Atmadharma magazine - Ank 077
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 17

background image
: ૮૪ : આત્મધર્મ : ફાગણ : ૨૦૦૬ :
અધૂરું જ્ઞાન પણ આત્મસ્વરૂપ નથી; આત્માની પર્યાય ઓછી દેખાય તે આત્માનું સ્વરૂપ નથી; પહેલાંં જેમ સોનું
લઈને પછી દાગીનો ઘડે છે; તેમ, કેવળજ્ઞાનાદિ પર્યાય પ્રગટ્યા પહેલાંં પરિપૂર્ણ આત્મસ્વભાવની પ્રતીત કરીને
પછી તેમાં જ એકાગ્રતાવડે કેવળજ્ઞાનાદિ પર્યાય પ્રગટ કરે છે. પણ પહેલાંં પૂર્ણસ્વભાવના ભાન વગર શેમાં
એકાગ્ર થઈને નિર્મળદશા પ્રગટ કરશે? જે જીવ કાયમનું પરિપૂર્ણ સ્વરૂપ જાણે તે જીવ અપૂર્ણતાને પોતાનું સ્વરૂપ
માને નહિ; આવું જેણે જ્ઞાન કર્યું તેને સમ્યગ્જ્ઞાનરૂપ કળા ખીલી, તે ધર્માત્મા અંર્તદ્રષ્ટિ છે.
(૧૧૬) મૂર્ખ અને પંડિત કોણ?
ધર્માત્મા ગૃહસ્થને રાગ થાય ખરો, પણ તેની રુચિનું જોર રાગ તરફ ન હોય. રાગથી ભિન્ન
અંતરસ્વભાવનું જેને ભાન છે, તે જ જીવ પંડિત છે. પૂર્વની ગાથામાં અજ્ઞાનીને મૂર્ખ કહ્યો હતો, ને અહીં જ્ઞાનીને
પંડિત કહ્યો છે; અહીં શાસ્ત્રજ્ઞાનથી પંડિતપણું નથી, પણ આત્મજ્ઞાનથી પંડિતપણું છે.
(૧૧૭) પોથી માંહેના રીંગણાં
જેમ શાસ્ત્રમાં લખ્યું હોય તેમ શબ્દો વાંચી જાય પણ જ્ઞાનસ્વરૂપ આત્માને સમજે નહિ તે પંડિત કહેવાય
નહિ; તેનું જાણપણું ‘પોથી માંહેના રીંગણાં’ જેવું છે.
એક વખત કોઈ શાસ્ત્ર ભણેલા પંડિત સભામાં વાંચતા હતા કે ‘રીંગણાંમાં ત્રસ જીવો હોય છે, રીંગણાં
ખાવાં ન જોઈએ.’ જ્યારે ઘરે ગયો ત્યારે કોઈ ઓળખીતા ખેડૂતે તેને તાજાં રીંગણાં આપ્યા; પંડિતજીએ તેની
સ્ત્રીને કહ્યું કે ‘આજે આ રીંગણાંનું શાક કરજો.’ સ્ત્રીએ આશ્ચર્યથી કહ્યું કે હજી હમણાં જ સભામાં તમે કહેતા
હતા કે રીંગણાં ન ખવાય. અને તમે જ કેમ અત્યારે તેનું શાક કરવાનું કહો છો! પંડિતે જવાબ આપ્યો, કે એ
વાત તો પોથીમાં લખેલાં ‘રીંગણાં’ની હતી. આ રીંગણાં તો ખવાય!– તેમ અજ્ઞાની જીવો શાસ્ત્રો વાંચી જાય કે
‘આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પરનો અકર્તા છે.’ પરંતુ પોતાનો અભિપ્રાય તો ફેરવે નહિ, ને પરાશ્રય છોડીને પોતે
સ્વાશ્રય કરે નહિ તો તેનું શાસ્ત્રજ્ઞાન માત્ર ‘પોથી માંહેના રીંગણાં’ જેવું છે. તેનાથી કાંઈ આત્મલાભ થાય નહિ.
(૧૧૮) આત્મા અને શરીરાદિનો સંબંધ મિથ્યા છે
આત્માને અનાદિથી અનુપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી શરીર–કર્મ સાથેનો જે સંબંધ કહ્યો છે તે સંબંધ
સાચો નથી પણ મિથ્યા છે. અસદ્ભૂતનો અર્થ જ મિથ્યા થાય છે. સાચો સંબંધ તો તે કહેવાય કે જે કદી જુદો પડે નહિ.
શરીર સાથે આત્માનો સંબંધ ખરેખર નથી. ભગવાન આત્મા ચૈતન્ય છે, તેને શરીરાદિનો સંબંધ જુઠ્ઠો છે. દૂધ અને
પાણીને એક માનવા તે ખરેખર મિથ્યા છે કેમકે દૂધ ને પાણી ભેગાં નથી પણ જુદાં જ છે તેમ આત્માને અને શરીરને
એકપણું માનવું તે ખરેખર મિથ્યા છે, બંને ભિન્ન છે. જેમ દૂધ અને મીઠાશ એકમેક છે, તેમ આત્મા ચૈતન્યમય છે, તે
ચૈતન્યથી કદી જુદો નથી, ને શરીર સાથે કદી એકમેક થયો નથી. આવું યથાર્થ જાણવું તે અંર્તદ્રષ્ટિ છે; પરમાર્થે
સાક્ષાત્ પરમાત્મ દશા જ ઉપાદેય છે, આ અંતરાત્મદશા પણ હેય છે કેમ તે પણ અપૂર્ણદશા છે.
(૧૧૯) અંતરાત્મદશા અને તેનું ફળ
‘હું, જ્ઞાનમય ચૈતન્ય પરમાત્મા છું’–એમ નિજ શુદ્ધાત્માની વીતરાગનિર્વિકલ્પ સહજાનંદમય અનુભૂતિ તે
જ અંતરાત્માપણું છે. કોઈ શાસ્ત્રના જ્ઞાનથી કે દેવ–ગુરુની શ્રદ્ધાથી અંતરાત્માપણું થતું નથી પણ અંતર
ચૈતન્યસ્વભાવમાં જાગૃત થઈને જેણે સ્વભાવને અનુભવ્યો તે જ અંતરાત્મા છે; અહીંથી જ ધર્મની શરૂઆત છે.
આ જ સાધકભાવ છે, અને તેનું ફળ પરમાત્મદશા છે.
।। ૧૪।।
વીર. સં. ૨૪૭૩. ભાદરવા સુદ ૯ મંગળવાર
દસલક્ષણીપર્વનો ઉત્તમસત્યદિન (પ)
(૧૨૦) પરમાત્માનું સ્વરૂપ
અહીં ત્રણ પ્રકારના આત્માનું કથન ચાલે છે. આ પંદરમા દોહામાં પરમાત્માનું સ્વરૂપ કહે છે–
ગાથા–૧૫
अप्पा लद्धउ णाणमउ कम्म–विमुक्कें जेण।
मेल्लिवि सयलु वि दव्वु परु सो परु मुण हि मणेण।।१५।।
ભાવાર્થ :– જેમણે જ્ઞાનાવરણાદિ (ભાવ તેમજ દ્રવ્ય) કર્મોનો નાશ કરીને અને દેહાદિક સર્વે પરદ્રવ્યોને છોડીને
કેવળજ્ઞાનમય પરમાત્મ–પ્રકાશ પ્રાપ્ત કર્યો છે તેમને શુદ્ધ મનથી પરમાત્મા જાણો. (અનુસંધાન પાના નં. ૯૫)