: મહા : ૨૦૦૬ : આત્મધર્મ : ૭૯ :
જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિ કરે તો તે અનાદિના વિકારનો નાશ કરી નાખે છે. આવા આત્મસ્વભાવની દ્રષ્ટિ કરવી તે
જ સંવર–નિર્જરારૂપ ધર્મ છે.
આત્મા પોતાના સ્વભાવ તરફ વળતાં વિકારની ઉત્પત્તિ થતી નથી, અને કર્મોનો નાશ સ્વયં થઈ જાય
છે; ત્યાં આત્માએ વિકારનો નાશ કર્યો ને આત્માએ કર્મોનો નાશ કર્યો એમ ઉપચારથી કહેવાય છે. ‘लोगस्स’
સ્તુતિમાં આવે છે કે ‘विहुचरयमला’ એનો અર્થ એમ છે કે હે ભગવાન! આપે રજ અને મળને ધોઈ નાખ્યા
છે; રજ એટલે કર્મની ઝીણી ધૂળ અને મળ એટલે રાગ–દ્વેષ–અજ્ઞાન. આત્માના ભાન વડે ભગવાને તે રજ અને
મળ બંનેને ધોઈ નાખ્યા છે એટલે કે ભગવાનને તેનો નાશ થઈ ગયો છે.
હે ભાઈ! તારા આત્માની અત્યંત ગહનતા છે. તું સાચી સમજણનો પ્રયત્ન ન કરે તો તારી ગહનતાનો
મહિમા તને કેમ સમજાય? તું તારા આત્માની સાચી સમજણની વાત ન પૂછે, ને બીજી વાતો પૂછે, તો તને તારું
સ્વરૂપ કેમ સમજાય? જો સત્સમાગમે પરિચય કરીને આત્માને સમજ, તો તને પુણ્ય–પાપની ગુરુતા ટળીને
કેવળજ્ઞાનરૂપી લઘુતા પ્રગટે.
અનાદિકાળથી પોતે પોતાના સ્વભાવને ભૂલ્યો છે, ને તે ભૂલને લીધે જ રખડે છે; પણ અજ્ઞાની જીવો
પોતાની ભૂલને ઓળખતા નથી અને કર્મનો વાંક કાઢે છે. આ સંબંધમાં એક દ્રષ્ટાંત આવે છે. એક હતો વાંદરો,
તેણે બોર લેવા માટે માટલામાં હાથ નાખ્યો. અને બોરની મૂઠી ભરીને હાથ બહાર કાઢવા માંડયો, પણ બોરની
મોટી મૂઠી વાળેલ હોવાથી માટલામાંથી હાથ બહાર નીકળ્યો નહિ. એટલે વાંદરો સમજ્યો કે “અરે, મારો હાથ
ભૂતે પકડ્યો”. એમ માનીને તે રોવા માંડયો! પોતે મૂઠી પકડી છે તેથી જ પકડાયો છે, ભૂતે પકડ્યો નથી. પણ
પોતે મૂઠી વાળી છે તેનું ભાન નથી તેથી ભૂતે પકડ્યો છે એમ માને છે. જો પોતે મૂઠી છોડે તો પોતે છૂટો જ છે.
તેમ આ અજ્ઞાની જીવે ‘શરીર મારું, મકાન મારું, પૈસા મારાં’ એમ મમતાની પકડ કરી છે, ને પોતે મમતાની
પકડમાં પકડાણો છે. પણ પોતે પોતાના સ્વભાવને ભૂલીને મમતાની પકડમાં પકડાયો છે એમ ન સમજતાં,
અજ્ઞાનથી એમ માને છે કે મને બીજાએ પકડ્યો, અને બીજા મને સુખ–દુઃખ કરે. જો સ્વભાવની સાચી
ઓળખાણ કરીને પરની મમતાની પકડ છોડે તો સંસારટળીને મુક્તિ થઈ જાય. પણ બીજાએ મને પકડ્યો એમ
માને તો કદી મુક્તિ થાય નહિ.
