Atmadharma magazine - Ank 079
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 21

background image
: ૧૨૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૦૦૬ :
કે વ્યવહારનો વિકલ્પ ઊઠે તે પણ પરદ્રવ્યના પરિણામ છે, તેને ય જ્ઞાની પકડતો નથી–ગ્રહતો નથી. ધર્મી જીવ તો
સ્વભાવ–સન્મુખ વીતરાગી પરિણામરૂપે જ થાય છે, અને તેને જ ગ્રહે છે.
પરવસ્તુને કે રાગને ફેરવવાનું તો જ્ઞાની માનતા નથી, અને પોતાની નિર્મળ પર્યાય ફેરવવા ઉપર પણ લક્ષ
નથી; દ્રવ્ય–સ્વભાવની સન્મુખ થતાં પર્યાય નિર્મળપણે ફરી જાય છે. ધર્મી પરને–શરીરની ક્રિયાને ફેરવતો નથી,
વિકલ્પને ફેરવતો નથી અને જે સમયે જે પર્યાય થાય છે. તેને ફેરવવાની બુદ્ધિ નથી, એટલે કે તેને પર્યાય ઉપરની દ્રષ્ટિ
જ છૂટી ગઈ છે. ફક્ત વસ્તુસ્વભાવની સન્મુખ બુદ્ધિ થતાં રાગ ટળીને વીતરાગપણે પર્યાય પલટી જાય છે. કાંઈ પણ
ફેરફાર કરવાનો નથી. વસ્તુ–સ્વભાવને જેમ છે તેમ રાખીને પોતે સ્વભાવદ્રષ્ટિથી નિર્મળપણે પલટી જાય છે. આ
સિવાય પદાર્થોમાં કે પોતાની અવસ્થામાં કાંઈ ફેરફાર કરવા માંગે તો તે મિથ્યાદ્રષ્ટિ છે. સ્વભાવસન્મુખ દ્રષ્ટિ થતાં, શુદ્ધ
સ્વભાવની સન્મુખ જે શ્રદ્ધા–જ્ઞાનની નિર્મળ–પર્યાય થઈ તે પર્યાય પોતે પ્રાપ્યકર્મ છે, ધર્મી આત્મા તેનો કર્તા છે.
જે પર્યાયમાં પુણ્ય–પાપ કે વિકલ્પની રુચિ ટળીને સ્વભાવ તરફ વલણ થયું તે નિર્મળપર્યાય પ્રાપ્ય છે. દ્રવ્યમાં
જે સમયે તે નિર્મળદશા થવાયોગ્ય હતી તે દશાને દ્રવ્યે પ્રાપ્ત કરી, તેથી તે પ્રાપ્યકર્મ છે. સ્વભાવસન્મુખ થતાં તે
નિર્મળદશા પ્રાપ્ત થઈ. તે નિર્મળદશા વ્યાપ્ય છે ને આત્મા વ્યાપક છે. આત્મા તે નિર્મળપર્યાયમાં દ્રવ્યવડે વ્યાપ્યો છે;
પર્યાયબુદ્ધિવડે, રાગવડે કે નિમિત્તવડે આત્મા નિર્મળદશામાં વ્યાપતો નથી પણ દ્રવ્યવડે જ વ્યાપે છે. પરસન્મુખ જે દશા
હતી તે પલટીને વસ્તુસ્વભાવ–સન્મુખ જે દશા થઈ તે દશા સમ્યગ્દ્રષ્ટિનું પ્રાપ્યકર્મ છે, એટલે કે તે જ ધર્મીનું ધર્મકાર્ય છે.
એ સિવાય બહારમાં ક્યાંય ધર્મીનું ધર્મકાર્ય નથી.
