Atmadharma magazine - Ank 076
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 21

background image
: મહા : ૨૦૦૬ : આત્મધર્મ : ૬૭ :
वंदित्तु सव्वसिद्ध धुवमचलमणोवमं गइं पत्ते।
वोंच्छामि समयपाहुडमिणमो सुयकेवली भणियं।।
१।।
અહીં, સમયસારની શરૂઆતમાં જ આચાર્યભગવાન અંતરમાં સિદ્ધપણાનું પ્રસ્થાનું મૂકે છે. પહેલાંં તો
આત્મામાં સિદ્ધભગવાનને સ્થાપે છે તે જ ખરી સમયસારની પ્રતિષ્ઠા છે. સમયસાર એટલે શુદ્ધ આત્મા; પોતાના
આત્મામાં ‘રાગ તે હું’ એવી મિથ્યા માન્યતાને ઊખેડી નાંખીને, ‘સિદ્ધભગવાન જેવો શુદ્ધ આત્મા હું છું’ એવી
પ્રતીતિ કરીને શુદ્ધ આત્માને સ્થાપવો તેનું નામ સમયસારની પ્રતિષ્ઠા છે. આ ગાથામાં આચાર્ય ભગવાનનો નાદ
છે કે હું સિદ્ધ છું, તમે સિદ્ધ છો. શ્રોતાઓને કહે છે કે–હે જીવો! તમે પણ સિદ્ધ છો, તમારા આત્મામાં સિદ્ધપણું
સમાઈ જાય તેવી તાકાત છે, જે જ્ઞાન સિદ્ધને જાણીને પોતામાં સિદ્ધપણું સ્થાપે છે તે જ્ઞાનમાં સિદ્ધ જેટલી તાકાત
છે. પોતાના આત્મામાં જે સિદ્ધપણાને સ્થાપે તે જીવ રાગનો કે અપૂર્ણતાનો આદર ન કરે, તેમ જ પરનું હું કરું કે
પર મને મદદ કરે એમ પણ માને નહિ. પણ પોતે પોતાના સ્વભાવ તરફ વળીને અનુક્રમે સિદ્ધદશા જ પ્રગટ કરે,
પછી તેને ભવભ્રમણ રહે નહિ.
આચાર્યભગવાન ‘તું પામર છે’ એમ કહીને શરૂઆત નથી કરતા, પણ શ્રોતાને પહેલેથી જ કહે છે કે તું
સિદ્ધ છે. તારા અંતરમાં બેસે છે આ વાત? જેના અંતરમાં આ વાત બેઠી તેણે પોતાના આત્મામાં સિદ્ધપણાની
સ્થાપના કરી, તે અલ્પકાળે સિદ્ધ થયા વિના રહે નહિ. હે ભાઈ! તારે આત્માનું સારું કરવું છે ને? તો સારું
કરવાની પરાકાષ્ટા શું? અર્થાત્ સૌથી ઉત્કૃષ્ટ સારું શું? તે નકકી કર. સારું કરવા છેલ્લી હદ સિદ્ધદશા છે. તે
સિદ્ધદશા ક્યાંથી આવે છે? આત્માના સ્વભાવમાં પૂરી તાકાત ભરી છે તેમાંથી જ તે દશા પ્રગટે છે. આ પ્રમાણે
પૂર્ણતાના લક્ષે જ સાધકપણાની શરૂઆત થાય છે. જેમ કોઈને ૫૦૦૦ પગથિયા ઊંચે ડુંગર ઉપર ચડવું હોય તો
તે તળેટીનું લક્ષ કરીને અટકતો નથી, પણ ઉપરની ટોચના લક્ષે વચલો બધો રસ્તો કપાઈ જાય છે. તેમ જેણે
પોતાના આત્માની પૂર્ણ સિદ્ધદશા પ્રગટ કરવી હોય તેણે તે સિદ્ધદશાને પ્રતીતમાં લેવી જોઈએ. અધૂરીદશા કે
વિકારનું લક્ષ કરીને અટકે તો સિદ્ધદશા થાય નહિ.
