Atmadharma magazine - Ank 076
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 21

background image
: મહા : ૨૦૦૬ : આત્મધર્મ : ૬૯ :
વગર નવમી ગ્રૈવેયકે તું અનંતવાર ગયો, મોટો રાજા અનંતવાર થયો, નારકી અને તિર્યચ પણ અનંતવાર થયો;
અંતરમાં નકોર ચૈતન્યસ્વભાવ શું છે તે વાત તું કદી સમજ્યો નથી, અને હોંશપૂર્વક કદી તે વાત સાંભળી પણ
નથી. માત્ર પુણ્યમાં જ સંતોષ માનીને તું સંસારમાં રખડી રહ્યો છે. જેમ થોરના ઝાડમાં ટાંકણેથી કોતરણી થાય
નહિ તેમ પુણ્ય–પાપના ભાવમાં ચૈતન્યના ધર્મની કોતરણી થાય નહિ. ત્રણેકાળે ધર્મનો એક જ માર્ગ છે.
‘એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ’
જેમ ત્રણેકાળ ગોળ ઘી ને લોટ એ ત્રણ વસ્તુની જ સુખડી બને છે, તેને બદલે કદી પણ કાંકરા–પાણી ને
ધૂળ ચાલતા નથી. તેમ આત્મામાં ત્રણેકાળે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર એ ત્રણની એકતાથી જ મોક્ષ થાય છે,
પુણ્ય વગેરેથી કદી મોક્ષ થતો નથી. ભગવાનની પ્રતિષ્ઠાના મહોત્સવ પછીના હરખ જમણમાં આત્માના પકવાન
પીરસાય છે. બદામ–પીસ્તા ને લાડવારૂપ જડનાં જમણ તો બધા જમાડે છે પણ અહીં તો આત્માનાં અમૃત
પીરસાય છે. તેને ચાખે તો મોક્ષદશા થયા વિના રહે નહિ.
(૮) જ્ઞેય–જ્ઞાયકપણાનો નિર્દોષ સંબંધ :– શરીર–મન–વાણી પરવસ્તુ છે, તેની સાથે મારે કાંઈ સંબંધ નથી,
તેથી ‘તેમની અનુકૂળ ક્રિયા હોય તો મને ઠીક અને તેમની પ્રતિકૂળ ક્રિયા હોય તો મને અઠીક’ એમ તેમના પ્રત્યે
મને કાંઈ પક્ષપાત નથી. મારા જ્ઞાનની ઉગ્રતા પાસે વિકાર બળી જાય એવો ચૈતન્યજ્યોત મારો સ્વભાવ છે.–
આમ પોતાના સ્વભાવની ઓળખાણ કરવાની પહેલી વાત છે. દર્શનશુદ્ધિ વગર જ્ઞાન, ચારિત્ર કે વ્રતતપ
ત્રણકાળમાં હોતાં નથી.
ધર્માત્મા અંતરમાં જાણે છે કે હું એક જાણનાર છું, ને આ શરીરાદિ બધા પદાર્થો મારા જ્ઞેયો છે. હું જ્ઞાતા,
ને તે જ્ઞેય–એ સિવાય બીજો કોઈ સંબંધ અમારે નથી. જેમ જનેતા સાથે પુત્રને માતા તરીકેના નિર્દોષ સંબંધ
સિવાય બીજા કોઈ આડા વ્યવહારની કલ્પના સ્વપ્ને પણ ન હોય તેમ હું ચૈતન્યમૂર્તિ આત્મા જ્ઞાયક છું ને પદાર્થો
જ્ઞેય છે, જ્ઞેય–જ્ઞાયકરૂપ નિર્દોષ સંબંધ સિવાય અન્ય કોઈ સંબંધ મારે પરદ્રવ્ય સાથે સ્વપ્ને પણ નથી. મારે પર
સાથે માત્ર જાણવા પૂરતો જ સંબંધ છે. જેમ અંધારામાં કોઈ માણસ કોઈને પોતાની સ્ત્રી સમજીને વિષયબુદ્ધિથી
