Atmadharma magazine - Ank 078
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 25

background image
: ૧૦૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૦૦૬ :
છે, છતાં એક પદાર્થની હયાતીને લઈને–નિમિત્તને લઈને બીજા પદાર્થની સત્તામાં–હયાતીમાં લાભ થાય એવી
માન્યતા હોવી તેને શ્રીમદ્દે ભાવમરણ કહ્યું છે. તે ભાવમરણ ભવચક્રનું–પરિભ્રમણનું કારણ છે.
શ્રીમદ્ જગતના જીવોને કહે છે કે, આવી અજ્ઞાન માન્યતારૂપી ભાવમરણને લઈને–આવા ક્ષણ ક્ષણ
ભયંકર ભાવમરણને લઈને પરિભ્રમણ થાય છે છતાં તેમાં કાં રાચિ રહ્યા છો? એટલે કે રુચિપૂર્વક તેમાં કાં લાગી
રહ્યા છો? ક્ષણ ક્ષણ ભાવમરણ એટલે સમયે સમયે પર્યાયે પર્યાયે અજ્ઞાનભાવને લઈને આત્માના સ્વરૂપની
અણસમજણરૂપ ભાવમરણ–આત્મમરણ થઈ રહ્યું છે, તેનું અજ્ઞાનીને ભાન નથી અને તેમાં જ રુચિથી–હોંશથી
રાચિ રહે છે. જ્ઞાની કહે છે અહો! જીવો તમે તેમાં કેમ રાચિ રહો છો!
પુદ્ગલના છેલ્લામાં છેલ્લા પોઈન્ટને–નાનામાં નાના અંશને–પરમાણુ કહે છે. તે પરમાણુ જેટલા ક્ષેત્રમાં
રહે તેને એક પ્રદેશ કહેવાય છે. એવા અસંખ્ય પ્રદેશવાળો જીવ છે. જીવના સ્વદ્રવ્યનું, સ્વભાવનું તથા તેના
પર્યાયોનું ક્ષેત્ર પોતાના અસંખ્ય પ્રદેશ જેવડું છે. જીવ અંદર સ્વભાવમાંથી, સ્વક્ષેત્રમાંથી, પોતાની હયાતીમાંથી
સુખનો પ્રયત્ન ન કરતાં, સ્વસત્તાથી બહાર, દેહ, વાણી તથા પુણ્ય આદિ વિકારી ભાવોમાંથી સુખ પ્રાપ્ત કરવા
જતાં અંતર ચૈતન્ય સ્વભાવની જાગૃતિનો નાશ થાય છે. તેને લેશ તો લક્ષમાં–ખ્યાલમાં લહો.
આત્મતત્ત્વને શોધવા અંતરની દ્રષ્ટિ કામ કરે છે. અંદર ચૈતન્ય જ્ઞાનાનંદ સ્વભાવની ઓળખાણ વિના
બાહ્ય લક્ષે દયા દાનાદિ શુભવિકાર થાય કે દેહની ક્રિયા થાય તે આત્માનું સ્વરૂપ નથી, પરંતુ ત્રિકાળી
ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિના જોરે જે આત્માના પરિણામ એટલે ભાવ થાય તેને સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાનસ્વરૂપ
આત્માનું કામ કહ્યું છે. આ સિવાય લક્ષ્મી વગેરે જડના સંયોગો, દેહાદિ જડની ક્રિયા કે પુણ્ય–પાપના વિકારી
ભાવોને આત્માનું ખરું કાર્ય કહ્યું નથી છતાં તેનાથી તથા તેની વૃદ્ધિથી આત્માનું હિત માનવું તે ભાવમરણ છે.
વળી લક્ષ્મી અને અધિકાર વગેરે પ્રાપ્ત કરવાના વલણવાળા ભાવ વડે આત્મા સુખનું ટળે છે એ આકુળતા વધે
છે. તેને લેશ તો લક્ષમાં લ્યો!
લક્ષ્મી અને અધિકાર વગેરે બાહ્ય પદાર્થોમાં તો સુખ નથી, પણ પુણ્યરૂપી શુભભાવમાં પણ સુખ નથી.