ચોવીસ તીર્થંકરોની સ્તુતિમાં આવે છે કે :– ‘सिद्धाः सिद्धि मम दीसंतु’–હે સિદ્ધ ભગવંતો! મને સિદ્ધિ
આપો. એમ પોતે સિદ્ધપદની માગણી કરે છે. ‘તું સિદ્ધ છે’ એમ સાંભળતાં જ જે શ્રોતાને અંતરમાં સિદ્ધપણાના
ભણકાર જાગે છે તેને સિદ્ધ થવાની શરૂઆત થાય છે. ‘સિદ્ધસમાન સદા પદ મેરા’ એ વાત જેને રુચે તેણે
પોતાના આત્મામાં સમયસાર ભગવાનની સ્થાપના કરી છે. આ, સમયસારની આધ્યાત્મિક પ્રતિષ્ઠા છે. હે
ભાઈ! આચાર્યભગવાન કહે છે કે તું સિદ્ધ છે. તારા સિદ્ધપણાની ના પાડીશ નહિ. હું સિદ્ધ છું. એમ ઉલ્લાસથી
હા પાડીને સિદ્ધદશા તરફ ચાલ્યો આવજે. તારી અવસ્થામાં રાગ થાય છે તેની તો આચાર્યદેવને ખબર છે, છતાં
આચાર્યભગવાન સ્વભાવદ્રષ્ટિની મુખ્યતાથી તારા આત્મામાં પણ સિદ્ધપણું સ્થાપે છે. માટે તું પણ સ્વભાવ
દ્રષ્ટિથી હા જ પાડજે. અત્યારે રાગ સામે જોઈશ નહિ. જેમ કોઈને ગામ–પરગામ જવું હોય એ તિથિ–વારનો મેળ
ન હોય તો પહેલાંં પ્રસ્થાનું મૂકે છે, ને પછી યોગ્ય તિથિવાર આવતાં ગામ જાય છે. તેમ આત્માને સિદ્ધગતિમાં
ગમન કરવું છે. પણ અત્યારે આ પંચમકાળ છે તે સાક્ષાત્ સિદ્ધદશા માટે કવાર (અકાળ) છે. તેથી આચાર્યદેવે
અત્યારે સિદ્ધપણાનું પ્રસ્થાનું કરાવ્યું છે. જેણે એવું પ્રસ્થાનું કર્યું તે પોતાના પુરુષાર્થનો સ્વકાળ આવતાં સાક્ષાત્
સિદ્ધ થઈ જશે. હે ભાઈ! જો તારે આ સંસારમાંથી નીકળીને સિદ્ધમાં જવું હોય તો અત્યારે પ્રસ્થાનું કર કે ‘હું
સિદ્ધ છું.’
હે જીવ! જ્ઞાનદર્શન સિવાય બીજો તારો સ્વભાવ નથી. શરીરાદિ પદાર્થો તારાથી જુદાં જડ છે, તે પણ
જગતના સત્ પદાર્થો છે, તેની હલન–ચલનાદિ ક્રિયાઓ તેનાથી જ થાય છે. છતાં, ‘તે પર પદાર્થોની ક્રિયા મારે
લઈને થાય છે, હું હોઉં તો તેની ક્રિયા થાય, નહિતર ન થાય’–આવો જે ભ્રમ છે તે સિદ્ધદશાએ પહોંચવામાં વચ્ચે
મોટી શિલારૂપ વિઘ્નકર્તા છે. એ ભ્રમ ટાળીને, આત્માના સિદ્ધપદના સ્વીકાર વગર ધર્મની શરૂઆત થાય નહિ,
અને ભવભ્રમણનો વિસામો મળે નહિ.
(૫) ભવનો અંત અને સિદ્ધિનો પંથ :– આ કાળે આ ભરતક્ષેત્રના જીવોને પ્રત્યક્ષ સિદ્ધદશા નથી, પણ કોઈ
મહા ભાગ્યવંત વિરલા મુનિને ચારિત્રદશા પ્રગટે છે. અને ‘હું સિદ્ધ છું હું સિદ્ધ છું’ એમ આત્મામાં પ્રસ્થાનું કરીને
તેના ઘોલનથી–ધ્યાનથી એકાવતારી થઈને કે બે–ત્રણ ભવે મુક્તિ પામે છે. સમ્યગ્દ્રષ્ટિ