તેની પાસે ગયો, પણ જ્યાં પ્રકાશમાં તેનું મોઢું જોતાં ખબર પડી કે આ તો મારી માતા છે. ત્યાં ફડાક તેની વૃત્તિ
પલટી જાય છે કે અરે આ તો મારી જનેતા! જનેતાની ઓળખાણ થઈ કે તરત જ વિકાર વૃત્તિ પલટી અને
માતા–પુત્રના સંબંધ તરીકેની નિર્દોષ વૃત્તિ જાગૃત થઈ. તેમ જીવ અજ્ઞાન ભાવે પરવસ્તુને પોતાની માનીને તેને
ઈષ્ટ–અનિષ્ટ માને છે અને તેના કર્તા–ભોક્તાના ભાવ કરીને વિકારપણે પરિણમે છે. પણ જ્યાં જ્ઞાન પ્રકાશ થતાં
ભાન થયું કે અહો, મારો જ્ઞાયક સ્વભાવ છે, ને પદાર્થોનો જ્ઞેયસ્વભાવ છે. એમ નિર્દોષ જ્ઞેય–જ્ઞાયક સંબંધનું
ભાન થતાં જ ધર્મીને વિકારભાવ ટળીને નિર્દોષ જ્ઞાયકભાવ પ્રગટ થાય છે. અસ્થિરતાના રાગ–દ્વેષ થતા હોય
છતાં ધર્મીને અંતરમાં રુચિ પલટી ગઈ છે કે હું ચૈતન્યસ્વરૂપ બધાનો જાણનાર છું, બીજા પદાર્થો સાથે જ્ઞેય–
જ્ઞાયક સ્વભાવ સંબંધ સિવાય બીજો કાંઈ સંબંધ મારે નથી.
(૯) પરમ સત્ય :– આ સાધારણ એક વ્યક્તિની વાત નથી, પણ વસ્તુના સ્વભાવની વાત છે. ત્રણકાળ
ત્રણલોકના કેવળી ભગવંતોની આ વાત છે, સર્વજ્ઞભગવાનની રજીસ્ટર થઈ ગયેલી છે. અનંતા તીર્થંકરો આ
વાત કહી ગયા છે, વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રમાં સીમંધરાદિ તીર્થંકર ભગવંતો આ વાત કહી રહ્યા છે, ગણધરો
ઝીલે છે, ઈન્દ્રો આદરે છે, ચક્રવર્તી વગેરે મહાન પુરુષો જેને સેવે છે–એવી આ જ પરમ સત્ય વાત છે. ત્રણકાળ
ત્રણલોકમાં આ વાત ફરે તેમ નથી. જગતને આ વાત માન્યે જ છૂટકો છે.
(૧૦) ભવભ્રમણના નાશ માટેની ધર્માત્માની ક્રિયા :– અહો, મારા જ્ઞાયકભાવથી ભિન્ન એવા શરીર મન
વાણીને પણ હું પરદ્રવ્યપણે સમજું છું, તો જે તદ્ન જુદાં છે એવા દૂરવર્તી દેવ–ગુરુ–શાસ્ત્રે કે સ્ત્રી પુત્ર–લક્ષ્મી
વગેરે પદાર્થો તો ક્યાંય રહી ગયા. શરીરાદિ મારાં એમ શાસ્ત્રો નિમિત્તથી ભલે કહે, પણ મને તેનો પક્ષપાત
નથી એટલે કે વ્યવહારનો પક્ષ નથી. હું તે બધા પ્રત્યે મધ્યસ્થ છું, હું જ્ઞાયક છું ને તે પદાર્થો મને જ્ઞેય તરીકે જ
છે. તેથી હું તે પદાર્થોનો પક્ષપાત છોડીને મારા જ્ઞાયક સ્વભાવનો આશ્રય કરું છું. જ્ઞેય પદાર્થોનો આશ્રય મને
નથી, અંતરમાં જ્ઞાયક સ્વભાવનો જ આશ્રય છે. આવી શ્રદ્ધા, જ્ઞાન અને એકાગ્રતા તે જ ધર્માત્માની ક્રિયા છે, ને
તેનાવડે જ ભવભ્રમણનો નાશ થાય છે.
*