Atmadharma magazine - Ank 075
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 21

background image
: ૪૪: આત્મધર્મ: ૭૫
ને તે બધાં મારાં જ્ઞેયો છે. આમ જ્ઞાન અને જ્ઞેયને જુદાં ઓળખીને પોતાના જ્ઞાનસ્વભાવની પ્રતીતિ કરવી તે ધર્મ છે.
(૯) પ્રતિષ્ઠાનો મહોત્સવ અને આત્માની સમજણ
આ તો ભગવાનની પ્રતિષ્ઠાનો મહોત્સવ ચાલે છે. ભગવાને જેવો કહ્યો તેવો આત્માનો મહિમા
ઓળખવો તે જ સાચો મહોત્સવ છે.
વસુબિંદુ–પ્રતિષ્ઠાપાઠમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવકનું વર્ણન આવે છે. તે શ્રાવક શ્રીગુરુ પાસે
જઈને આજ્ઞા માંગે છે કે હે સ્વામી, હું આ લક્ષ્મીને કુલટા સ્ત્રી સમાન અને અનિત્ય જાણું છું, મારી લક્ષ્મીનો રાગ
ઘટાડીને હું તેનો સદુપયોગ કરું એવું કોઈ કાર્ય બતાવો. શ્રી અરિહંત ભગવાનના પંચકલ્યાણિક કરવાની મારી ભાવના
છે. ત્યારે શ્રીગુરુ કહે છે કે–ધન્ય છે, તું તારા કુળમાં સૂર્ય સમાન છે; એમ કહીને જિનબિંબ પ્રતિષ્ઠા અને પંચકલ્યાણિક
મહોત્સવની આજ્ઞા આપે છે. તે મહોત્સવ અનંત ભવોનો નાશ કરનાર છે. અહીં બાહ્ય ક્રિયાની કે એકલા શુભરાગની
વાત નથી, પણ પોતાના જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવના ભાનપૂર્વક તેમાં લીન થઈને તૃષ્ણા ઘટાડતાં અનંત અવતારનો નાશ
થઈ જાય છે. પરમાર્થે તો, આત્મસ્વભાવની જે અનંતજ્ઞાનમય સંપત્તિ છે તેને પ્રગટ કરીને રાગનો વ્યય કરવો તે
મહોત્સવ છે. મહોત્સવ કરનાર પોતાનો રાગ ઘટાડવા માટે પોતાની સંપત્તિનો વ્યય કરે. ખરેખર લક્ષ્મીનો વ્યય
આત્મા કરી શકતો નથી પણ રાગ ઘટાડવાના ઉપદેશ માટે લક્ષ્મીના વ્યયની વાત વ્યવહારે કરી છે.
પ્રતિષ્ઠા કરાવનાર ગૃહસ્થને આચાર્યદેવ કહે છે કે હે ભાગ્યવાન! તારો અવતાર સફળ છે કે તારા ઘરે
આવો મહાન અવસર આવ્યો છે. સ્વર્ગ–મોક્ષના કારણ રૂપ તારો સફળ અવતાર છે, તારા મહાભાગ્ય છે. માત્ર
લક્ષ્મી ખરચીને હો–હા કરી નાંખે અથવા માન લેવા માટે લક્ષ્મી ખરચે તેની આ વાત નથી. પણ અંતરમાં
રાગરહિત સ્વભાવનું જેને બહુમાન છે અને જડ લક્ષ્મી તે મારી ચીજ નથી––એમ જાણીને જેને તેનું અભિમાન
ટળી ગયું છે તે જીવ લક્ષ્મી ઉપરનો રાગ ઘટાડવા તૈયાર થયો છે, તેની વાત છે. અંતરમાં રાગરહિત
