Atmadharma magazine - Ank 078
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 25

background image
: ચૈત્ર : ૨૦૦૬ : આત્મધર્મ : ૧૦૩ :
તેને સમાધિમરણ કહેતા નથી; ભલે પછી એકકોર ખાડામાં જઈને શ્વાસ ચડાવીને દટાઈ જાય, પણ તે સમાધિ
નથી, તેને આત્માનું અજ્ઞાન હોવાથી ભાવમરણ સમયે સમયે થયા જ કરે છે.
પ્રભુ આત્મા! બહુશ્રુત થઈને સ્વભાવના ભાન વિના તેં બાળમરણ બહુ કર્યાં. ચૈતન્ય સ્વભાવના
ભાનપૂર્વક દેહ છૂટે તેને ભગવાન સમાધિ–મરણ કહે છે. ભાન વિના દેહ છૂટે તેને સમાધિ મરણ–પંડિત–મરણ
ભગવાન કહેતા નથી તે તો બાળમરણ છે. તેના ફળમાં જીવ કાગડા–કૂતરા વગેરે તિર્યંચ આદિ ચારે ગતિમાં
રખડે છે.
આધિ, વ્યાધિ ઉપાધિ અને સમાધિનું સ્વરૂપ
આધિ, વ્યાધિ, અને ઉપાધિ રહિત તે સમાધિ. આત્મા શાંતિ અને આનંદ સ્વભાવ છે, તેની વર્તમાન
દશામાં પરને લક્ષે દયા, દાન વગેરે શુભભાવ અને હિંસા જૂઠું વગેરે અશુભભાવના વિકલ્પો–ઉત્થાનો થાય તે
આધિ છે. રોગ એટલે શરીરમાં તાવ આવવો, ગૂમડાં, ભગંદર વગેરેને વ્યાધિ કહે છે. રોગ–નીરોગ લોકોની
કલ્પના છે. ખરેખર તો શરીરના પરમાણુની તે કાળે તેવી દશા થવાને યોગ્ય હોય છે તેથી તે ઉષ્ણ અથવા
સડવારૂપ પરિણમે છે. લોકો પોતાની કલ્પના અનુસાર શરીર ઠંડું હોય, અવયવો ઠીક હોય, શરીર પુષ્ટ હોય તેને
નીરોગપણું માને છે. જ્યારે તેની કલ્પનાથી બીજા પ્રકારે શરીરનું પરિણમન હોય ત્યારે તેને તે રોગ કહે છે.
ખરેખર પરમાણુમાં રોગ–નીરોગ એવાં નામ લખ્યા નથી. રોગ સંબંધી જીવની આકુળતા, દુઃખ ને વ્યાધિ કહેવાય
છે. અને સ્ત્રી, પુત્ર, ધન, લક્ષ્મી, આબરૂ વગેરે બાહ્ય સંયોગો પ્રત્યેની જીવની મમતાને ઉપાધિ કહે છે.
આ પ્રમાણે આધિ, વ્યાધિ, અને ઉપાધિરૂપ જીવના વિકારી ભાવો છે. તેઓ અજ્ઞાન, રાગદ્વેષ અને
આકુળતાળા છે. તે ત્રણ ભાવોથી રહિત હું ચૈતન્ય જાણનાર–દેખનાર, શાંતસ્વરૂપ, આનંદનો પિંડ છું, બધા બાહ્ય
પદાર્થો તથા રાગાદિ વિકારી ભાવો મારું સ્વરૂપ નથી, એવી આત્માની સાચી સમજણ કરીને ‘આ હું આત્મા
જ્ઞાન અને નિરાકુળ સુખસ્વભાવ જ છું’ એમ રાગથી–વિકલ્પથી ભિન્ન પોતાના શુદ્ધ આત્માનો અનુભવ કરવો
તે પ્રથમ સમ્યગ્દર્શનરૂપ સમાધિ છે. આ જ ધર્મનો પ્રથમ એકડો છે. આવા આત્માના ભાન અને અનુભવ
સહિત, દેહ છૂટે તેને વીતરાગ સર્વજ્ઞદેવ સમાધિ–મરણ કહે છે. ભગવાને પંડિતમરણનું સ્વરૂપ આવું બતાવ્યું છે.
