Atmadharma magazine - Ank 077
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 17

background image
: ફાગણ : ૨૦૦૬ : આત્મધર્મ : ૮૯ :
વિકાર રહિત જે ત્રિકાળ સ્વભાવ છે તેનો અનાદર કર્યો, ને વિકારનો આદર કર્યો, તે મોટો અધર્મી છે. અજ્ઞાનીને
આત્માનું ભાન નથી તેથી તે વિકારનો કર્તા થાય છે, અને રાગ દ્વારા આત્માની સમજણ થશે એમ તે માને છે.
ખરેખર આત્માના સત્ સ્વભાવમાં રાગનો અભાવ છે. સત્ની શરૂઆત સત્થી થાય; અસત્થી સત્ની શરૂઆત
ન થાય. ધર્મની શરૂઆત સાચી સમજણથી થાય પણ રાગથી ધર્મની શરૂઆત થાય નહિ.
આત્માએ શું કરવું જોઈએ?
આત્મા શું કરી શકે છે?
અને આત્મામાં શું થઈ રહ્યું છે? તેનું અજ્ઞાનીને ભાન નથી. તાવડીની કિનારમાંથી પૂર્ણિમા ન થાય, પણ
બીજમાંથી થાય, તેમ શરીરની ક્રિયા, રાગ કે પુણ્યમાંથી કેવળજ્ઞાન ન થાય, પણ સમ્યગ્જ્ઞાન રૂપી ચંદ્રમાંથી
કેવળજ્ઞાન થાય છે. સાચું ભાન થયા પછી જ્ઞાનીને રાગ થાય પણ અંતરમાંથી આત્મભાન ખસતું નથી, ને
રાગને કર્તવ્ય માનતા નથી.
સર્વજ્ઞ ભગવાનની વાણીમાં પૂર્ણ ઉપદેશ આવે છે, છદ્મસ્થ જીવ તેવો પૂર્ણ ઉપદેશ કરી શકે નહિ, છતાં
સમ્યગ્જ્ઞાની હોય તે સમ્યક્ ઉપદેશ આપી શકે. કેવળી ભગવાનની સભામાં જઈને જીવે ઉપદેશ સાંભળ્‌યો પણ
અંતરમાં પાત્ર થઈને સમજ્યો નહિ. જેમ કંદોઈની દુકાને ઝેર ન મળે, તેમ જ્ઞાની પાસેથી જેના વડે સંસાર વધે
એવો ઉપદેશ હોય નહિ. પણ જીવની પોતાની પાત્રતા વગર કલ્યાણ થાય નહિ.
આત્મા પોતાની ભૂલે રખડયો છે, ને પોતે ભૂલ ભાંગીને ભગવાન થાય છે. એ સિવાય કોઈ ભગવાને
આત્માને રખડાવ્યો નથી ને ભગવાન તારતા પણ નથી. ‘હે ભગવાન! તું મને તાર!’ એમ માને તો તેના
પેટામાં એમ આવ્યું કે ‘હે ભગવાન! અત્યાર સુધી તેં મને રખડાવી માર્યો.’ કોઈક મને ડુબાડે ને કોઈક મને
તારે એવી પરાધીન દ્રષ્ટિ જ જીવને રખડાવે છે.
અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે પ્રભો!
આત્મા શરીરથી–વાણીથી કે રાગથી જણાતો નથી, શું આત્મા આકાશના ફૂલની જેમ અવસ્તુ છે? કે સત્
વસ્તુ છે? જેમ આકાશનું ફૂલ આંખથી–મનથી કોઈ રીતે જણાતું નથી, તેમ શું આત્મા કોઈ રીતે જણાતો નથી?
શ્રીગુરુ ઉત્તર કહે છે કે હે શિષ્ય! આત્મા પુણ્ય–પાપના વિકારથી કે જડથી જણાતો નથી, પણ તેથી તેનું
નાસ્તિપણું થઈ જતું નથી. કેમકે આત્મા સ્વાનુભૂતિથી જણાય તેવો છે. મનનું અવલંબન અને વિકાર ટળી જતાં
જે એકલું જ્ઞાન રહી ગયું તેનાથી આત્મા જણાય છે. ચૈતન્યતત્ત્વ સ્વાનુભવથી જણાય છે, એ સિવાય બીજી રીતે
જણાતું નથી. રાગરહિત ચૈતન્યસ્વભાવનું સત્સમાગમે માહાત્મ્ય કરતાં તે સ્વાનુભવથી જાણી શકાય છે, એ
સિવાય બીજા ઉપાય નિરર્થક છે. આકાશનું ફૂલ તો વસ્તુ જ નથી તેથી તે ક્યાંથી જણાય? આત્મા તો સત્ વસ્તુ
છે. આત્માને સ્વસંવેદન વડે જાણી શકાય છે, પણ તેને વાણીદ્વારા પૂરો વર્ણવી શકાય નહિ. છતાં જ્ઞાનીના
ઉપદેશના નિમિત્તથી પાત્ર જીવ અંતરમાં પોતાની લાયકાતથી સમજી જાય છે. જે ચૈતન્યસ્વભાવ ને જાણવા
તૈયાર થયો તેને ચૈતન્ય જણાય તેવો છે. જે ચૈતન્યસ્વભાવને જાણે તેને એમ થઈ જાય કે અહો! મેં મારા
સ્વભાવનું માહાત્મ્ય અનંતકાળમાં કદી જાણ્યું ન હતું. મારા સ્વભાવનું પરિપૂર્ણ માહાત્મ્ય મારામાં છે, તે મન–
વાણીથી પાર છે, રાગથી પાર છે. આવા આત્માને જાણવાનો પ્રયત્ન કરે તેને તે જણાય તેવો છે. અનંત
આત્માઓ આવા આત્માને જાણીને મુક્ત થયા છે, ને જેઓ મુક્ત થશે તે આત્મસ્વભાવને જાણીને જ થશે.
વર્તમાનમાં એવા આત્માને જાણીને જીવો મુક્ત થાય છે. અંતરમાં ચૈતન્યની બાદશાહી છે તેનો નકાર કરીને, જડ
પૈસાથી પોતાની મોટાઈ માને છે તે સંસારમાં રખડવાનું મૂળ છે. આત્મસ્વભાવને જેમ છે તેમ સ્વાનુભવથી
જાણવો તે જ મુક્તિનો ઉપાય છે. તેથી આચાર્યદેવ કહે છે કે તારી ચૈતન્ય જાતને તું સ્વાનુભવથી જાણ તો તે
જણાય તેમ છે.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
પૂ. ગુરુદેવશ્રી હાલ સૌરાષ્ટ્રમાં વિચરી રહ્યા છે. તેઓશ્રી મોરબી પધાર્યા તે દરમિયાન મહા સુદ ૧૫
ને ગુરુવાર તા. ૨–૨–૫૦ ના રોજ વૈદરાજ ભાઈશ્રી હીરાચંદ કૃપાશંકર તથા તેમના ધર્મપત્ની શારદાબેન–
એ બંનેએ સજોડે પૂ. ગુરુદેવશ્રી પાસે આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી છે. તે બદલ તેમને ધન્યવાદ.