Atmadharma magazine - Ank 079
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 21

background image
: ૧૩૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૦૦૬ :
શ્રી મહાવીર પ્રભુના આત્માનું જીવન
રાજકોટ: વીર સં. ૨૪૭૬ ચૈત્ર સુદ ૧૩ ના રોજ મહાવીરપ્રભુના જન્મકલ્યાણક પ્રસંગે મહાવીર ભગવાના જીવન ઉપર
પૂ. ગુરુદેવશ્રીનું ખાસ પ્રવચન. [શ્રી સમયસારજી ગાથા ૭]
આજે ભગવાન મહાવીરના જન્મકલ્યાણકનો દિવસ છે. ભગવાનનો જન્મ તો અઢી હજાર વર્ષ પહેલાંં થયો
ત્યારે થયો હતો, પણ વર્તમાન જ્ઞાનમાં તેને યાદ કરીને ‘આજે ભગવાનનો જન્મ થયો’ એમ આરોપથી કહેવાય છે.
ભગવાન મહાવીર એટલે શું? અને તેનું જીવન શું? તે કહેવાય છે.
ભગવાન મહાવીર એક આત્મા હતા; અને તે પણ પહેલાંં બધા જીવોની જેમ સંસારી હતા. પછી આત્માનું
અંતરમાં ભાન કર્યું. પહેલાંં તે ભાન ન હતું, પણ મહાવીર થયા પહેલાના અમુક ભવમાં તે ભાન કર્યું. આત્મસ્વભાવની
અંર્તદ્રષ્ટિવડે, પહેલાંં જે પુણ્ય–પાપની સન્મુખ દ્રષ્ટિ હતી તેને ભેદીને, સ્વભાવ–સન્મુખની અભેદદ્રષ્ટિ કરતાં પ્રથમ
આત્મજ્ઞાન થયું; ત્યારથી મહાવીરના આત્માને ધર્મની ભૂમિકા શરૂ થઈ.
આ ભગવાનના આત્માનું જીવન કહેવાય છે. ભગવાને કોઈનું કર્યું નથી. ભગવાને પોતાના આત્મામાં
ધર્મજીવનની દશા કઈ રીતે પ્રથમથી શરૂ કરીને પૂરી કરી? –તે જ ભગવાન મહાવીરનું જીવનચરિત્ર છે. ભગવાન
મહાવીર અને દરેક આત્મા અનાદિઅનંત છે. મહાવીર ભગવાનના જીવે અનાદિથી સંસારમાં રખડતાં રખડતાં, મહાવીર
થયા પહેલાના ભવોમાં આત્માનું કેવું ભાન કર્યું હતું, તે વાતનો આ અધિકાર ચાલે છે.
શરીર–મન–વાણી તેમ જ કર્મો જડ છે, તેનો હું કર્તા નથી; હું અખંડાનંદ ચૈતન્યકંદ છું. –એમ પરસન્મુખદ્રષ્ટિ
તોડીને સ્વભાવસન્મુખ એકત્વબુદ્ધિ પ્રગટ કરી ત્યારે ભગવાનના આત્માને ધર્મજીવનની શરૂઆત થઈ.
ભગવાન મહાવીર સ્વર્ગમાંથી આવીને ત્રિશલામાતાની કૂંખે અવતર્યા–એમ કહેવું તે
સંયોગનું કથન છે. ખરેખર ભગવાનનો આત્મા શરીરપણે જન્મ્યો નથી. ભગવાનનો આત્મા
સમ્યગ્દ્રષ્ટિ હતો, આત્માના સ્વભાવની અંર્તદ્રષ્ટિ વડે ક્ષણે ક્ષણે તે નિર્મળ પર્યાયની ઉત્પતિ કરતો
હતો. સ્વર્ગમાં હતા ત્યારે પણ ભગવાનનો આત્મા નિર્મળપર્યાયપણે જ ઊપજતો હતો; અને
માતાના પેટમાં આવ્યા ત્યારે પણ તે સ્થાનરૂપે આત્મા ઊપજ્યો નથી પણ નિર્મળપર્યાયની
ઉત્પત્તિના સ્થાનમાં જ ઊપજ્યો છે. જ્યારથી ભગવાન આત્માની દ્રષ્ટિ થઈ ત્યારથી ક્ષણે ક્ષણે
વીતરાગી નિર્મળદશાપણે જ આત્માનો જન્મ (–ઉત્પાદ) થયા કરે છે.
