Atmadharma magazine - Ank 076
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 21

background image
: મહા : ૨૦૦૬ : આત્મધર્મ : ૭૭ :
મહિમાની સ્થૂળ ઝાંખી અપાય છે. આ વાતનો મહિમા લાવીને વધારે પરિચય કરે તો વિશેષ સમજાય. આ
શરીર આત્માનું નથી. મરણ ટાણે પથારીમાં સૂતો હોય અને અંદર રહેલો આત્મા શ્વાસ લેવાની ઘણી ઈચ્છા
કરે, છતાં શ્વાસ પણ સરખો લઈ શકાતો નથી. કેમકે શ્વાસ લેવાની ક્રિયા આત્માની નથી. લોકો પણ ઘણી વાર
બોલે છે કે શ્વાસ પણ સગો નથી. શ્વાસ પણ જ્યાં આત્માનો નથી તો શરીર અને બાયડી છોકરાં તો આત્માના
કયાથી હોય? પ્રભો! તારો આત્મા શરીર વગરનો ચૈતન્ય મૂર્તિ છે, તેની ઓળખાણ સિવાય તને કોઈ શરણ
નથી. આત્માનું ભાન થતાં અનંતકાળના અજ્ઞાનનો એક ક્ષણમાં નાશ થઈ જાય છે. જેમ સૂર્યનું એક કિરણ
પ્રગટતાં જ આખી રાતના અંધારાનો નાશ થઈ જાય છે તેમ એક સેકંડ પણ આત્માની યથાર્થ સમજણ કરતાં
અનાદિના અજ્ઞાનનો નાશ થઈ જાય છે. અનાદિના અજ્ઞાનને નાશ કરવા માટે અનંતકાળની જરૂર પડતી
નથી, પણ એક ક્ષણમાં જ સાચી સમજણવડે તેનો નાશ થઈ જાય છે. સાચી સમજણ સિવાય બીજા અનંત
ઉપાય કરવામાં આવે તોપણ તે બધા વ્યર્થ છે. સાચી સમજણથી જ મોક્ષમાર્ગની એટલે કે ધર્મની શરૂઆત
થાય છે.
सम्यग्दर्शन ज्ञान चारित्राणि मोक्षमार्गः અર્થાત્ સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર તે મોક્ષનો
માર્ગ છે; તેમાં સમ્યગ્જ્ઞાન કેમ થાય તેની આ વાત ચાલે છે. આવા સમ્યગ્જ્ઞાન વગર સમ્યક્ચારિત્ર કદી હોતું
નથી અને તે વિના મુક્તિ થતી નથી.
આ અધિકારનું નામ ‘સદ્બોધચંદ્રોદય અધિકાર’ છે. જેમ ચંદ્રનો ઉદય થતાં તેનાં કિરણો અંધકાર ટાળીને
પ્રકાશ કરે છે અને તાપ ટાળીને શાંતિ કરે છે; તેમ આત્મામાં સાચા જ્ઞાનરૂપી ચંદ્રનો ઉદય થતાં અજ્ઞાન–
અંધકારનો નાશ કરે છે અને સંસારમાં ભવભ્રમણનો ઉકળાટ મટાડીને આત્માનું સુખ પ્રગટ કરે છે. માટે
આત્માનું સાચું જ્ઞાન પ્રગટ કરો ને અજ્ઞાન ટાળો–એવો આચાર્યદેવનો ઉપદેશ છે.
જો રુચિ કરીને સમજવા માગે તો આ વાત સમજાય તેવી છે. અનંતકાળમાં કદી એક સેકંડ પણ
આત્માની દરકાર કરી નથી. જીવ જો પોતાના આત્માની દરકાર કરીને સમજવા માટે બે ઘડી પણ યથાર્થ પ્રયત્ન
કરે તો ‘આત્મા શું અને તેની મુક્તિ કેમ થાય?’ તેનું ભાન થઈ જાય, અને અલ્પકાળે મારી મુક્તિ છે–એમ
આત્મામાં નિઃસંદેહતા થઈ જાય. પુણ્ય અને પાપ તો જીવે અનંતવાર કર્યાં છે અને તેના ફળમાં સ્વર્ગ–નરકમાં
અનંતવાર ગયો છે. જ્યાં ગયો ત્યાં દેહને અને પુણ્ય–પાપને જ પોતાનું સ્વરૂપ માની લીધું છે, પણ દેહથી અને
પુણ્ય–પાપથી જુદો પોતાનો આત્મા કોણ તેની કદી ક્ષણમાત્ર સમજણ કરી નથી. બાપુ! આત્મા કોણ છે? તેની
સમજણ કરો; આ જાણવા જેવી વાત છે, તેને જાણજો.
આત્માનું સ્વરૂપ શું છે?–કે જેને જાણવાથી ધર્મ થાય, તેનું આ વર્ણન ચાલે છે. આત્મા શરીરથી તો જુદો
જ છે, અને ક્ષણિક પુણ્ય–પાપની લાગણીઓ થાય તેટલો પણ આત્મા નથી. આત્મા પોતે નિત્ય છે, ને અનિત્ય
પણ છે નિત્ય–અનિત્યરૂપ આત્મસ્વભાવ છે. હું દુઃખ ટાળીને સુખી થાઉં, અધર્મ ટાળીને ધર્મ કરું–એવી ભાવના
જીવને થાય છે. જો આત્મા પલટતો જ ન હોય ને તદ્ન કૂટસ્થ જ હોય તો દુઃખ ટાળીને સુખી થઈ શકે નહિ;
અને દુઃખના નાશ ભેગો આત્માનો જ નાશ કરવા માંગતો નથી પણ દુઃખ ટાળીને પોતે સુખરૂપે કાયમ રહેવા
માગે છે. જો આત્મા કાયમ ટકનાર–ધ્રુવ ન હોય ને ક્ષણિક જ હોય તો દુઃખના નાશ ભેગો આત્માનો પણ નાશ
થઈ જાય, અને દુઃખ ટાળીને સુખનો અનુભવ કરનાર કોઈ રહે નહિ. માટે આચાર્યદેવ કહે છે કે આત્મા નિત્ય
તેમજ અનિત્ય છે, એટલે તે વસ્તુ કાયમ ટકીને બદલે છે. આવા આત્મસ્વભાવને જાણે તો અનિત્યનો આશ્રય
છોડીને ધ્રુવ નિત્ય સ્વભાવના આશ્રયે અજ્ઞાન ટળીને સમ્યગ્જ્ઞાન રૂપી ધર્મ થયા વિના રહે નહિ.
જીવને અનાદિથી પોતાની ચૈતન્ય જાતનું ભાન નથી તેથી શરીરને તે પોતાનું માને છે તેમ જ ક્ષણિક
દયાદિ લાગણીને પોતાનું સ્વરૂપ માને છે, તે અજ્ઞાન છે. સત્સમાગમે આત્માનું ભાન કરે તો તે અજ્ઞાન ટળે.
વળી આત્મા ગુરુ અને લઘુ છે. આત્મા ખરેખર પુણ્ય–પાપનો ને શરીરનો જ્ઞાતા છે અને પોતે
સ્વાભાવિક આનંદ–સ્વરૂપ છે. તેને ભૂલીને અજ્ઞાની શરીરાદિને પોતાના માને છે અને પરમાંથી આનંદ લેવા
માગે છે. એક ક્ષણિક બજરની છીંકણી મળે ત્યાં આનંદ માની બેસે છે. અરે જીવ! તારી વૃત્તિની કેટલી
તુચ્છતા!