Atmadharma magazine - Ank 078
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 25

background image
: ચૈત્ર : ૨૦૦૬ : આત્મધર્મ : ૧૦૧ :
આ આત્મા જ્ઞાનસ્વરૂપ, આનંદ કંદ, જેવો ત્રિલોકીનાથ તીર્થંકર ભગવાને જોયો છે તેવો તેને સમજવો
અને રાગ, દયા, દાન વગેરે વિકારી ભાવોનો સ્વભાવની રમણતા–સ્થિરતા વડે નાશ કરવો–અંતરંગ રાગ રહિત
શાંતિ પ્રગટ કરવી તે સમાધિ છે. આ સિવાય લોકો શ્વાસને રોકવા વગેરેની ક્રિયાને સમાધિ માને છે તે સમાધિ
નથી. શ્વાસ રોકાવો તે જડની ક્રિયા છે. તેના ઉપર આત્માનો અધિકાર નથી. આત્માનો અધિકાર અંદર
આત્માની શાંતિ ઉપર છે, પર પદાર્થ ઉપર નહિ. શ્વાસનું ઊંચું–નીચું થવું તે જડની ક્રિયા છે, અને તે તરફના
લક્ષવાળી રાગની ક્રિયા હઠ ક્રિયા છે. તે આત્માની સમાધિ નથી; તે આકુળતા છે; આત્માની સાચી ઓળખાણ
કરીને જે સ્વભાવની શાંતિ–સ્વરૂપસમાધિ–પ્રગટ કરે છે તેનાં ભાવનિદ્રા તથા ભાવમરણ નાશ પામે છે. એટલે
પરથી મને લાભ થાય એવી મિથ્યા માન્યતા નાશ પામે છે.
આ આત્માને ‘પરથી મને લાભ થાય, હું પર પદાર્થનું કરી શકું છું’ એવી જે માન્યતા થવી તેને ભાવ
મરણ કહે છે, શ્રીમદ્દે સોળ વર્ષની ઉંમરે ‘અમૂલ્ય તત્ત્વ–વિચાર’ માં ભાવમરણ વિષે કહ્યું છે–
‘બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્‌યો,
તોયે અરે! ભવચક્રનો આંટો નહિ એકે ટળ્‌યો;
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહો;
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો?’
સોળ વર્ષ પછીનું આ કાવ્ય છે. નાનપણથી જ તેમને ભવના અંત ઉપર ખૂબ વજન છે, ભવના નાશની
ખૂબ તાલાવેલી છે. અનંતકાળથી નહિ સમજાયેલ આત્મસ્વરૂપને અપૂર્વ પુરુષાર્થ વડે સ્વભાવના પ્રયત્ન દ્વારા
સમજીને ફડાક દઈને ભવનો નાશ ન થાય તો પુરુષાર્થ અને સમજણની અપૂર્વતા શી? અનંતકાળે પ્રાપ્ત થવો
દુર્લભ એવા આ મનુષ્ય ભવમાં આત્માની ઓળખાણ કરી આત્મસ્વભાવથી વિરુદ્ધ એવા ભવભ્રમણના મૂળનો
નાશ ન કરે તો મનુષ્યભવની કાંઈ ગણતરી નથી. જગતમાં ગલુડિયા અને અણસિયાં જન્મીને મરે છે તેમ
મનુષ્યભવ પામીને પણ અજ્ઞાનમાં જીવન વિતાવીને મરે તો ગલુડિયાના ભવમાં અને મનુષ્યના ભવમાં કાંઈ
તફાવત નથી. બહુ પુણ્યના યોગથી એટલે કે પૂર્વના કોઈ દયાદિ મંદ કષાયના ફળરૂપે દુર્લભ મનુષ્યભવ મળ્‌યો.
આ મનુષ્યભવમાં આત્માના સ્વરૂપને સમજવાની મુખ્યતા છે માટે તેને શુભદેહ કહ્યો. દેહને શુભ કહેવો તે
વ્યવહારનું કથન છે. માનવદેહ પામીને આત્મા જો દેહ, વાણી અને રાગ વગેરેથી રહિત ત્રિકાળી આત્માનું સ્વરૂપ
ઓળખવાનો પ્રયત્ન કરે, સમજે તો દેહને શુભપણાનો ઉપચાર આવે છે. પણ જો આત્માની ઓળખાણ ન કરે તો
તેને શુભનો વ્યવહાર આવતો નથી. પણ ગલુડિયાં વગેરેની પેઠે ભાવમરણ–અજ્ઞાનમરણ–બાળમરણ, કરીને મરે
તેને તે ભવવૃદ્ધિનું નિમિત્ત કહેવાય છે.
આવો દુર્લભ મનુષ્યભવ પ્રાપ્ત થયો છતાં, અરેરે ભવ પરિભ્રમણનો એક આંટો પણ ટળ્‌યો નહિ? એને
એ ચાર ગતિનાં ભ્રમણ ઊભાં રહ્યાં. આત્માના સાચા સ્વરૂપને સમજ્યા વિના પર પદાર્થમાં પોતાનું સ્વરૂપ–
પરપદાર્થમાં સુખ–માની માનીને ભ્રમણ કર્યું! પણ અહો જગતના જીવો! જરા વિચાર તો કરો! કે બાહ્ય સુખ
પ્રાપ્ત કરતાં અંતરનું સુખ ટળે છે. શરીરમાં, વિષયોમાં સુખ છે, તેમાંથી મને સુખ પ્રાપ્ત થશે એવી માન્યતાથી,
પરમાં જ ભટકવાથી પોતાના અંતરંગ સ્વભાવનું સુખ–અંતરંગ શાંતિ ટળે છે. વિષયોમાં સુખ નથી, સુખ
આત્માનો સ્વભાવ છે. તેને બહારમાં ગોતતાં અંતરનું સુખ ટળે છે અને આકુળતા ઉત્પન્ન થાય છે. લેશ એ લક્ષે
લહો. લેશ એટલે જરી એને લક્ષમાં–ખ્યાલમાં તો લ્યો. અંતર ધીરા થઈ જરી વિચાર તો કરો કે મારું સુખ પરમાં
ન હોય. પ્રથમ લેશ તો લક્ષ કરો, સ્થિરતાની વાત પછી, પ્રથમ સત્યને લક્ષમાં તો લ્યો!
દેહની સોળ વર્ષની ઉંમર ટાણે આ વાત આવી છે. ઉંમર આત્માને લાગુ પડતી નથી. બધા આત્મા
અનાદિથી વર્તતા વર્તમાન વર્તી રહ્યા છે. કોઈ આત્મા વર્તમાન સમયથી આગળ વધીને ભવિષ્યમાં ગયો નથી.
માટે ખરેખર વૃદ્ધ કે જુવાન કોને કહેવા? બધા આત્મા અનાદિના છે. કોઈ નાના મોટા નથી. દેહની સ્થિતિને
લઈને વ્યવહારે કહેવાય છે પણ તેમ ખરેખર નથી.
જગતના અનંત ચૈતન્ય આત્માઓ અને અનંત જડ પદાર્થો–પરમાણુ વગેરે પદાર્થો અનાદિ અનંત છે.
ત્રિલોકીનાથ તીર્થંકર ભગવાને તેમની સત્તા–હોવાપણું જેમ જોયું છે તેમ તેઓની સત્તા–હયાતી પોતાને લઈને છે.
માટે કોઈની સત્તા કોઈ પદાર્થ ઉપર કામ કરે નહિ. દરેકે દરેક પદાર્થ પોતાની હયાતીથી કામ કરી રહ્યાં