વળી હે જીવ! તારું તત્ત્વ એક છે ને અનેક પણ છે. ‘જગતમાં બધા થઈને એક જ આત્મા છે’ એમ ન
સમજવું, પણ દરેક આત્મા પોતાના અનંતગુણપર્યાયોથી અભેદરૂપ હોવાથી ‘એક’ છે. આ જગતમાં અનંતજીવો–
અનંત આત્માઓ છે, તે દરેક આત્મા ભિન્ન ભિન્ન છે; આત્માની જાત તરીકે બધા સરખા છે, પણ સંખ્યાથી બધા
ભિન્ન ભિન્ન છે. એકેક આત્મામાં સ્વભાવથી એક–અનેકપણું છે; દરેક આત્મામાં પદાર્થ તરીકે ‘એકપણું’ છે,
તેનામાં અનંતગુણો હોવા છતાં પદાર્થના અનંતભાગ પડતા નથી, તેથી પદાર્થ તરીકે એક છે; અને જ્ઞાન, દર્શન,
આનંદ, વીર્ય, અસ્તિત્વ વગેરે અનેક ગુણો હોવાથી, તેમ જ ભિન્ન ભિન્ન અનેક પર્યાયો હોવાથી, ગુણ–
પર્યાયઅપેક્ષાએ અનેકપણું પણ છે.
નવતત્ત્વોમાં પહેલું જીવતત્ત્વ છે, તેની આ વાત ચાલે છે. બધા આત્માઓ આવા જ સ્વરૂપે છે. વસ્તુ
તરીકે આત્મા નિત્ય ટકે છે, ને પર્યાયઅપેક્ષાએ ક્ષણેક્ષણે બદલે પણ છે; વળી તે જ આત્મા મિથ્યાત્વાદિ પાપના
ભારથી ‘ગુરુ’ કહેવાય છે, ને સાચું જ્ઞાન કરતાં તે હળવો ‘લઘુ’ થાય છે; તે જ આત્મા વસ્તુ તરીકે એક છે ને
જ્ઞાનાદિ શક્તિઓ તથા દશાઓથી તે અનેક છે. આત્મસ્વભાવનો આવો ગહન મહિમા છે; આવા આત્માને
જાણ્યાં વિના સાચું જ્ઞાન થાય નહિ. સાચું જ્ઞાન ન હોય તેને સમ્યગ્દર્શન પણ હોય નહિ. સમ્યગ્દર્શન વગર વ્રત,
તપ કે ચારિત્ર હોય નહિ; માટે પ્રથમ સત્સમાગમે શ્રવણ–મનન કરીને આત્માનું સાચું ભાન કરવું જોઈએ.
આ ‘સદ્બોધચંદ્રોદય અધિકાર’ છે. અનાદિનું અજ્ઞાન ટળીને આત્મામાં સમ્યગ્જ્ઞાનરૂપી ચંદ્ર પ્રગટે તેનું
નામ ‘સદ્બોધ ચંદ્રોદય’ છે, જેમ બીજ ઊગ્યા પછી તે ક્રમે ક્રમે વધીને પૂર્ણિમા થાય છે. તેમ આત્મામાં ચોથે
ગુણસ્થાને સમ્યગ્જ્ઞાનરૂપી ચંદ્ર ઊગ્યો તે ક્રમેક્રમે વધીને પૂર્ણ કેળવજ્ઞાન થાય છે. આત્માનું સાચું જ્ઞાન કરવું તેને
સદ્બોધ–ચંદ્રમા કહેવાય છે, ને પછી ક્રમે ક્રમે આગળ વધતાં રાગ–દ્વેષ ટાળીને પૂર્ણ કેળવજ્ઞાન પ્રગટે છે, ત્યારે તે
આત્માને પરમાત્મા કહેવાય છે. પહેલાંં આત્માની સાચી સમજણ કરવી તે જ પરમાત્મા થવાનો ઉપાય છે. *
મુદ્રક : – ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય: મોટા આંકડિયા : સૌરાષ્ટ્ર તા. ૧૪ – ૧ – ૫૦
પ્રકાશક : – શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા : સૌરાષ્ટ્ર