વર્તમાન અવસ્થાએ સ્વભાવસન્મુખ થઈને એકત્વ કર્યું ત્યારથી આત્મા સમયે સમયે વીતરાગીદશામાં ઉત્પન્ન
થયા જ કરે છે, –જન્મ્યા જ કરે છે. આવો ધર્મીનો જન્મ છે. અજ્ઞાની જીવ ક્ષણે ક્ષણે રાગની ઉત્પત્તિ કરીને રાગપણે
જન્મે છે. શરીરપણે તો કોઈ જીવ થઈ જતો નથી. ભગવાન મહાવીર ત્રિશલા માતાના પેટમાં જન્મ્યા–એમ કહેવું તે
ઉપચારનું કથન છે. ભગવાનનો આત્મા માતાના પેટમાં આવ્યો ત્યારથી જ્ઞાની હતો, તે ક્ષણે પણ સમ્યગ્દર્શન અને
જ્ઞાનની નવીન પર્યાયપણે જ તે આત્મા ઉત્પન્ન થયા કરતો હતો. જે ક્ષણે શરીરની પર્યાપ્તિના પરમાણુઓ બંધાતા હતા
તે ક્ષણે પણ ‘શરીરની પર્યાયનો હું કર્તા, ને તે મારું કાર્ય’ –એમ ભગવાન માનતા ન હતા.
જ્યાં સમ્યક્ આત્માનું વેદન થયું કે હું વર્તમાન અંશ જેટલો નથી, રાગાદિ તે મારું સ્વરૂપ નથી, હું અખંડ
ચૈતન્યમૂર્તિ છું; ત્યાં તે આત્મામાં, સ્વભાવ કર્તા થઈને વીતરાગી પરિણામરૂપ કાર્ય શરૂ થયું. પછી તે જીવ માતાના
પેટમાં કે જન્મ વખતે પણ આત્મામાં નિર્મળ શ્રદ્ધા–જ્ઞાનરૂપ વીતરાગી પરિણામપણે જ ઊપજે છે. ખરેખર આત્મા તો
આત્મામાં જ હતો, આત્મા સવા નવ મહિના માતાના પેટમાં રહ્યો–એમ કહેવું તે સંયોગનું કથન છે, સ્વભાવનું કથન
નથી. જેટલું સંયોગનું કથન આવે તેનો આશય એમ સમજવો કે ખરેખર એમ વસ્તુનું સ્વરૂપ નથી, પણ સંયોગી બીજી
ચીજનું જ્ઞાન કરાવવા માટે તે કથન છે.
ધર્મી આત્મા કર્તા થઈને પોતાની નિર્મળપર્યાયનું કાર્ય કરે છે; જીવ શરીરની પર્યાપ્તિને બાંધે–એ વાત ખોટી છે.
શરીરનું કાર્ય થાય તેનો કર્તા સમ્યગ્દ્રષ્ટિ આત્મા છે જ નહિ, મિથ્યાદ્રષ્ટિ પણ તેનો કર્તા નથી, ફક્ત તે અજ્ઞાનભાવથી
કર્તાપણું માને છે. શરીરની જન્મક્ષણે પણ શુદ્ધ ચિદાનંદ સ્વભાવની દ્રષ્ટિના વલણમાં ભગવાનના આત્માવડે વીતરાગી
દશા જ કરવામાં આવતી હતી, અને તેનો જ તે આત્મા કર્તા હતો. પણ શરીર થયું કે જન્મ થયો તેનો કર્તા તે આત્મા ન
હતો, અને તે વખતના વિકલ્પનો પણ કર્તા તે આત્મા થતો ન હતો. જુઓ, આ ભગવાન મહાવીરના આત્માનો જન્મ
કહેવાય છે. આ રીતે ઓળખે તેણે ભગવાનને ઓળખ્યા કહેવાય.
પર્યાયબુદ્ધિ ટાળીને સ્વભાવસન્મુખ દ્રષ્ટિથી આત્મા વીતરાગી શ્રદ્ધા–જ્ઞાનપરિણામનો કર્તા થયો, તે કર્તવ્ય કોઈ
ક્ષણે–કોઈ પળે ખસતું નથી, અને જે વિકલ્પ થાય તે વિકલ્પના કર્તા થવા સન્મુખ જ્ઞાનીની દ્રષ્ટિ કદી હોતી નથી.
ભગવાનનો આત્મા જન્મ્યો ત્યારથી તેની આવી દશા હતી. –આવું મહાવીર ભગવાનનું જન્મજીવન હતું.