સુખ શું બહારમાં કે વિકારમાં હોય? સુખ આત્માની સત્તામાં હોય કે પરની સત્તામાં? સર્વજ્ઞદેવ–સંપૂર્ણ જ્ઞાનાનંદ
ભગવાન–થયા તે આત્મામાંથી થયા કે બહારથી થયા? પરિપૂર્ણ સુખી અને પરિપૂર્ણ જ્ઞાની શ્રી વીતરાગ
અરિહંતદેવ આત્માની સ્વસત્તામાંથી થયા છે. બહારથી–દેહથી–વાણીથી તેઓ સુખી થયા નથી. માટે દેહ વગેરે
બાહ્ય પદાર્થો આત્માના સુખ માટે સાધન નથી. જેઓ દેહને કે બાહ્ય સંયોગોને સુખનું સાધન–કારણ માને છે તે
માન્યતા તેમનો ભ્રમ છે, અજ્ઞાન છે, મિથ્યા માન્યતા છે.
વળી દેહ જો સાધન હોય તો આવા દેહ તો જીવ અનંત વાર પ્રાપ્ત કરી ચૂક્યો છે. એવા દેહની અનંત
વાર રાખ થઈ ગઈ. પણ “દેહ મારો છે, તે મને ધર્મનું સાધન છે” એવી માન્યતા હોવાથી ભાવમરણ કરતાં
કરતાં અજ્ઞાની જીવને અનંતકાળથી પરિભ્રમણ થઈ રહ્યું છે. એક માત્ર આત્માની સાચી સમજણ કર્યા વિના
અજ્ઞાનને લઈને અનંતવાર ગલુડિયા વગેરેના ભવ ધારણ કર્યા. અરે! જૈનના નામે, જૈનનો દ્રવ્યલિંગી સાધુ
થઈને પણ આ શરીરાદિની ક્રિયા મને ધર્મનું સાધન છે અને વ્રત વગેરે પુણ્યભાવો કરતાં કરતાં ધર્મ એટલે
આત્માનું કલ્યાણ થઈ જશે,’ એવી અજ્ઞાન માન્યતા રાખીને જીવે અનંતવાર મિથ્યા માન્યતારૂપ આત્મમરણ
એટલે કે ભાવમરણ કર્યાં.
માટે ભગવાન સર્વજ્ઞ દેવ કહે છે કે આત્માના યથાર્થ સ્વરૂપને જેમ છે તેમ સમજ્યા વિના કેવળ અમારો
વાડો પકડે તો તે કંઈ ભાવમરણ ટાળવાનો ઉપાય નથી. પણ તું અંતર દેહથી રહિત તથા રાગાદિથી રહિત
ભવથી રહિત,–ત્રિકાળી ચૈતન્યસ્વભાવને સમજ! તે સમજણ ભવભ્રમણ અથવા ભાવમરણ ટાળવાનો ઉપાય છે.
આવા યથાર્થ ભાનપૂર્વક આત્માને દેહનું છૂટવું તેને સમાધિમરણ અથવા પંડિતમરણ કહે છે. અને ‘હું જાણનાર
જ્ઞાતાસ્વભાવ જ છું, પરની ક્રિયાનો કર્તા–હર્તા હું નથી, પુણ્ય વગેરે રાગ ભાવો મારું સ્વરૂપ નથી. રાગ તો
આકુળતા છે. તેનાથી ભિન્ન અંતર સ્વભાવની શાંતિ, ચૈતન્યમાં આનંદના શેરડા ઊઠે તે મારો સ્વભાવ છે;’
આવા ભાવ વિના, ‘શરીરનો હું સ્વામી છું, શરીર વડે મેં આટલાં કાર્ય કર્યાં, પરનાં ભલાં કર્યાં વગેરે પરના
કર્તાપણાની અજ્ઞાન માન્યતાપૂર્વક દેહ છૂટે તે બાળમરણ છે, અજ્ઞાન મરણ છે, જ્ઞાનીઓ