Atmadharma magazine - Ank 073
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
: ૬ : આત્મધર્મ : કારતક : ૨૦૦૬ :
ગમે તેટલું જ્ઞાન ભેગું થાય પણ તેમાં જરાય તોલ થતો નથી કેમકે તે અરૂપી છે. વળી ઘણાં વર્ષ પહેલાંંની વાત યાદ
કરવામાં વધારે કાળ લાગતો નથી. જેમ કાલની વાત યાદ કરે, તેમ પચાસ વર્ષ પહેલાંંની વાત પણ ક્ષણમાં યાદ કરે છે,
કેમકે જ્ઞાનનો સ્વભાવ કાળને ખાઈ જવાનો છે. એક સમયમાં ત્રણકાળને જાણી લેવાનો સ્વભાવ છે. આવું પોતાનું
જ્ઞાન સામર્થ્ય છે. વળી પૂર્વે વિકારભાવ કર્યા હોય તેનું વર્તમાનમાં જ્ઞાન કરે છતાં જ્ઞાન સાથે પૂર્વનો વિકાર થતો નથી,
વિકાર તો નવો કરે તો થાય છે, ને ન કરે તો નથી થતો. માટે જ્ઞાનનો સ્વભાવ વિકાર રહિત છે. આ શરીરના વિયોગે
ચૈતન્યસત્તાનો નાશ થઈ જતો નથી, અને વિકારી ભાવોનો નાશ થતાં પણ ચૈતન્યસત્તાનો નાશ થતો નથી; માટે
આત્માની ચૈતન્યસત્તા શરીરથી અને વિકારથી જુદી છે. આત્મા અરૂપી, જ્ઞાનસ્વભાવી ને નિર્વિકારી છે, એવા આત્મામાં
જ સ્વાધીન સુખ છે–એની જ્યાં સુધી ઓળખાણ અને પ્રતીત ન કરે ત્યાંસુધી જીવ સુખના સાચા રસ્તે નથી.
જેમ બાળક લાકડીને ઘોડો માને પણ વીંછી કરડે ત્યારે બેસવાના કામમાં ન આવે, તેમ અજ્ઞાનીઓ પૈસા
વગેરેમાં સુખ માને છે, પણ તેમાં સુખ નથી; કોઈ સંયોગમાંથી સુખ ભોગવી શકાતું નથી. અજ્ઞાનીનું ચિત્ત
સ્વભાવને ભૂલીને બહારમાં જ લાગ્યું રહે છે પણ અંતરમાં વળતું નથી. અજ્ઞાનીનું મન અનાદિથી બહારમાં કેમ
ભમે છે? અંતરમાં કેમ વળતું નથી? તેના ઉત્તરરૂપે આચાર્યદેવ અલંકારથી કહે છે કે જો મન અંતર સ્વભાવમાં
વળે તો મનનું મૃત્યુ થઈ જાય છે. તેથી ‘મન’ને એમ થાય છે કે ‘જો હું અંતર સ્વરૂપમાં વળીશ તો મારું મૃત્યુ
થઈ જશે.’ માટે મૃત્યુના ભયથી તે બહાર જ ભટકે છે. આશય એ છે કે હે જીવ! પહેલાંં તો અંતર સ્વભાવમાં
વળીને શ્રદ્ધા કર કે મનના અવલંબને મને લાભ થતો નથી. એમ શ્રદ્ધા કરીને મનને થોથું બનાવી દે. પહેલાંં
અંતરમાં વળીને ‘પરાવલંબનથી લાભ થાય’ એવી માન્યતાનો નાશ કર્યો પછી જ્ઞાનીને અસ્થિરતાથી મનનું
અવલંબન આવે તેને શ્રદ્ધાના જોરે થોથું બનાવી દે છે. જેનાથી ભય પામે તેની પાસે જાય નહિ, તેમ અંતર
સ્વભાવમાં વળતાં ‘મન’ને મૃત્યુનો ભય છે તેથી તે બહાર ભટકે છે પણ અંતરમાં વળતું નથી. એટલે અહીં
અલંકારથી આચાર્યદેવે એમ કહ્યું કે આત્માનો સ્વભાવ મનથી પાર છે, મનનું અવલંબન પણ આત્માને નથી.
