Atmadharma magazine - Ank 069
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 17

background image
: અષાડ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૫૭ :
હજી શુભરાગનો વિકલ્પ છે તેથી કહ્યું કે “ગણે કાષ્ઠની પૂતળી.” હજી તદ્દન વીતરાગતા થઈ નથી પણ
પર લક્ષે શુભરાગ છે, તેથી તે સાક્ષાત્ ભગવાન નથી, પણ ભગવાન સમાન છે–એમ કહ્યું છે. જો સાક્ષાત્
ભગવાન થઈ ગયા હોય તો કાષ્ઠની પૂતળી સમાન ગણવાનો શુભ વિકલ્પ પણ ન હોય. આત્માના સ્વભાવનું
ભાન હોવાથી અસ્થિરતાના રાગવાળો હોવા છતાં તેને ભગવાનસમાન કહ્યો છે. જેની દ્રષ્ટિ પર ઉપર છે, જે
પરને કારણે રાગ માને છે, જે વિષયોમાં સુખ માને છે, તે ભલે બ્રહ્મચર્ય પાળે તોપણ તેને ધર્મ થતો નથી, ને
એને અહીં ભગવાન્ સમાન કહ્યો નથી.
મારું સ્વરૂપ જ્ઞાતાદ્રષ્ટા છે, રાગ થાય તે વિકાર છે, પરને કારણે રાગ થતો નથી અને રાગ થાય તેમાં
મારું સુખ નથી–એવું જેને ભાન છે એને શ્રીમદ્રાજચંદ્રજીએ ૧૬ મા વર્ષે ભગવાનસમાન કહ્યા છે.
આ સઘળા સંસારની રમણી નાયકરૂપ
એ ત્યાગી ત્યાગ્યું બધું કેવળ શોકસ્વરૂપ. ૨
સ્ત્રી સાથે રમણ કરવામાં સુખ છે એવી બુદ્ધિ તે આ સંસારનું મૂળ છે. જગતમાં મૂળ રાગ સ્ત્રીના
વિષયનો હોય છે, એનામાં પણ સુખબુદ્ધિ જેણે છોડી દીધી છે ને તે તરફના રાગમાં પણ જેને સુખબુદ્ધિ નથી,
તેણે જગતના પદાર્થોના કારણે રાગ થાય એવી માન્યતા છોડી દીધી છે, અને તે કેવળ ઉદાસીન રૂપ જ્ઞાતા દ્રષ્ટા
છે. ખરેખર રમણી સંસારનું કારણ નથી પણ રમણી સાથેના વિષયમાં સુખ છે એવી માન્યતા જ સંસારનું મૂળ
છે. જ્ઞાનીને લક્ષ્મી વગેરે પર ચીજને કારણે તો રાગ થવાની માન્યતા નથી અને અસ્થિરતાથી રાગ થાય તેને
પણ પોતાનું સ્વરૂપ જાણતા નથી. પર વસ્તુ મને હિતકાર નથી એવા ભાનપૂર્વક જેણે ઘણો રાગ છોડ્યો છે અને
બાકી રહેલો અલ્પ રાગ છોડવાની ભાવના છે તેણે બધું ત્યાગ્યું એમ કહ્યું છે.
એક વિષયને જીતતાં જીત્યો સબ સંસાર
નૃપતિ જીતતાં જીતિએ દળ–પૂર ને અધિકાર. ૩
આત્મા જ્ઞાનસ્વરૂપ છે તે સિવાય બીજા બધા પદાર્થો તે મારું ધ્યેય નથી; ચૈતન્ય સ્વભાવને જ્ઞાનનો વિષય
કરીને જેણે પર સાથેનો વિષય છોડી દીધો છે, રાગ થાય તેને ધ્યેય માનતા નથી, પરવસ્તુને ધ્યેય માનતા નથી–
તેણે આખો સંસાર જીતી લીધો. એકલા અબ્રહ્મને જ જીતવાની વાત નથી, પણ એક તરફ ચૈતન્ય તે સ્વવિષય,
અને સામે આખો સંસાર તે પરવિષય છે, જગતનો કોઈ પરવિષય મને સુખરૂપ નથી–એવા ભાનપૂર્વક જેણે એક
વિષય જીત્યો તેણે આખો સંસાર જીતી લીધો છે. જેમ રાજાને જીતતાં લશ્કર વગેરે જીતાઈ જાય છે તેમ
આત્મસ્વભાવના ભાનપૂર્વક જેને વિષયોમાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે તેનો સમસ્ત સંસાર નાશ થઈ જાય છે.
વિષયરૂપ અંકુરથી ટળે જ્ઞાન ને ધ્યાન
લેશ મદીરાપાનથી છાકે જયમ અજ્ઞાન. ૪
પર વિષયમાં સુખ છે એવી બુદ્ધિ તે અજ્ઞાનભાવના અંકુરો છે તેમાંથી અનંત સંસારનું ઝાડ ફાલશે.
ચૈતન્યમાં શાંતિ છે તેને ચૂકીને પરમાં જે સુખ માને છે તેને ચૈતન્યનું જ્ઞાન ને ધ્યાન થતું નથી.
ચૈતન્ય ચૂકીને પરવિષયમાં જેણે સુખ માન્યું છે, તેને આત્માનું સાચું જ્ઞાન નથી, આત્માના જ્ઞાન વગર
આત્માનું ધ્યાન પણ હોય નહિ. જ્ઞાની પરમાં સુખ માનતા નથી, જ્ઞાનસ્વભાવી આત્મામાં જ મારું સુખ છે એવું તેને
ભાન છે, તે મોક્ષના અંકુર છે. અજ્ઞાનીને પરમાં સુખબુદ્ધિ હોવાથી તેને વિષયનો અંકુર વધારવાની ભાવના છે,
જ્ઞાનીને સ્વભાવના ભાનમાં ક્ષણે ક્ષણે રાગ ઘટતો જાય છે કેમ કે રાગની ભાવના નથી ને વિષયમાં સુખબુદ્ધિ નથી.
અજ્ઞાનીને રાગની વૃદ્ધિ થશે એટલે રાગરહિત સ્વભાવનું જ્ઞાન ટળશે, ને વિષયનાં અંકુરની વૃદ્ધિ થશે પણ ચૈતન્યમાં
એકાગ્રતા નહિ થાય. જેમ મદિરાપાનથી અજ્ઞાન થાય છે, ને માતાને પણ સ્ત્રી કહેવા માંડે છે, તેમ અજ્ઞાની પરમાં
સુખ માનીને વિષયોનો રાગ કરે છે, એટલે તેનો રાગ તે વિષયનો અંકુર છે, તેમાંથી સંસારનું ઝાડ થશે. જ્ઞાનીને
રાગ થાય તે અસ્થિરતાનો છે, તે સંસારનું કારણ નથી. તેને સમ્યગ્જ્ઞાનનો અંકુર ફાલીને કેવળજ્ઞાન થાય છે.
જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ
ભવ તેનો લવ પછી રહે તત્ત્વવચન એ ભાઈ. ૫
હે ભાઈ! આત્મભાન વગર તો અનંતવાર નવ વાડે શિયળ પાળ્‌યું, પણ તે ‘વિશુદ્ધ’ નથી; આત્મસ્વરૂપના
ભાનસહિત જે નવ વાડે બ્રહ્મચર્ય પાળે છે તેને પછી અલ્પ ભવ જ રહે છે, –આવું તત્ત્વવચન છે. રાગ–
(અનુસંધાન પાન ૧૬૮)