પરમાણુના બનેલા છે–અચેતન છે, શું તે અચેતન પરમાણુમાં સુખ છે? –તેમાં ક્યાંય સુખ નથી, ને તે સુખનાં
કારણ પણ નથી. છતાં ઊંધી રુચિને લીધે ત્યાં નિઃશંકપણે સુખ કલ્પી રાખ્યું છે. જ્યાં સુખ નથી ત્યાં માન્યું છે
માટે તે માન્યતા મિથ્યા છે. જો ઊંધી રુચિ ફેરવીને આત્માની રુચિ કરે તો આત્માના સ્વભાવમાં સુખ છે તેનો
પ્રત્યક્ષ અનુભવ થાય. જો લાડવામાં સુખ હોય તો તેનો અર્થ એમ થયો કે જ્યારે લાડવા ખાય ત્યારે આત્મામાં
સુખ આવે, અને પછી જ્યારે તેની વિષ્ટા થઈને બહાર નીકળી જાય ત્યારે આત્મામાંથી સુખ નીકળી જાય!
લાડવામાં સુખ નથી, લાડવામાં સુખ ભાસે છે તે તો માત્ર અજ્ઞાનીની મિથ્યા કલ્પના છે. તે કલ્પના તો પોતામાં
પોતે ઊભી કરી છે. સુખની કલ્પના ક્યાં થાય છે તે પણ કદી વિચાર્યું નથી. આત્મા સિવાય બીજા કોઈ પણ
પદાર્થોમાં સુખ કદી જોયું નથી અને છે જ નહિ, છતાં ત્યાં સુખની કલ્પના ઊભી કરીને નિઃશંકપણે સુખ માની
લીધું છે, અસત્ કલ્પના ઊભી કરી છે. પરમાં સુખ ન હોવા છતાં અને જોયું ન હોવા છતાં ફક્ત રુચિના
વિશ્વાસથી માની લીધું છે. માટે ‘જુએ તો જ માને છે’ –એમ નથી પણ જ્યાં રુચે છે ત્યાં નિઃશંક થઈ જાય છે.
ઊંધી રુચિનું જોર છે તેથી, ‘પરમાં સુખ નથી’ એમ લાખો જ્ઞાનીઓ કહે તો ય તે પોતાની માન્યતા ફેરવતો
નથી. તો, પોતાના આત્મસ્વભાવમાં તો સુખ પરિપૂર્ણ છે, તેને જાણીને માનવું તે તો સત્ પદાર્થની રુચિ છે; જો
સ્વભાવની પ્રતીતિ અને રુચિ કરે તો સ્વભાવનું સુખ તો જણાય અને અનુભવમાં આવે તેવું છે. પરમાં સુખ
માન્યું તે તો અસત્ પ્રતીતિ હતી, તેથી દુઃખ હતું. પરમાં સુખ છે જ નહિ તો તેની પ્રતીતિ કરવાથી સુખ ક્યાંથી
પ્રગટે? પોતાના સ્વભાવમાં સુખ છે તેને માનવું તે સત્ પ્રતીતિ છે, અને એવી પ્રતીતિ કરે તો સ્વભાવમાંથી
સુખ પ્રગટે છે. જ્ઞાનમાં જે જણાય તેને જ માને એવો જીવની શ્રદ્ધાનો સ્વભાવ નથી પણ પોતાને જે રુચે છે તેને
તે માને છે, ને ત્યાં તે નિઃશંક થાય છે. જો સ્વભાવની રુચિ કરે તો સ્વભાવનું સુખ તો જ્ઞાનમાં અનુભવાય તેવું
છે. આત્માનું સુખ પરમાં છે–એવી ઊંધી શ્રદ્ધા તે જ મહાપાપ છે. આત્માનો શ્રદ્ધા ગુણ એવો છે કે જ્યાં રુચિ
થાય ત્યાં તે નિઃશંક થઈ જાય છે. પોતાના સ્વભાવમાં નિઃશંક થાય તો ધર્મ થાય છે. અને પરમાં સુખ માનીને
ત્યાં નિઃશંક થાય તો અધર્મ થાય છે. પરને જાણતાં આત્માનું જ્ઞાન પરમાં રોકાઈને ત્યાં સુખ માની લીધું છે. પણ
તે માન્યતામાં, તે જ્ઞાનમાં, કે પર વસ્તુમાં સુખ પોતે કદી જોયું નથી; અને તે કોઈમાં સુખ નથી એમ અનંત
તીર્થંકરોએ કહ્યું છતાં પોતે તે માન્યતા મૂકતો નથી. જુઓ, અનંત તીર્થંકરો કહે તો ય પોતાને જે વાત રુચિ તે
છોડે નહિ એવી દ્રઢતાવાળો છે. તેમ સ્વભાવની રુચિથી સ્વભાવમાં સુખની જેને શ્રદ્ધા થઈ તે જીવ એવો દ્રઢ હોય
છે કે ઈન્દ્રો તેને શ્રદ્ધાથી ડગાવવા આવે તોય ન ડગે, આખું જગત ન માને અને પ્રતિકૂળ થઈ જાય તો ય તેને
સ્વભાવની શ્રદ્ધા ન ફરે; આખો આત્મા કેવળજ્ઞાનમાં જેવો પ્રત્યક્ષ જણાય તેવો તે જીવને ભલે પ્રત્યક્ષ ન જણાય.
પરંતુ કેવળીએ જેવો જોયો તેવા જ પરિપૂર્ણ આત્મસ્વભાવની દ્રઢ પ્રતીતિ તેને હોય છે. જેવો આત્મા કેવળીની
શ્રદ્ધામાં છે તેવો જ આત્મા તે સાધક ધર્માત્માની શ્રદ્ધામાં છે; તે શ્રદ્ધામાં તે નિઃશંક છે. કોઈની દરકાર કરતો
નથી. આવી પ્રતીતિ કરવી તે જ ધર્મનો ઉપાય છે અફીણ ખાવામાં કે અગ્નિમાં બળવામાં વગેરેમાં સુખ કલ્પે છે.
શું અફીણમાં કે અગ્નિમાં સુખ છે? ત્યાં સુખ નથી, માત્ર અજ્ઞાનથી કલ્પ્યું છે. અજ્ઞાનથી પરમાં સુખ કલ્પવામાં
પણ પરનો આશ્રય કરતો નથી. અદ્ધરથી કલ્પના ઊભી કરીને ન હોય ત્યાં પણ માની લે છે. તો પોતાના
સ્વભાવમાં સુખ છે, તેને કોઈ પરનો આશ્રય નથી, અને તે સ્વભાવની શ્રદ્ધા પણ પરના આશ્રય વગરની છે.