આત્માનો સ્વભાવ ભૂલીને તેને પરાવલંબન માન્યું છે તે માન્યતા જ સંસાર છે. આત્માનો સંસાર
બહારમાં શરીર–સ્ત્રી વગેરેમાં નથી; જો શરીરાદિમાં આત્માનો સંસાર હોય તો તો, મરતાં તેને મૂકીને ચાલ્યો
જાય છે તેથી, તેનો સંસાર જ છૂટી જાય.
હે ભાઈ! આ શરીર તારી ચીજ નથી. તે તો બળીને રાખ થઈ જશે. શીંગડું ઝાલીને મોટા સાંઢને ઊભો
રાખી દે એવી તાકાત શરીરમાં હોય ને ક્ષય રોગ થઈ જતાં શ્વાસ લેવાની પણ શક્તિ ન રહે. એ તો શરીરની
હાલત છે; તે શરીર તારી ચીજ નથી અંતરમાં તારી ચૈતન્યસત્તા છે તેને સંભાળ. એક સેકંડ પણ ચૈતન્યસત્તાને
ઓળખીને સમ્યક્ભાન પ્રગટ કરે તો ક્રમે–ક્રમે સંસાર ટળીને મુક્તિ થયા વિના રહે નહિ. ભાઈ, વાતની ના
પાડીને તું ક્યાં જઈશ? ક્યાં તારા ઉતારા થશે? “હું નથી” એમ ના પાડવામાં ય ‘હા’ આવી જાય છે. કેમકે ‘હું
નથી’ એમ કોણે જાણ્યું? ‘હું નથી’ એવો નકાર કોની સત્તામાં આવ્યો? માટે ‘હું નથી’ એમ કહેવામાં જ ‘હું છું’
એમ સિદ્ધ થઈ જાય છે.
ન્ત્ત્ ર્
અહો! આત્મતત્ત્વની સાચી વાત સાંભળવા મળવી દુર્લભ છે. જેમ ગોળની ને
અનાજ વગેરેની દુકાનો તો ગામમાં ઘણી હોય અને તેના લેનારા પણ ઘણા હોય,
પરંતુ સાચા હીરાની દુકાન તો કોઈક જ હોય અને હીરા લેનારા પણ થોડા જ હોય.
તેમ આ ચૈતન્યતત્ત્વની વાત મોંઘી છે. પુણ્ય વગેરેમાં ધર્મ માનવાની વાત તો જગતમાં
સર્વત્ર ચાલે છે અને તે વાત માનનારા ઘણા જીવો હોય છે, પણ શુદ્ધ ચૈતન્યતત્ત્વની
વાત જગતમાં બધે હોતી નથી અને તેને સમજનારા પણ વિરલ જીવો હોય છે જેને
પોતાના આત્માનું હિત કરવું હોય–કલ્યાણ કરવું હોય ને અનંત જન્મ–મરણના
દુઃખોથી છૂટીને મુક્તિ મેળવવી હોય તેને આવો આત્મસ્વભાવ સમજ્યે જ છૂટકો છે.
પોતાના સહજ શુદ્ધ આત્માને સમજીને–શ્રદ્ધીને તેમાં ઠરવું તે જ મુક્તિનો ઉપાય છે.
જેઓ આત્મતત્ત્વને નથી સમજ્યાં એવા અજ્ઞાની જીવોને સમજાવવા માટે
આચાર્યદેવે પ્રયત્ન કર્યો છે; માટે મને ન સમજાય એમ માનીને સત્નો પ્રયત્ન છોડી
દેવો નહિ.
– નિયમસાર ગા. ૩૮ ઉપરના વ્યાખ્યાનમાંથી