જીવને મનના સંબંધે પુણ્ય–પાપના ભાવો થાય તે આધિ; ખરેખર પુણ્ય–પાપના ભાવો આત્માનું સ્વરૂપ
નથી, પણ આત્માના સ્વભાવનો ઘાત કરનાર છે. જગતમાં જેમ પવનનું તોફાન થતાં આંધિ ચઢે છે તેમ આ
પુણ્ય, દયા, દાન, હિંસા આદિના ભાવો રાગ એટલે આકુળતાનું તોફાન હોવાથી તેઓ આંધિ છે. તેનાથી ભિન્ન
પોતાના ત્રિકાળી સ્વભાવને ઓળખીને તે રાગાદિથી પાર થવું તે આધિથી છૂટવાનો ઉપાય છે, આધિથી વિરુદ્ધ
સમાધિ છે.
સાચી સમજણ થતાં અલ્પકાળમાં પરમાત્મ – પદ પામવાની ખાતરી
જીવનમાં, ધર્મ કરીએ છીએ એમ જીવ માને, પરંતુ અંતર આત્માથી તેને ખાતરી ન થાય કે મારે હવે
ભવબંધન છૂટવાનું છે તો તેનું જીવન અને તેણે કરેલો ધર્મ શો? લોકમાં પણ કોઈ પુરુષના હાથ દોરડા વતી
બાંધ્યા હોય, તેના હાથ ફરતા પંદર આંટા દીધા હોય, પરંતુ તે પુરુષે પ્રયત્નથી સળવળ સળવળ કરીને તે
દોરડાને ઢીલું કરી પાંચ આંટા ઉખેળી નાખ્યા, પાંચ આંટા ઊખળ્‌યા ત્યાં ત્યાર પછીના બીજા પાંચ આંટા ઢીલા
પડી ગયા અને છેલ્લા પાંચ આંટા હજુ સહેજ કઠણ છે, પણ તેને અંતર ખાતરી થઈ ગઈ કે હમણાં આ બીજા
પાંચ આંટાને ઉખેળી છેલ્લા પાંચ આંટાને ઢીલા કરી આખું ય બંધન કાઢી નાખીશ. આવી ખાતરી તેને પ્રથમથી
જ આવી જાય છે. તેમ આત્મસ્વભાવની અંતઃરુચિ વડે જીવે સાચી ઓળખાણ કરી ત્યાં દેહાદિ તથા પુણ્ય–પાપના
ભાવો મારા છે એવી અજ્ઞાન માન્યતારૂપ બંધન પ્રથમ જ ફડાક દઈને તૂટી ગયું. તે સાચી માન્યતા થતા વેત જ–
બંધનો એક ભાગ છૂટતાં જ રાગ–દ્વેષ આદિ ઢીલા થઈ ગયા. હજુ અસ્થિરતા છે, રાગ છે, સાક્ષાત્ શ્રેણિ અને
કેવળજ્ઞાનનો પુરુષાર્થ નથી ઊપડતો, એટલો છેલ્લો ભાગ સહેજ કઠણ છે, પરંતુ સ્વભાવના પુરુષાર્થ વડે
અલ્પકાળમાં આત્મસ્વરૂપમાં સ્થિર થઈ રાગ–દ્વેષને ટાળી કેવળજ્ઞાન પ્રગટ કરીશ. અસ્થિરતારૂપ બંધનને તોડીને
હું થોડા કાળમાં પૂર્ણ પરમાત્મપદને પામીશ એવી ખાતરી અંતરથી પોતાના આત્માની સાક્ષીએ, જ્ઞાનીને થયા
વગર રહેતી નથી. માટે આત્મા ધર્મ કરે અને અંતરથી ભવછૂટકારાનો નાદ ન આવે એમ બને જ નહિ. પરંતુ તે
ધર્મ કેવો?