: કારતક : ૨૦૦૬ આત્મધર્મ : ૧૩:
આત્મા મુક્ત થયો તેથી તેમનો નિર્વાણ કલ્યાણિક મહોત્સવ પણ ઊજવે છે.
ભગવાન મોક્ષ પધાર્યા ત્યારે પાવાપુરીમાં ઈન્દ્રો અને દેવોએ આવી મહોત્સવ કરેલો; પાવાપુરીમાં દીવા
વગેરેથી મોટો માંગલિક મહોત્સવ કરેલો તેથી આજના દિવસને દીપોત્સવી કહેવાય છે–દિવાળી કહેવાય છે.
અત્યારે લોકો ચોપડાપૂજન વગેરે કરી સંસાર અર્થે દિવાળી ઊજવે છે, પરંતુ ખરેખર તો આજનો દિવસ
આત્માના પૂર્ણાનંદ સ્વભાવને પ્રગટ કરવાની ભાવનાનો છે. જેવો ભગવાનનો આત્મા છે તેવો જ મારો આત્મા
છે એમ વિચારી સ્વભાવનું ભાન કરી વિભાવ પરિણામને સ્વરૂપ સ્થિરતાવડે તોડું–એમ વીર્ય ઉપાડવાનો
આજનો દિવસ છે.
જગતના જીવો મરે ત્યારે શોક થાય છે અને ભગવાનની મુક્તિના મહોત્સવ હોય છે; કારણ કે તે મરણ
નથી પણ જીવન છે, સહજાનંદ સ્વરૂપમાં બિરાજી રહેવાનું આત્માનું જીવન છે. માટે તેના મહોત્સવ હોય છે.
પૂર્ણાનંદ, સહજાનંદ સ્વભાવમાં રહેવું તેનું નામ મુક્તિ છે.
મહાવીર ભગવાન પછી ગૌતમસ્વામી, સુધર્મસ્વામી અને જંબુસ્વામી તે ત્રણ પેઢી કેવળજ્ઞાન રહ્યું. અને
ત્યાર પછી એકાવતારી થયા, અત્યારે પણ એકાવતારી છે. અને હજુ પાંચમા આરાના છેડા સુધી એકાવતારી
જીવો થવાના છે. આ પાંચમો આરો એકવીસ હજાર વરસનો છે, તેમાંથી હજુ તો અઢી હજાર વરસ ગયા અને
સાડા અઢાર હજાર વરસ બાકી રહ્યા છે. તે એકવીસ હજાર વરસ પૂરા થશે ત્યારે એટલે કે પાંચમા આરાના છેડે
ચાર જીવો એકાવતારી થશે. –સાધુ, અર્જિકા, શ્રાવક અને શ્રાવિકા તે ચાર જીવો એક દેવનો ભવ કરી ત્યાર પછી
મનુષ્ય થઈ ત્યાંથી મુક્ત થશે.
જંબુસ્વામી પછી પણ સંત–મુનિઓને ચૌદપૂર્વનું જ્ઞાન હતું, તોપણ તે એકાવતારી થયા અને પાંચમાં
આરાના છેડે ચૌદપૂર્વનું જ્ઞાન નહિ હોય પણ અલ્પજ્ઞાન રહેશે, છતાં તે એકાવતારી થશે, બંનેના
એકાવતારીપણામાં કાંઈ ફેર નથી.
શ્રી મહાવીર પરમાત્માએ વાણીદ્વારા જે સ્વરૂપ કહ્યું તે ગણધરોએ ઝીલ્યું અને તે વાણી આચાર્યપરંપરાએ
અત્યાર સુધી ચાલી આવે છે. આ ભરતક્ષેત્રમાં કુંદકુંદાચાર્ય પરમ ગુરુદેવે શાસ્ત્રની સ્થાપના કરી છે, શ્રુતની
પ્રતિષ્ઠા કરી અપૂર્વ ઉપકાર કર્યો છે. તે વાત જેમ છે તેમ લોકોને બેસવી કઠણ પડે તેમ છે. શ્રી કુંદકુંદાચાર્યદેવે આ
સમયસારશાસ્ત્ર સર્વોત્કૃષ્ટ યોગથી સમજાવ્યું છે, આ શાસ્ત્રમાં કેવળજ્ઞાન ભર્યું છે.
લોકો કહેશે કે આ તો નાને મોઢે મોટી વાત છે. પરંતુ બાળક અગ્નિને અડે કે મોટા અગ્નિને અડે, પણ તે
બંનને ઊનાપણાના અનુભવમાં કાંઈ ફેર નથી. અગ્નિનો સ્વભાવ છ મહિનાના છોકરાએ જે જાણ્યો તે જ
સ્વભાવ પંડિતે–બેરિસ્ટરે અને વિજ્ઞાનીએ જાણ્યો છે. બંને એમ જાણે છે કે અગ્નિને અડવાથી ઊનું લાગે; તે
અગ્નિના ઊનાપણા સંબંધીના બંનેના જ્ઞાનમાં કાંઈ ફેર નથી. બાળક પણ ઊનું લાગવાથી ફરીને અગ્નિને
અડવા ન જાય તેમ મોટા પણ અગ્નિને અડવા ન જાય. મોટા એમ કથન કરે કે અગ્નિ પ્રકાશવાળી છે, અગ્નિ
ઊની છે, વગેરે કથન કરે, અને બાળક વિશેષ કથન ન કરી શકે, એ રીતે કથનમાં ફેર પડે, પણ બાળકના
અનુભવમાં અને મોટાના અનુભવમાં કાંઈ ફેર ન પડે.
તેમ ત્રિલોકનાથ તીર્થંકરદેવ ત્રણકાળ ત્રણલોકના વિજ્ઞાનના પંડિત છે, તેમણે જેવું વસ્તુનું સ્વરૂપ જાણ્યું
છે તેવું જ અવિરતિ બાળક જાણે છે. વસ્તુનું સ્વરૂપ જેવું કેવળજ્ઞાનીએ જાણ્યું છે તેવું જ અવિરતિ બાળકે જાણ્યું
છે. કેવળી અને ચોથા ગુણસ્થાનની પ્રતીતિમાં કાંઈ ફેર નથી. સ્વભાવની પ્રતીતિ જેવી કેવળજ્ઞાનીને છે તેવી જ
સ્વભાવની પ્રતીતિ ચોથા ગુણસ્થાનવાળા ગૃહસ્થાશ્રમમાં રાજ્ય કરતા હોય–લડાઈમાં ઊભા હોય તેવા અવ્રતી
સમકીતિને પણ હોય છે. સ્વભાવની પ્રતીતિમાં બંનેમાં કાંઈ ફેર નથી. એક પણ રાગનો અંશ તે મારું સ્વરૂપ
નથી તેવી પ્રતીતિ ચોથા ગુણસ્થાનવાળા સમકીતિને હોવા છતાં, તે દયામાં, દાનમાં, પૂજામાં, ભક્તિમાં જોડાય
ખરા; અને શુભભાવમાં જોડાય છતાં તે અવ્રતી સમકીતિની, કેવળજ્ઞાનીની અને સિદ્ધની સ્વભાવની પ્રતીતિ એક
જ સરખી છે, તે પ્રતીતિમાં જરાપણ ફેર નથી; પરંતુ જ્ઞાન અને ચારિત્રમાં ફેર છે.
નીચલી દશાવાળો વીતરાગ નથી તેથી તેને રાગ આવે છે. રાગ તો નીચલી ભૂમિકામાં જ હોય ને?