: શ્રાવણ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૮૩ :
નથી ને દેહ નથી. આવા શુદ્ધ ચૈતન્યસ્વરૂપી આત્માની નિઃશંક શ્રદ્ધા કરે છે તે સમ્યગ્દ્રષ્ટિ છે.
જ્ઞાનસ્વરૂપી આત્મા અમૂર્તિક છે તેને મૂર્તિક આહાર ત્રણકાળ ત્રણ લોકમાં નથી. આવા પોતાના
ચૈતન્યસ્વરૂપની રુચિ કરીને તેની શ્રદ્ધા તથા જ્ઞાન કરતાં રાગની રુચિ તેમ જ પરની પક્કડ છૂટી જાય છે ને
સ્વભાવના આશ્રયે ક્ષણે ક્ષણે જ્ઞાનની શુદ્ધતા વધતી જાય છે. તેનું વર્ણન આ સર્વે વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં કર્યું છે.
(૨૮) ભાઈ, સ્વભાવને ચૂકીને તારા ઉપયોગનું વલણ પરમાં થાય છે, તો પણ તું પરવસ્તુને તો જરા
પણ ગ્રહી કે છોડી નથી શકતો, માટે તારા ઉપયોગને પર તરફથી પાછો વાળીને ચૈતન્યસ્વભાવમાં ઝૂકાવ, તો
ચૈતન્યમાં એકાગ્રતાથી તારા જ્ઞાનની નિર્મળતા થાય અને એક સમયમાં ત્રણકાળ ત્રણલોક તારા જ્ઞાનમાં જ્ઞેય
તરીકે પ્રાપ્ત થાય–અર્થાત્ જણાય.
(૨૯) જ્યારે નદીમાં પાણીનું ઘણું પૂર આવે અને ઊતરતું ન હોય ત્યારે કોઈ માણસ પોતાની આંગળી
કાપીને તેના લોહી વગેરેથી નદીને વધાવે છે. થોડીવારમાં પૂર ઊતરે તો એમ માને છે કે મેં મારી આંગળીનું
લોહી આપ્યું માટે પૂર ઊતરી ગયું. આ તો તદ્ન સ્થૂળ મિથ્યાત્વ છે. આંગળીના એક રજકરણનું પણ આત્માએ
ગ્રહણ કર્યું નથી અને તેનો ત્યાગ પણ આત્મા કરી શકતો નથી. આંગળીના અનંત રજકણોની ક્રિયા સ્વતંત્ર છે.
અને તેને કારણે પાણીનું પૂર ઊતર્યું નથી. તે જીવ પાણીની એકેક સમયની ક્રિયાને કે આંગળીની એકેક સમયની
ક્રિયાને તો જાણતો નથી, સ્થૂળજ્ઞાનથી માત્ર સ્થૂળ વસ્તુને જોતાં ‘આ મેં કર્યું’ એમ અજ્ઞાનથી માને છે. આત્માને
આહાર કે દેહ જ નથી, તો દેહની ક્રિયા કે દેહવડે પરની ક્રિયાને તો આત્મા કઈ રીતે કરે? જ્ઞાનદ્વારા કે રાગદ્વારા
પરમાં તો જીવ કાંઈ કરી શકતો જ નથી. પરની જે જે ક્રિયા થાય તે જ્ઞાનદ્વારા કે રાગદ્વારા થતી નથી પણ તે
પરના કારણે સ્વયં થાય છે.
(૩૦) અહો, ભગવાન્ આત્મા પોતાના જ્ઞાનસ્વભાવથી ભરેલો છે અને સર્વે પરથી તદ્ન ઉપેક્ષાવાળો છે.
અસ્થિરતાથી પરલક્ષ થાય ને રાગાદિ થાય તેની પણ, સ્વભાવ દ્રષ્ટિના જોરે ઉપેક્ષા કરનારો છે. આવા આત્માને
દેહ સાથે એકમેક માનવો તે ખરેખર મિથ્યાત્વ છે, અને એવા મિથ્યાત્વી જીવની વ્રત, તપ, પડિમા વગેરે બધી
ક્રિયાને શાસ્ત્રો ખરેખર પાપ જ કહે છે; કેમ કે તેના અલ્પ પુણ્ય સાથે મિથ્યાત્વનું અનંત પાપ ભેગું જ બંધાય છે.
