Atmadharma magazine - Ank 071
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 17

background image
: ૧૮૮ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૭૫ :


જ્ઞાન પોતાના સ્વભાવથી થાય છે, શબ્દો સાંભળવાના કારણે થતું નથી. ઘડિયાળમાં આઠ ટકોરા પડ્યા
માટે ‘આઠ વાગ્યા’ એવું જ્ઞાન થયું એમ અજ્ઞાની માને છે. ખરેખર જ્ઞાનની તેવી લાયકાતથી જ તે જણાયું છે,
ટકોરાને લીધે નહિ. જડ શબ્દો જડના કારણે પરિણમે છે, જ્ઞાન જ્ઞાનના કારણે પરિણમે છે. જ્ઞાન અને જ્ઞેયનું
પરિણમન એક જ સમયે વર્તી રહ્યું છે, પણ બંને સ્વતંત્ર છે.
ઘડિયાળમાં ૯માં પ મિનિટ ઓછી હોય ત્યારે જ્ઞાન પણ તેમ જ જાણે, અને કોઈ પૂછે કે કેટલા વાગ્યા?
તો વાણીમાં પણ એમ જ આવે કે ‘નવમાં પાંચ મિનિટ ઓછી’. તથા તે પૂછનાર જીવને જ્ઞાન પણ તેવું જ થાય
છે. આમ બધું મેળવાળું હોવા છતાં દરેકે દરેક દ્રવ્ય સ્વતંત્રપણે પોતાના સ્વકાળમાં જ, પરની અપેક્ષા વગર
પરિણમી રહ્યું છે.
ઘડિયાળમાં નવમાં પાંચ ઓછી હોય ત્યારે જ્ઞાન તેવું જ જાણે પણ ‘બાર વાગ્યા છે’ એમ ન જાણે છતાં
ઘડિયાળના કારણે જ્ઞાન થયું નથી. જ્ઞાનને કારણે ‘નવમાં પાંચ ઓછી’ એવી વાણી થઈ નથી; અને તે વાણીના
કારણે બીજા જીવને તેનું જ્ઞાન થયું નથી.
ઘડિયાળમાં ૮ ને પ મિનિટ થઈ હોય ત્યારે જ્ઞાન તેમ જ જાણે પણ બાર વાગ્યા છે એમ ન જાણે ત્યાં
ઘડિયાળને લીધે જ્ઞાન થતું નથી. ઘડિયાળમાં એટલા વાગ્યા હતા માટે એટલું જ્ઞાન થયું–એમ નથી. તેમજ જ્ઞાને
જેવું જાણ્યુ તેવી જ ભાષા આવે, અને સામો જીવ પણ તેવુ જ સમજી જાય. આવો મેળ હોવા છતાં જ્ઞાને જાણ્યું
માટે ભાષા થઈ નથી અને ભાષાને કારણે સામા જીવને તેનું જ્ઞાન થયું નથી. જ્ઞાનની અવસ્થા સ્વાવલંબી
ચૈતન્યના આશ્રયે જ કાર્ય કરે છે–એમ સમજીને, પોતાના જ્ઞાનસ્વભાવ તરફ વળીને ત્રિકાળી સ્વભાવની શ્રદ્ધા
પ્રગટ કરવી તે સમ્યક્ શ્રદ્ધા છે. પણ ઘડિયાળ વગેરે જ્ઞેયોને કારણે કે શબ્દોને કારણે જ્ઞાન થયું–એમ માને તે જીવે
આત્મામાં જ્ઞાન ને શાંતિ માન્યા નથી એટલે તે જીવ પોતાના સ્વભાવ તરફ વળતો નથી ને તેનું મિથ્યાત્વ ટળતું
નથી. પ્રશંસાના શબ્દો જગતમાં પરિણમે તેનાથી આત્માને સુખ કે જ્ઞાન નથી, છતાં તેનાથી જ્ઞાન કે સુખ માને
તો તે જીવનું જ્ઞાન પરમાં લીન થયેલું છે, તે જ્ઞાન અચેતન છે–અધર્મ છે. શબ્દોથી અને તે તરફના ક્ષણિક
જ્ઞાનથી જુદો પોતાનો પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવ છે–એવો અભિપ્રાય થતાં. શબ્દોને કે અપૂર્ણદશાને ન સ્વીકારતાં
વર્તમાન અવસ્થા પૂર્ણ સ્વભાવ તરફ વળે છે. દ્રવ્ય–ગુણ તો ત્રિકાળ પૂરા છે જ, ને તેના તરફ વળતી અવસ્થા
પણ પરિપૂર્ણને જ સ્વીકારે છે, તેથી તે અવસ્થા પણ પૂર્ણના આશ્રયે પૂરી જ થાય છે.
વાણી તેના અચેતનપણાથી ભરેલી છે ને હું મારા ચેતનપણાથી ભરપૂર છું. મારા જ્ઞાનને વાણીની જરૂર
નથી અને વાણીને મારા જ્ઞાનની જરૂર નથી. –આમ જાણીને જીવ વાણીનો તેમજ વાણી તરફના રાગાદિનો
આશરો છોડીને ચેતનસ્વભાવનો આશરો લે છે. ચેતનસ્વભાવી આત્મદ્રવ્યના લક્ષે સમયે સમયે સ્વભાવની
શુદ્ધતા વધતી જાય છે. એનું નામ સર્વવિશુદ્ધજ્ઞાન છે.
[સ. ગા. ૩૯૦ થી ૪૦૪ ઉપરના વ્યાખ્યાનોમાંથી]
ધર્મમાં કોનું ગ્રહણ ને કોનો ત્યાગ?
પ્રશ્ન–ભેદવિજ્ઞાનથી જ ધર્મ થાય છે એમ કહ્યું, તો તેમાં કાંઈ છોડવાની વાત તો ન
આવી?
ઉત્તર–આત્માએ પરને પોતાનું માન્યું છે–તે ઊંધી માન્યતાને પકડી છે, તે છોડવાની
આમાં વાત છે. કોઈ પરવસ્તુને તો આત્માએ કદી પકડી નથી કે તેને છોડે. આત્મામાં કાંઈ હાથ–
પગ કે દાંત નથી કે જેનાથી તે પર વસ્તુને પકડે કે છોડે. આત્માએ પોતાના સ્વભાવને ભૂલીને
‘વિકાર તે હું’ એમ વિકારની પક્કડ પોતાની અવસ્થામાં કરી છે, જેણે પોતાના પરિપૂર્ણ
જ્ઞાનાનંદ સ્વરૂપની પક્કડ–શ્રદ્ધા–કરીને તે વિકારની પક્કડ છોડી તેણે છોડવાયોગ્ય બધું છોડ્યું છે.
સ્વભાવનું ગ્રહણ ને વિકારનો ત્યાગ એવા ગ્રહણ–ત્યાગ તે જ ધર્મ છે. એ સિવાય પર વસ્તુને
આત્માએ પકડી નથી, પર વસ્તુ આત્મામાં કદી પ્રવેશતી નથી, તો આત્મા તેને છોડે ક્યાંથી? હું
પરને છોડું–એમ જે માને તે જીવ પરનો અહંકાર કરનારો મિથ્યાદ્રષ્ટિ છે.
“ભેદવિજ્ઞાનસાર”