માગશર: ૨૪૭૬ : ૨૩:
એવા પોતાના જ્ઞાયક સ્વભાવી શુદ્ધ આત્મા તરફથી રુચિ અને વલણ વડે આત્માર્થી જીવોએ દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ
કરીને, પર તરફના વલણવાળી પર્યાયબુદ્ધિ છોડવી જોઈએ, –જેથી શાશ્વત સુખના ઉપાયભૂત અપૂર્વ સમ્યગ્દર્શન
પ્રગટ થાય.
હાલમાં મુખ્યપણે આત્માનું સર્વજ્ઞ સ્વરૂપ અને દરેક પદાર્થોમાં ક્રમબદ્ધ પર્યાય એ બે વિષયો ખૂબ ચર્ચાય
છે, તેમજ તે સંબંધમાં જુદે જુદે સ્થળેથી અનેક પ્રકારની શંકાઓ અને વિરોધ થાય છે. તેથી તે સંબંધમાં કેટલુંક
સ્પષ્ટીકરણ અહીં કરવામાં આવે છે.
(૧) વસ્તુનું યથાર્થ સ્વરૂપ.
(૨) અનંત ધર્માત્મક વસ્તુઓને તેમના દ્રવ્ય, અનંત ગુણો તથા ત્રિકાલિક પર્યાયો (જેમાં અપેક્ષિત
ધર્મો સમાઈ જાય છે) તે સહિત એક સમયમાં સંપૂર્ણપણે જાણે એવો, દરેક જીવનો સર્વજ્ઞ સ્વભાવ.
(૩) સ્વભાવ તરફના જ્ઞાન અને પુરુષાર્થ સહિત ક્રમબદ્ધ પર્યાયની માન્યતા.
(૪) જૈનધર્મ અને
(પ) અનેકાંતવાદ.
–ઉપરની પાંચે બાબતોના જ્ઞાનને અવિનાભાવ સંબંધ છે: જે જીવને આ વિષયોમાંથી એકનું પણ ખરું
જ્ઞાન હોય તેને બીજા વિષયોનું ખરું જ્ઞાન ન હોય એમ બની શકે નહીં. જો આ પાંચમાંથી કોઈ પણ વિષયનું
જ્ઞાન ભૂલવાળું હોય તો તેનું પાંચે વિષયો સંબંધી જ્ઞાન ખોટું જ હોય છે.
હવે ઉપરોક્ત પાંચ બાબતોનો ખુલાસો કરીને, તેમનું અવિનાભાવીપણું કઈ રીતે છે તે અહીં વિચારવામાં આવે છે.
૧. વસ્તુનું યથાર્થ સ્વરૂપ
આ જગતમાં જેટલી વસ્તુઓ છે તેના જીવ અને અજીવ એવા બે ભેદ પડે છે. જો વસ્તુને કોઈ પણ રીતે
પરાશ્રય છે એમ માનવામાં આવે તો તેનું ‘છે’ પણું –હોવાપણું સ્વાધીન રહેતું નથી. વસ્તુ હોય અને પરાશ્રય
માગે [અર્થાત્ પરની મદદની જરૂર હોય] તો તેને ખરી રીતે વસ્તુ કહી શકાય નહીં. કોઈ પણ વસ્તુને પરાશ્રય
[પરની મદદ] છે એમ માનવું તે, તે વસ્તુને નહિ માનવા બરાબર છે.
જે પોતાના ગુણ–પર્યાયોમાં વસે, અથવા જેમાં પોતાના ગુણ–પર્યાયો વસે તે વસ્તુ છે. જે વસ્તુ હોય તે
ગુણપર્યાય રહિત હોય નહીં. જો વસ્તુમાં પોતાના ગુણપર્યાય વસે તો જ તેને વસ્તુ કહેવાય અને તો જ તે
પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરી શકે. કોઈ વસ્તુને કે તેના ગુણ–પર્યાયને પરાશ્રય [પરની સહાય] હોઈ શકે નહિ.
આથી વિરુદ્ધ વસ્તુસ્વરૂપ માનવું તે મિથ્યાત્વ છે. કોઈ જીવો પોતાના મિથ્યાજ્ઞાનથી વસ્તુને, તેના ગુણોને કે તેના
પર્યાયોને યથાર્થ સ્વરૂપે ન જાણે, અથવા તેમાંથી કોઈને પરાશ્રયે [–પરની મદદથી થતાં] માને તો કાંઈ વસ્તુનું
સ્વરૂપ બદલી જતું નથી. વસ્તુનું સ્વરૂપ તો કદી અન્યથા થાય નહિ, પણ જે જીવ તેને યથાર્થપણે ન માનતાં
અન્યથારૂપે માને તે જીવનું જ્ઞાન અજ્ઞાનરૂપે પરિણમે છે. જીવને કે અજીવને તેની અવસ્થામાં પરાશ્રય [પરની
મદદ] છે–એમ અજ્ઞાનપણામાં જ જીવ માને છે.
‘દરેક દ્રવ્ય અનંત ગુણોનો પિંડ છે અને તે અનાદિઅનંત છે, તેથી તે તો સ્વાશ્રયે હોય, પણ પર્યાય તો
ક્ષણિક નવું કાર્ય છે માટે તેમાં પરનો આશ્રય [પરની સહાય] જોઈએ’ –એમ કેટલાક માને છે, તે માન્યતા જૂઠી
છે; તેનો ખુલાસો–
(૧) અનાદિ અનંત પર્યાયનો પિંડ તે દ્રવ્ય છે. અને
(૨) દરેક ગુણના અનાદિ અનંત પર્યાયનો પિંડ તે ગુણ છે.
–જૈન સિદ્ધાંતદર્પણ પૃ. ૩૯ તથા પ૬
ઉપર પ્રમાણે દ્રવ્ય અને ગુણની વ્યાખ્યા હોવાથી, દ્રવ્ય–ગુણને સ્વતંત્ર સ્વાશ્રિત કબૂલ કરતાં અનાદિ
અનંત પર્યાયોની પણ સ્વતંત્રતા ને સ્વાશ્રય સિદ્ધ થઈ જાય છે.
જીવ અનાદિથી પરનો આશ્રય [પરની મદદ] માનીને પર લક્ષે વિકારી પર્યાય કરે છે–એ ખરું, પણ તેથી
પર તેને કાંઈ આશ્રય આપે છે–એમ બનતું નથી; કેમકે જો તેને આશ્રય આપે એવી પરમાં શક્તિ હોય તો તો
જીવની પરાશ્રય હોવાની માન્યતાને મિથ્યા કહી શકાય નહીં. જીવ પર્યાયમાં અનાદિથી અજ્ઞાની છે અને તેથી જ
તે પરાશ્રય માને છે. પર તેને આશ્રય આપતાં નથી અને જીવ પરાશ્રય હોવાની માન્યતા છોડતો નથી, તેથી જ
તેને મિથ્યાત્વ અને દુઃખ થાય છે.