(૩૧) પરને ટાળું, પરને લઉં કે પરને ફેરવું–એ વાત આત્માના સ્વભાવમાં નથી, અને ‘રાગને ટાળવો’
એ પણ પર્યાય બુદ્ધિ છે, ખરેખર રાગને ટાળવો તે પણ આત્માના સ્વભાવમાં નથી. રાગને ટાળવાની દ્રષ્ટિ તે
પર્યાયદ્રષ્ટિ છે, પર્યાયદ્રષ્ટિથી રાગ ટળતો નથી. પોતાના જ્ઞાન ઉપયોગને અખંડ ચૈતન્યસ્વભાવમાં વાળીને
એકાગ્રતા થતાં ત્યાં રાગ થતો જ નથી.
સ્વમાં વાળ, બાપા! તારા ચૈતન્ય ઉપયોગને આત્મામાં વાળ. બહારમાં તું કાંઈ પણ ગ્રહી કે છોડી શકતો
નથી, માટે તારા ઉપયોગને બહારમાં ન લંબાવ, તારા અંતરસ્વભાવમાં લંબાવ અને ત્યાં એકાગ્ર થા, તો
કેવળજ્ઞાન થાય ને તારા સંસાર–પરિભ્રમણના અંત આવે.
જેણે આવા જ્ઞાનસ્વભાવને માન્યો અને તેનો આદર કર્યો તેણે અનંત તીર્થંકરો–સંતોનું માન્યું છે ને
તેમનો આદર કર્યો છે, ને તેણે જ પોતાના આત્માને માન્યો છે.
(૩૨) આત્માના શ્રદ્ધા–જ્ઞાન કોને અવલંબે છે? આત્માના શ્રદ્ધા જ્ઞાન કોઈ પરવસ્તુને–દેવ–ગુરુ–શાસ્ત્રને
કે રાગાદિને અવલંબતા નથી, પોતાના આત્મદ્રવ્યને જ અવલંબે છે. આત્મદ્રવ્ય અનંત ગુણોથી અભેદ છે, તેમાં
તારા ઉપયોગને વાળ, તો સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન થાય. અહીં ‘જ્ઞાનને દેહની શંકા ન કરવી’ એટલે કે
જ્ઞાનસ્વભાવમાં નિઃશંક થવું–એમ આચાર્યદેવે આદેશ કર્યો છે. આચાર્યદેવ પોતે ઉપદેશના કે લખવાના વિકલ્પમાં
અટક્યા નથી, અને સામા જીવને પણ ઉપદેશ સાંભળવાના વિકલ્પમાં અટકવાનું નથી કહેતાં, પણ સ્વભાવમાં
વળવાનું કહે છે, –સ્વભાવ તરફ વળીને નિઃશંક થવાનું ફરમાવે છે. ઘણી અદ્ભુત રચના છે! છેલ્લી ગાથાઓમાં
અદ્ભુત વર્ણન છે. જ્ઞાનને દેહની શંકા ન કરવી અને અસ્થિરતાથી દેહ તરફ લક્ષ જતાં આહારાદિનો જરાક રાગ
થઈ આવે તો ત્યાંથી ઉપયોગને પાછો વાળીને સંપૂર્ણપણે સ્વરૂપમાં ઠરવાની ભાવના છે. આહારાદિનું ગ્રહણત્યાગ
આત્મા કરતો નથી–એમ શ્રદ્ધાની વાત પણ સાથે સાથે જણાવી દીધી છે.
(૩૩) (અહીં ટીકામાં ‘જ્ઞાન’ કહેવાથી ‘આત્મા’ સમજવો; કારણ કે, અભેદ વિવક્ષાથી લક્ષણમાં જ
લક્ષ્યનો વ્યવહાર કરાય છે. આ ન્યાયે ટીકાકાર આચાર્યદેવ આત્માને જ્ઞાન જ કહેતા આવ્યા છે.)