Atmadharma magazine - Ank 076
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 21

background image
: મહા : ૨૦૦૬ : આત્મધર્મ : ૬૩ :
છે. અને ચિન્મય છે, ચિન્મય એટલે જ્ઞાનમય છે.–આવા આત્માને જાણીને તેમાં ઠરે તે અભેદ ભક્તિ છે.
જિનબિંબની ભક્તિ તે ભેદ ભક્તિ છે, તેમાં શુભરાગ છે. અને આત્માને ઉપર કહ્યો તેવો જાણે તો
અંતરમાં પોતાના આત્માનું જ પરમાત્મા તરીકે દર્શન થાય છે. સંસારમાં–ગૃહસ્થપણે પણ આવું આત્મદર્શન થઈ
શકે છે. એનું નામ અભેદ ભક્તિ છે.
ભરત મહારાજા ચક્રવર્તી છે, ઋષભદેવ ભગવાનના પુત્ર છે, આ ભવે મોક્ષ જવાના છે, છ ખંડના
રાજમાં રહ્યા હોવા છતાં ક્યારેક ક્યારેક અંતરમાં આત્માનો અનુભવ કરી લ્યે છે. તે ભરતજી અત્યારે પોતાની
રાણીઓને આત્માના અનુભવનો ઉપાય સમજાવી રહ્યા છે.
આત્મા જ્ઞાનમય છે, પરનુું કાંઈ કરવાનો જ્ઞાનનો સ્વભાવ નથી, અને રાગ–દ્વેષ કરવાનો પણ જ્ઞાનનો
સ્વભાવ નથી. એવા સ્વભાવને ઓળખે તો અંદરમાં આત્માનું દર્શન થાય. જુઓ, સ્ત્રીને પણ આત્મદર્શન થાય છે.
એક મૂર્ખ દરબાર એવો હતો કે કોઈએ તેને પૂછયું કે ‘દરબાર! તમારે રાણીઓ કેટલી?’ દરબારે કહ્યું કે–
‘કામદારને પૂછો, મને ખબર નથી.’ તેમ અજ્ઞાની મૂર્ખ જીવ કહે છે કે આત્માનું સ્વરૂપ કેવું છે તેની આપણને
ખબર નથી, શાસ્ત્રને પૂછો. અર્હી કહે છે કે આત્મા રાગરહિત જ્ઞાનમય છે–એમ જાણીને અંતરમાં જુએ તો
આત્માનો અનુભવ થાય, ને પોતાના અનુભવની પોતાને ખબર પડે છે.
જેમ સ્ફટિકની શુદ્ધ પ્રતિમા ઉપર ધૂળ હોવા છતાં તે દેખાય છે, તેમ ચૈતન્યમૂર્તિ આત્મા સ્ફટિક જેવો
નિર્મળ છે, ઉપર કર્મની ધૂળ હોવા છતાં તે દેખાય છે. આત્મા જાણનાર સ્વભાવરૂપી ચૈતન્યની પ્રતિમા છે, અને
કર્મ તથા શરીરની ધૂળથી તે જુદો રહેલો છે–એમ જાણીને જો અનુભવ કરે તો સ્ફટિક પ્રતિમાની જેમ આત્માનો
અનુભવ થાય છે. આત્મા બહારની ક્રિયા તો કરી શકતો નથી પણ રાગ–દ્વેષ થાય તે કરવાનો પણ આત્માનો
સ્વભાવ નથી. પુરુષાકાર જ્ઞાનમૂર્તિ આત્મા છે, તેને ઓળખે તો આત્માની અભેદ ભક્તિ થાય છે.
સ્ફટિકની પ્રતિમાની ચારે તરફ ધૂળ હોવા છતાં તે ધૂળ સ્ફટિકમાં ગરી જતી નથી, તેમ શરીર અને કર્મો
રૂપી ધૂળની વચ્ચે જ્ઞાનમૂર્તિ આત્મા રહ્યો હોવા છતાં આત્મામાં તે કોઈ પ્રવેશી ગયા નથી. જો એવા આત્માને
જાણીને અંતરમાં તેને દેખવાનો પ્રયત્ન કરે તો તે દેખાય છે. સ્ફટિકની પ્રતિમા તો આંખથી દેખાય છે, હાથથી
સ્પર્શાય છે–એ રીતે ઈન્દ્રિયો દ્વારા તે જણાય છે, પણ આત્મા જ્ઞાનાનંદમૂર્તિ છે તે ઈન્દ્રિયો દ્વારા દેખાતો નથી પણ
અતીન્દ્રિય જ્ઞાનદર્શન રૂપી ચક્ષુથી તે જણાય છે. શરીર અને આત્માને એક માને તો શરીરથી ભિન્ન આત્મા
દેખાય નહિ ને ધર્મ થાય નહિ. જોનારો તો આત્મા છે, પણ જો તે ઈન્દ્રિયો દ્વારા જુએ તો બહારના જડ પદાર્થો
દેખાય છે, આત્મા જણાતો નથી. અંતરમાં જ્ઞાન ચક્ષુથી આત્માને જોવાનો પ્રયત્ન કરે તો તે દેખાય છે. અને
એવા આત્માને દેખવો ને અનુભવવો તે અભેદ ભક્તિ છે, તે વડે જ આત્મામાંથી આવરણનો ક્ષય થઈને સિદ્ધ
સુખ પ્રાપ્ત થાય છે. આમ ભરત મહારાજા પોતાની રાણીઓને સમજાવે છે.
સ્ફટિક તો જડ છે, આ ચૈતન્યમૂર્તિ આત્મા તેનાથી તદ્ન વિલક્ષણ છે. તે બહારની આંખથી દેખાશે નહિ;
જ્ઞાન ચક્ષુથી તેને જોવો પડશે. નિર્મળ આકાશની જેમ આત્માને જ્ઞાનની મૂર્તિ સમજીને અંતરમાં તેનું ધ્યાન કરો.
સંસારનો મોહ ઘણો ખરાબ છે, પર પદાર્થો ઉપરના મોહને લીધે જ આત્મા પરમાત્માની અભેદ ભક્તિથી ભ્રષ્ટ
થયો છે. તેથી સૌથી પહેલાંં પર વસ્તુની મમતા રૂપ આશાના બંધનને છોડો, પરવસ્તુની તીવ્ર આસક્તિ છોડીને
પછી એકાંતવાસમાં જઈને અંતરમાં ચૈતન્યમૂર્તિ આત્માનું ધ્યાન કરો. એમ કરવાથી અભેદભક્તિ થશે, ને મુક્તિ
થશે. આમ ભરતજીએ પોતાની રાણીને ઉત્તર આપ્યો.
[અનુસંધાન પાના નં. ૮૦ થી]
તુરતમાં જ શરૂ થશે. જેમને ભેદવિજ્ઞાનસાર મળી ગયું હશે તેમને એકલું ‘સમ્યગ્દર્શન’ પુસ્તક પોસ્ટ
દ્વારા મોકલાશે. આ રવાનગી મહા વદ અમાસ સુધીમાં પૂરી થશે. તેથી મહા વદ અમાસ સુધીમાં તમામ ગ્રાહકોને
ઉપરના બે ભેટપુસ્તકો મળી જશે.
ત્રીજું ભેટ પુસ્તક ‘ચિદ્દવિલાસ’ [ગુજરાતી] છે, તે હજી છપાયું નથી. તે છપાઈને તૈયાર થતાં
આત્મધર્મના ગ્રાહકોને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ આત્મધર્મમાં તે સંબંધી સૂચના અપાશે.