાનસ્વરૂપ આત્માને ઓળખે તો કલ્યાણ થાય. આત્માનું સમ્યગ્દર્શન તો મનથી પાર
છે. જેમ બાળક પેંડાના સ્વાદ પાસે સોનાનો હાર આપી દે છે, તેમ અજ્ઞાની જીવ પુણ્યની