: ફાગણ : ૨૦૦૬ : આત્મધર્મ : ૮૩ :
બુદ્ધિ હોય જ. કેમકે જેની સાથે એકતા ન માને તેનાથી લાભ માને નહિ. દેવ–ગુરુ–શાસ્ત્ર ઉપરના રાગથી આત્માને
લાભ થાય એમ માનનારને રાગ અને દેવ, ગુરુ, શાસ્ત્ર વગેરે સાથે એકત્વબુદ્ધી છે, તે બહિરાત્મા છે, બહારથી
આત્માને લાભ માન્યો માટે બહિરાત્મા છે, મિથ્યાદ્રષ્ટિ છે.
(૧૧૨) અંતરાત્માનું લક્ષણ
જેણે પોતાના સ્વભાવને જાણ્યો હોય તે જીવ કદી પર સાથે કે વિકાર સાથે એકતા માને જ નહિ અને તેથી
કોઈ પરથી કે વિકારથી આત્માને લાભ થાય એમ માને જ નહિ. પરની સંબંધ રહિત અને વિકાર રહિત એવા
પોતાના સ્વભાવની ઓળખાણ ને શ્રદ્ધા કરવાં તે ઉપાદેય છે, ને તે જ પરમાત્મદશા પ્રગટ કરવાનો ઉપાય છે.
શુદ્ધ પરમાત્મદશાની અપેક્ષાએ સાધકરૂપ અંતરાત્મદશા પણ હેય છે, કેમકે તે પણ અપૂર્ણદશા છે, તે
આત્માનું પૂરું સ્વરૂપ નથી. જેવો પરિપૂર્ણ શુદ્ધ ત્રિકાળી સ્વભાવ છે તેવી જ પરિપૂર્ણ શુદ્ધ પરમાત્મદશા પ્રગટ થાય તે
ઉપાદેય છે, ત્રિકાળીસ્વભાવ ને પરમાત્મદશા અભેદ થઈ જાય છે. અહીં પર્યાય અપેક્ષાએ કથન હોવાથી
પરમાત્મદશાને ઉપાદેય કહેવાય છે. દ્રવ્યદ્રષ્ટિથી તો ત્રિકાળ એકરૂપ પરિપૂર્ણ દ્રવ્ય જ ઉપાદેય છે; તે દ્રવ્યના આશ્રયે
પરમાત્મદશા પ્રગટ થઈ જાય છે.
વીર સં. ૨૪૭૩. ભાદરવા સુદ–૮ સોમવાર દસલક્ષણી પર્વનો ઉત્તમ શૌચદિન (૪)
(૧૧૩) બહિરાત્માનું સ્વરૂપ
આ શરીર જડ છે, તેનાથી આત્મા જુદો છે. આત્મા એટલે જાણનાર–જોનાર વસ્તુ છે. તે આત્માની અવસ્થા
ત્રણ પ્રકારની છે; તેમાંથી બહિરાત્મદશાનું વર્ણન ચાલે છે.
આ શરીર જડ છે, તેને પોતાનું માને તે બહિરાત્મા છે; મિથ્યાદ્રષ્ટિ છે, જ્ઞાયકસ્વભાવ છે તેને જાણતો નથી અને
રાગાદિને આત્મા માને છે અથવા કર્મ કે શરીરને પોતાનાં માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે. કર્મ, શરીર, ને રાગદ્વેષ એ ત્રણે
આત્મા નથી; જેમ નાળીયેરમાં ઉપરનાં છોતાં અને કાચલી તો ટોપરાંનું સ્વરૂપ નથી, તેમજ તેમાં ગોટા ઉપર જે રાતી
છાલ હોય છે તે પણ ટોપરું નથી, પણ ચોખ્ખો સફેદ મીઠો ગોટો તે જ ટોપરું છે તેમ આત્મા જ્ઞાનમૂર્તિ છે, જે
જ્ઞાયકભાવનો પિંડ તે જ આત્મા છે; તેમાં આ સ્થૂળ છોતાં જેવું શરીર છે તે આત્મા નથી, કાચલી જેવાં કર્મો છે તે પણ
આત્મા નથી, રાગ–દ્વેષ થાય તે રાતી છાલ જેવા છે તે પણ ચૈતન્ય ગોળા તરફનો ભાગ નથી પણ જડ તરફનો ભાગ છે.
આમ જે નથી જાણતો અને રાગાદિને જ આત્મસ્વરૂપ માને છે તે મૂઢ છે, બહિરાત્મી છે, અજ્ઞાની છે.
‘એકવાર તો આ દેહ છોડીને મરી જવાનું છે.’ એમ અજ્ઞાની માને છે એટલે કે શરીર છૂટતાં આત્માનો નાશ
તે માને છે તેથી તે શરીરને જ આત્મા માનનાર મૂર્ખ છે. તે જીવ શરીરાદિનું લક્ષ છોડીને સુખસ્વરૂપ
આત્મસ્વભાવને પામી શકતો નથી. આત્માનો સ્વભાવ દેહાતીત, રાગાદિથી પાર છે તેને મૂર્ખ અજ્ઞાની જાણતો
નથી. અહીં અજ્ઞાનીને ‘મૂઢ–મૂર્ખ’ કહ્યો છે તેમાં દ્વેષબુદ્ધિ નથી પણ સંતોની કરુણા બુદ્ધિ છે.
ભાઈ, તું આત્મા છો, તારી તને ખબર નથી, તેથી જ્ઞાનીઓ તને ‘મૂર્ખ’ કહીને–ઠપકો આપીને સત્ય
સમજાવે છે. આ શરીર તો તારું નથી, ને વિકારમાં પણ તારી શાંતિ નથી. તારી શાંતિ તો તારા સહજ સ્વરૂપમાં જ
છે. આવા સ્વભાવનું ભાન કરવું તે અંતરાત્મ દશા છે. બહિરાત્મદશા છોડવા યોગ્ય છે, ને તે બહિરાત્મદશાની
અપેક્ષાએ અંતરાત્મદશા આદરણીય છે. ।। ૧૩।।
(૧૧૪) અંતરાત્માનું સ્વરૂપ
હવે, પરમસમાધિમાં સ્થિત થઈને જે જીવ દેહથી ભિન્ન જ્ઞાનમય પોતાના પરમાત્મસ્વરૂપને ધ્યાવે છે તે જીવ
અંતરાત્મા છે, –એમ કહે છે–
ગાથા–૧૪
देह विभिण्णउ णाणमउ जो परमप्पु णिएइ।
परम समाहि परिठ्ठियउ पंडिउ सो जि हवेइ।।१४।।
ભાવાર્થ :– જે જીવ પોતાના સ્વભાવને દેહથી ભિન્ન ને સંપૂર્ણ જ્ઞાનમય જાણે છે તે જીવ જ પરમ સમાધિમાં
સ્થિર છે, તે જ પંડિત છે અને તે જ અંતરાત્મા છે.
(૧૧૫) ધર્માત્મા જીવ કેવું આત્મસ્વરૂપ જાણે છે?
જે જ્ઞાનમય આત્માને માને તે સમ્યગ્દ્રષ્ટિ છે. સમયસારમાં ‘ज्ञान वपु’ કહ્યું છે એટલે જ્ઞાન શરીર જ
આત્માનું છે, જ્ઞાનથી ભિન્ન કોઈ શરીર આત્માનું નથી.