આત્માને પ્રતિકૂળ પણ નથી, તે તો જ્ઞાતાનું–ચૈતન્ય તત્ત્વનું–જ્ઞેય છે. જ્ઞાતા ચૈતન્ય તત્ત્વને ભૂલીને પરથી મને
લાભ તેમ જ નુકસાન થાય એવી માન્યતા કરે તે તેનો ભ્રમ છે, અજ્ઞાન છે. તેને ટાળવાનો ઉપાય ચૈતન્ય તત્ત્વને
યથાર્થપણે ઓળખવો તે છે. ભગવાન સર્વજ્ઞોએ આ એક જ ઉપાય કહ્યો છે, તથા અનંત જ્ઞાનીઓએ–સંત
મુનિઓએ શાસ્ત્રરૂપી દરિયામાંથી આ સાર કાઢ્યો છે કે ચૈતન્ય તત્ત્વની રુચિ કરો ને પરની રુચિ છોડો.
પરમાત્મપણું શક્તિરૂપે ન જ હોય તો તે અવસ્થામાં વ્યક્તિરૂપે પ્રગટતારૂપે–ક્યાંથી આવે? ન હોય તેમાંથી આવે
નહિ–અભાવમાંથી પરમાત્મપણું આવે નહિ. વળી, પરમાત્મપણું પ્રગટે છે તે બહારથી–શરીરની ક્રિયાથી કે દયા–
દાન, વ્રત–તપ વગેરે શુભ ભાવોથી પ્રગટતું નથી. શરીર અને તેની ક્રિયા જડ છે, રૂપી છે; તેમાંથી કે તેનાથી
ચૈતન્યનું પરમાત્મપણું–મોક્ષ–પૂર્ણ નિર્વિકારી શાંત દશા પ્રગટે નહિ. દયા–દાન આદિ શુભભાવ તો ચેતનનો
વિકાર છે. વિકારમાંથી નિર્વિકારીદશા પ્રગટે નહિ. પરંતુ અંદર ચૈતન્યસ્વભાવમાં જ્ઞાન આદિ ત્રિકાળી શક્તિઓ
ભરી પડી છે તેમાંથી ચૈતન્યની પૂર્ણદશા–મોક્ષ પ્રગટે છે. જેમકે મોરના ઇંડાંના રસમાં, સાડા ત્રણ હાથનો, મોટા
પીંછાવાળો, કેકારવ કરતો, મોર થવાની તાકાત છે. ઇંડાંમાં મોર થવાની શક્તિ, ઢેલની પાંખથી તેને સેવવામાં
આવ્યું માટે નથી આવી. જો ઢેલની પાંખને લઈને મોર થવાની તાકાત આવી હોય તો કુકડીના ઇંડાંને સેવે
તેમાંથી પણ મોર થવો જોઈએ, પણ તેમ થતું નથી. માટે ઢેલની પાંખના સેવનથી મોરના ઇંડાંમાં મોર થવાની
તાકાત નથી આવી, વળી, ઇંડાં ઉપરની જે ધોળી ફોતરી, તેને કારણે પણ મોર થવાની તાકાત નથી આવી, કેમકે
મોર તો તે ફોતરીને ફોડીને ને ફોતરીનો નાશ કરીને ઇંડાંમાંથી બહાર આવે છે; ધોળી ફોતરી ફૂટયા પછી મોર
બહાર આવે છે. માટે ફોતરી મોર થવાનું કારણ નથી, પણ ઇંડાંની અંદર જે રસકસ ભર્યો છે, તે રસમાં મોર
થવાની શક્તિ છે. તેમાંથી મોર થાય છે. તેવી રીતે શરીરની ક્રિયા ઢેલની પાંખ સમાન પર પદાર્થની ક્રિયા છે,
તેનાથી આત્માનો ધર્મ પ્રગટે નહિ, તેનાથી આત્માનો પરમાત્મ સ્વભાવ પ્રગટતો નથી. વળી ઇંડાંની ફોતરી
સમાન વ્રત, તપ, દયા, દાન આદિ શુભભાવમાંથી ધર્મ થતો નથી. શુભભાવ વિકાર છે; તે વિકારનો નાશ–વ્યય
કરવાથી ધર્મ પ્રગટે છે, માટે શુભભાવથી આત્માનો પરમાત્મ સ્વભાવ પ્રગટ થતો નથી. આત્માનો પરમાત્મ
સ્વભાવ તો અંદર સ્વભાવમાં જ્ઞાન આદિ શક્તિઓનો રસકસ ભર્યો છે તેમાંથી પ્રગટે છે.
શ્રીમદ્ રાજચંદ્ર સોળ વર્ષની ઉંમરે કહે છે કે :–
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહો;
ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો?
લીંમડા, પીપળાદિ એકેન્દ્રિયના ભવોમાં જન્મે–મરે છે. કેટલાય ઈયળાદિ બે–ઈન્દ્રિય, મકોડા આદિ ત્રણ–ઈન્દ્રિય
વગેરે યોનિમાં જન્મે છે અને મરે છે. તે બધામાં મનુષ્યભવની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે. ઘણા પુણ્યના થોકે
મનુષ્યભવ, આર્યકુળ, સત્સમાગમનો યોગ મળે છે. મનુષ્ય દેહને શુભદેહ એટલા માટે કહેવામાં આવે છે કે,
મનુષ્ય ભવમાં, ‘શરીર આદિ પર પદાર્થથી ભિન્ન અને મિથ્યાત્વ–રાગ–દ્વેષના વિકારોથી રહિત આત્માનું સ્વરૂપ
શુદ્ધ જ્ઞાનાનંદ છે,’ એવા સત્–શ્રવણનો અને સત્ સમજવાનો અવકાશ, જો જીવ પોતે સત્સમાગમ કરીને સત્
સમજવાનો પુરુષાર્થ કરે તો, મુખ્ય છે. અનંતકાળે દુર્લભ મનુષ્યભવ મળે અને સાચું સમજવાની જીજ્ઞાસા કે
મહેનત ન કરે તો તે મનુષ્યભવમાં કે કાગડા–કૂતરાનાં ભવમાં કાંઈ તફાવત નથી; કારણ કે અન્ય પ્રાણીઓ પણ
આહાર–ભય આદિ ચાર સંજ્ઞામાં જીવન ગાળે છે, અને આણે મનુષ્યભવમાં પણ એ જ