: કારતક: ૨૦૦૬ આત્મધર્મ : ૭ :
પ્રભુ! તારી ચૈતન્યસત્તાને પરનું અવલંબન નથી. તારા ધર્મનો આધાર તારી ચૈતન્યસત્તા છે. તારા ધર્મનો
આધાર શરીર નથી, તારા ધર્મનો આધાર મન નથી, પુણ્ય–પાપ નથી; અંતરમાં ચૈતન્યસ્વભાવ છે તેની પ્રતીતથી જ
ધર્મ થાય છે. ભાઈ! તેં તારા સ્વાવલંબી ચૈતન્યસત્તાની કદી પ્રતીત કરી નથી. ચૈતન્યસત્તા એવી નથી કે તેની શ્રદ્ધા
માટે પરનું અવલંબન હોય! નિર્લેપ ચૈતન્યસત્તા શુદ્ધ છે તેની પ્રતીત મનના અવલંબને થતી નથી, આવી પોતાના
ચૈતન્ય ભગવાનની સત્તાને ભૂલીને અનાદિથી પરમાં સુખ માની રહ્યો છે, તે માન્યતા હવે છોડ. તો તારો સંસાર
ટળે ને સાચું સુખ પ્રગટે.
જો ચૈતન્યસત્તામાં વળીને ત્યાં એકાગ્ર થાય તો તો મન મરી જાય છે, અર્થાત્ મનનું અવલંબન છૂટી જાય છે.
મનને મૃત્યુનો ભય છે તેથી તે ચૈતન્યસ્વભાવમાં લીન થતું નથી. ‘જો હું પરમાત્મસ્વરૂપમાં લીન થઈશ તો તો મારું મૃત્યુ
થઈ જશે’ –એમ મૃત્યુના ભયને લીધે મન આત્મામાં ઠરતું નથી ને બહારમાં ભમે છે. એક વાર પણ જો મનનું અવલંબન
છોડીને આત્માના સ્વભાવમાં વળે તો જન્મમરણનો નાશ થઈને મુક્તિ થાય છે. ને મનવગરનો મુક્ત થઈ જાય. જો
મનથી પાર ચૈતન્યસ્વરૂપ આત્માનો મહિમા જાણીને તેમાં ઠરે તો મનના સંકલ્પવિકલ્પનો નાશ થઈ જાય ને આત્માને
પરમાત્મ દશા પ્રગટ થઈ જાય. પહેલાંં સત્સમાગમે જ્ઞાનસ્વભાવી આત્માની ઓળખાણ કરવી જોઈએ.
સુખનો દરિયો ચૈતન્યપ્રભુ છે, ને દુઃખ છે તે ક્ષણિક વિકાર છે; મનના અવલંબનથી પણ તે વિકાર ટળતો નથી,
અંદરમાં ચૈતન્યસત્તા સુખથી ભરપૂર છે તેના અવલંબને ધર્મની શરૂઆત થાય છે ને વિકાર ટળે છે. અંતરમાં શરીરાતીત–
મનાતીત–વચનાતીત–ને વિકારાતીત ચૈતન્યસત્તા છે તેની શ્રદ્ધાને કોઈનું અવલંબન નથી, પહેલાંં એનો વિશ્વાસ આવવો
જોઈએ, ચૈતન્ય સત્તાના વિશ્વાસથી જ ધર્મની શરૂઆત થાય છે. જ્યાંસુધી ચૈતન્યની શ્રદ્ધાને નિરાલંબી ન બનાવે અને
જ્ઞાનને રાગ વગરનું ન બનાવે ત્યાંસુધી ધર્મની શરૂઆત થતી નથી. માટે હે જીવ! સ્વાભાવિક ચૈતન્યની શ્રદ્ધા કર, તેનું
જ્ઞાન કર. આનંદકંદ આત્માની શ્રદ્ધા–જ્ઞાન કરીને તેમાં એકાગ્રતા કરવી તે જ ધર્મની ક્રિયા છે, એ સિવાય બીજી કોઈ ધર્મની
ક્રિયા નથી. આવી ધર્મની ક્રિયા તે જ આત્માના સાચા સુખનો ઉપાય છે.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
ભાદરવા સુદ ૫ ને રવિવારના રોજ ભાઈશ્રી મલુકચંદ છોટાલાલ ઝોબાળીયા
(અમદાવાદ) તથા તેમનાં ધર્મપત્ની સમતાબેન –એ બંનેએ, તેમજ ભાઈશ્રી ખીમચંદ છોટાલાલ
ઝોબાળીયા (સોનગઢ) તથા તેમના ધર્મપત્ની કસુંબાબેન –એ બંનેએ પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી
પાસે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી છે; બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લેનારા સર્વેને અભિનંદન!
[નોંધ:] આત્મધર્મના ગયા અંકમાં ત્રણ ભેટ પુસ્તક સંબંધી જે વિગત જણાવી છે
તેમાં સમ્યગ્દર્શન નામનું ત્રીજું પુસ્તક ચૂડાવાળા શેઠશ્રી ગોકળદાસ શીવલાલ તરફથી તેમના
સ્વર્ગસ્થ પુત્રના સ્મરણાર્થે આત્મધર્મના ગ્રાહકોને ભેટ આપવાનું છે. [ઉપર્યુક્ત બ્રહ્મચર્ય
સંબંધી તેમજ આ, –બંને વિગતો ગયા અંકમાં છાપવી રહી ગઈ, તે માટે જિજ્ઞાસુ વાંચકો
ક્ષમા કરે. –પ્રકાશક.]
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
સરદાર શહેર (મારવાડ)ના શેઠશ્રી શુભકરણ દીપચંદજી શેઠિયાએ, ભાદરવા વદ પ
ના રોજ પૂ. ગુરુદેવશ્રીના આહારદાનનો પ્રસંગ પોતાને ત્યાં થયો તે પ્રસંગે, સોનગઢમાં પૂ.
ગુરુદેવશ્રી પાસે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા (તેમના ધર્મપત્નીની સંમતિપૂર્વક) અંગીકાર કરી
છે. તેમની ઉંમર ૩૪ વર્ષની છે. આ કાર્ય માટે તેમને અભિનંદન ઘટે છે.
– સુધારો –
આત્મધર્મ અંક ૭૨ પૃ. ૨૧૨ કોલમ ૩ લાઈન ૧૫–૧૬ મા “તે–માતાએ જન્મ આપ્યો
ત્યારથી–” એમ છે તેને બદલે “તે–જેવા માતાએ જન્મ્યા તેવા–” આમ સુધારીને વાંચવું.