જ્ઞાયકસ્વભાવનું ભાન હોય તો કલ્યાણ છે. જડની ક્રિયાનો સ્વામી ન થાય તેમજ શુભરાગને ધર્મ ન માને–એ
પ્રમાણે જ્યાં જ્યાં જે જે યોગ્ય હોય ત્યાં ત્યાં તે તે સમજે, અને રાગરહિત સ્વભાવની દ્રષ્ટિ રાખીને રાગ
ઘટાડવાના સ્થાને રાગ ઘટાડે. અંતરમાં આત્માના ભાન વગર રાગ ઘટાડે તો પરમાર્થમાર્ગમાં તેની કાંઈ ગણતરી
નથી. રાગ ઘટાડવાનો નિષેધ નથી પરંતુ અંતરમાં ભાન હોવું જોઈએ કે પૈસા કે મંદિર વગેરે જડની ક્રિયા તો
આત્મા કરી શકતો નથી, અને જે શુભરાગ થાય તેનાથી પણ મને લાભ નથી. સ્વભાવના ભાનસહિત જેટલો
રાગ ટળ્‌યો તેટલો લાભ છે. પહેલાંં આત્માની સાચી સમજણનો મૂળ પાયો રાખીને પછી બધી વાત છે. સાચી
સમજણ વગર કોઈ જીવ રાગને મંદ પાડે તો કાંઈ જ્ઞાની ના કહેતા નથી, પરંતુ તેને આત્માનું અપૂર્વ કલ્યાણ થાય
નહિ ને અનંતા જન્મ–મરણ મટે નહિ.
(૧૦) નિશ્ચય અને વ્યવહારની કથનશૈલી
આત્મા પોતે દેહ–મન–વાણી નથી, તેમજ દેહ–મન–વાણીની ક્રિયાનું કારણ પણ આત્મા નથી. કોઈ કહે કે
“નિશ્ચયથી તો એમ છે કે આત્મા પરનું કાંઈ ન કરી શકે, અને વ્યવહારથી આત્મા પરનું કરે છે,” તો એ વાત
પણ જુઠ્ઠી છે. નિશ્ચયથી કે વ્યવહારથી કોઈ પ્રકારે આત્મા પરનું કરી તો શકતો જ નથી. ‘નિશ્ચયથી ન કરે અને
વ્યવહારથી કરે’ એમ બે પ્રકારનું કથન છે, પરંતુ વસ્તુનું સ્વરૂપ કાંઈ એવા બે પ્રકારનું નથી. નિશ્ચયની વાતને
ઊભી રાખીને–(લક્ષમાં રાખીને) વ્યવહારના અર્થ સમજવા જોઈએ. આત્મા શરીરાદિની કોઈ ક્રિયા કરી શકતો
નથી –એવું જ વસ્તુસ્વરૂપ છે, તે નિશ્ચય છે, અને ‘આત્મા શરીરાદિનું કરે છે’ એમ શાસ્ત્રમાં વ્યવહારથી કથન
હોય તે માત્ર નિમિત્તનાં કથન છે, પણ વસ્તુસ્વરૂપ નથી; શરીરાદિની ક્રિયા થતી હોય તે વખતે કેવું નિમિત્ત હતું
તેનું જ્ઞાન કરાવવા માટે તે વ્યવહારનું કથન છે.
(૧) ધર્મીના ધર્મનું માપ બહારની ક્રિયાથી નથી
ભગવાનના ગંધોદકનું પાણી લઈને માથે ચડાવે અને કહે કે હે ભગવાન! આપ સંસારથી તર્યા છો અને
મને તારજો.–તો શું ભગવાન કોઈને તારતા હશે? કે ગંધોદકનું પાણી કોઈને તારતું હશે? એ તો માત્ર ભગવાન
પ્રત્યેના વિનયની ભાષા છે. આત્માના અંતરનું પાણી ઉછળ્‌યા બગર (–પુરુષાર્થ વગર) મુક્તિ થાય નહિ.
આત્માના અંતરનું પાણી બહારની ક્રિયા ઉપરથી ઓળખાય નહિ. જેમ હીરાનાં પાણીનું માપ ઝવેરી કરી શકે