Atmadharma magazine - Ank 078
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 25

background image
: ૧૦૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૦૦૬ :
ખરેખર દેહાતીતનું સ્વરૂપ શું? દેહાતીત કોને કહેવો? કોઈ મારી નાખે, શરીરને કાપી નાખે અને
મોઢામાંથી ઊંહકારો ન કરે તે કાંઈ દેહાતીત નથી, કારણ કે આત્માના ભાન વગરના જીવો પણ લડાઈના
પ્રસંગમાં માનને લક્ષે, શરીર કપાતાં છતાં ઊંહકારો કરતા નથી. બાઈઓ ઘાસતેલ છાંટીને બળી મરે છે છતાં
ઊંહકારો કરતી નથી. શું તે દેહાતીત છે? –નહિ. જેને શરીર, વાણી આદિ પર પદાર્થોથી જુદાં એવા પોતાના
આત્માનું યથાર્થ ભાન છે, દેહ ઉપર મારો અધિકાર નથી, દેહ, જ્ઞાનાવરણીય આદિ કર્મોના સમૂહરૂપ બનેલું
કાર્મણ શરીર અને રાગ–દ્વેષ, દયા–દાનનાં શુભ પરિણામ તેમ જ અશુભ પરિણામ–એ બધાની પાર આત્મા છે;
આત્મામાં આ બધા નથી. પર તથા શુભાશુભ વિકારથી ભિન્ન એવા પોતાનું સ્વરૂપ સમજયો તે આત્મા જ
દેહાતીત થયો છે. સ્વરૂપની સાચી સમજણ થતાં તે એમ જાણે છે કે ‘આ શુભાશુભ વિકાર તે હું નહિ, આ શરીર,
વાણી વગેરે હું નથી, હું જ્ઞાતા છું અને તેઓ મારા જ્ઞેય છે.’
‘હું કર્તા અને શરીરાદિની કોઈ અવસ્થા મારું કાર્ય છે એમ નથી; હું ભોક્તા અને તે મારું ભોગ્ય છે એમ
નથી. ખરેખર તો શુભાશુભ વિકાર, દયાદિની લાગણીઓ મારું કાર્ય તેમ જ ભોગ્ય નથી; પરંતુ શુદ્ધ જ્ઞાનસ્વભાવ
પ્રગટ કરીને તેનો અનુભવ કરવો તે જ મારું કાર્ય અને ભોગ્ય છે.’ આવું ભાન થયાં છતાં અવસ્થામાં
નબળાઈને લીધે વૃત્તિ ઊઠે તો તેનું વલણ સર્વજ્ઞ ભગવાન તથા જ્ઞાનીઓ તરફ રહો, પરંતુ વિષય–કષાયાદિ
અશુભભાવમાં ન રહો. આવું ‘સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.’ આ કથનનું રહસ્ય છે. શ્રીમદ્ના
કથનનું રહસ્ય નહિ સમજતાં, રાગીઓ–પક્ષવાળા તેમના શબ્દોને ખેંચે છે (–આગ્રહથી લખ્યા પ્રમાણે શબ્દાર્થ કરે
છે, પરંતુ તેમનો હેતુ સમજતા નથી.), અને દ્વેષીઓ તેની નિંદા કરે છે. બેમાંથી કોઈ શ્રીમદ્ના આશયને
ઓળખી શકતા નથી.
શ્રીમદ્ રાજચંદ્રે એવું શું કર્યું કે તેમનું સમાધિ–મરણ વખણાય છે? શ્રીમદ્દે પોતાની એક કવિતામાં લખ્યું
છે કે :–
અવશ્ય કર્મનો ભોગ જે, ભોગવવા અવશેષ રે;
તેથી દેહ એક જ ધારિને, જાશું સ્વરૂપ સ્વદેશ રે.
વળી તેમાં જ પહેલી કડીમાં કહે છે કે :–
ધન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે;
દશ વર્ષે રે ધારા ઉલસી, મટ્યો ઉદય કર્મનો ગર્વ રે.
શ્રીમદ્ને અંતરમાં આત્માનું ભાન હતું. તેમને ચૈતન્ય–જાગૃત સત્તાની ઓળખાણ થઈ છે, છતાં
અસ્થિરતા છે તેટલો રાગ છે. એટલી કચાશને લઈને, દેહ છૂટતાં આ ભવમાં નથી, પણ અંતરમાં તેમને ખાતરી
છે કે આ અસ્થિરતાને–કચાશને–શુભાશુભરૂપ બહારના ઉત્થાને ટાળી પૂર્ણ વીતરાગ થઈ જશુ; સ્વ દેશ જશું.
પોતાના આત્મામાં પૂર્ણ થવું, સ્વરૂપમાં પૂર્ણ સમાઈ જવું તે સ્વદેશમાં જવું છે, આત્મા સિવાય કોઈ બહારનું ક્ષેત્ર
સ્વદેશ નથી. હવે એક દેહ ધારીને અંતરમાં સ્થિર થઈ સ્વદેશ જઈશું. આવા આત્મભાનપૂર્વક અને આત્મશાંતિ
સહિત તેમનું મરણ–આ દેહનો વિયોગ થયો હોવાથી તે વખણાય છે.
‘અપૂર્વ અવસર’માં પણ સ્વકાળની એટલે કે સ્વ પર્યાયની શુદ્ધતાની ભાવના છે. અપૂર્વ અવસરમાં
પહેલી કડીમાં ભાવના ભાવે છે કે :–
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો?
સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું કવ મહત્પુરુષને પંથ જો? અપૂર્વ.૧.
અંતર આત્માનું ભાન થયું છે પણ સ્વભાવના પુરુષાર્થ વડે અંતર અસ્થિરતાના રાગાદિને તોડી,
સ્વરુપમાં વિશેષ સ્થિર થઈ આભ્યંતર તેમ જ બાહ્ય નિર્ગ્રંથ કયારે થાશું ? બાહ્યાભ્યંતર નિર્ગ્રંથ સ્વકાળ ક્યારે
પ્રગટ કરશું? એવો અપૂર્વ અવસર–અપૂર્વ નિર્મળ શુદ્ધ દશા અમને ક્યારે પ્રગટ થશે! અપૂર્વ અવસર એવો
ક્યારે આવશે? ક્યારે નિર્ગ્રંથ થશું? એમ નિર્ગ્રંથ થવાની શ્રીમદ્દે ભાવના ભાવી છે. અંતર સ્વભાવમાં લીનતા
કરી, અંતરમાં ઠરીને અપૂર્વ સ્વભાવ દશા–સ્વકાળ–અપૂર્વ સ્વ–રમણતા ક્યારે પ્રગટ કરશું? એવી અંતરની
ભાવના ભાવી છે.