જુઓ, સર્વજ્ઞનું શાસન આ છે, ને વસ્તુદર્શન આ જ છે. અહો! શુદ્ધ ચિદાનંદ જ્ઞાતા છું–એમ સ્વસન્મુખ થઈને
જે વીતરાગી શ્રદ્ધા–જ્ઞાનરૂપ પર્યાય પ્રગટી તેને ધર્મીનું પ્રાપ્ય કહેવાય છે. ધર્મી જીવ લંબાઈને–પરિણમીને–તે
નિર્મળદશાને જ પ્રાપ્ત કરે છે; એ સિવાય રાગને, નિમિત્તને કે પરને પ્રાપ્ત કરતા નથી. દ્રવ્ય પોતે લંબાઈને–પ્રસરીને–
ફેલાઈને તે વીતરાગી પર્યાયમાં વ્યાપ્યું–ફેલાયું; એટલે ધર્મી આત્મા કર્તા અને જે નિર્મળ પર્યાય થઈ તે તેનું કર્મ છે.
રાગ તે ધર્મી જીવનું વ્યાપ્ય નથી.
‘વ્યાપ્ય’ લક્ષણ છે અને વીતરાગી પરિણામરૂપી કર્મ તે લક્ષ્ય છે; તેમાં ધર્મી જીવનું દ્રવ્ય પોતે વ્યાપ્યું છે. રાગ કે
નિમિત્ત વ્યાપ્યું તે ધર્મીના ધર્મપરિણામનું લક્ષણ નથી, અર્થાત્ રાગ કે નિમિત્ત લંબાઈને તેમાંથી વીતરાગી શ્રદ્ધા–જ્ઞાન
પ્રગટ થયા–એમ નથી. આત્મા પોતે વ્યાપ્યો અને નિર્મળપરિણામ તે વ્યાપ્ય થયા. વસ્તુસન્મુખ જે નિર્મળપર્યાય થઈ, તે
પર્યાયમાં આત્મા જ વ્યાપ્યો છે. રાગાદિભાવો થાય તે ખરેખર ધર્મી આત્માનું વ્યાપ્ય નથી, પણ જડ પુદ્ગલનું વ્યાપ્ય
છે. જે જીવની દ્રષ્ટિ રાગના કર્તાપણા ઉપર પડી છે અને રાગને જ પોતાનું વ્યાપ્ય સમજે છે એવા મિથ્યાદ્રષ્ટિનું લક્ષ
પુદ્ગલ ઉપર જ છે, તેથી આચાર્યદેવ તેને અચેતન–જડ તરીકે ગણીને કહે છે કે રાગ તે પુદ્ગલનું જ વ્યાપ્ય છે.
ધર્મીને આત્મસ્વભાવની સન્મુખ દ્રષ્ટિ થઈ, ત્યાં જે નિર્મળ અવસ્થા પ્રગટ થઈ તેમાં આત્મા પરિણમ્યો છે.
સ્વભાવસન્મુખ થતાં, પહેલાંં શ્રદ્ધા–જ્ઞાનની જે દશા પરસન્મુખ હતી તે પરસન્મુખદશા પલટીને સ્વસન્મુખ નિર્મળદશા
પ્રગટ થઈ તેથી તે વિકાર્ય કર્મ છે. એવી નિર્મળ વિકાર્યપર્યાયમાં ધર્મી આત્મા વ્યાપ્યો છે. પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય–
એ ત્રણે બોલ એક જ પરિણામમાં લાગુ પડે છે. દ્રવ્યના ક્રમમાં જે પરિણામ પ્રગટવાનો સ્વકાળ હતો તે પરિણામ
પ્રગટ્યા અને આત્મા તેને પહોંચી વળ્‌યો તેથી તે પરિણામ પ્રાપ્ય છે. અને પૂર્વના પરિણામ પલટીને તે નિર્મળપરિણામ
નવાં પ્રગટ થયા–એ અપેક્ષાએ તે જ પરિણામ વિકાર્ય છે. તથા પહેલાંં તે પરિણામ ન હતા ને આત્માએ નવાં ઉત્પન્ન
કર્યા–એ અપેક્ષાએ તે જ પરિણામ નિર્વર્ત્ય છે. આ રીતે એક જ પરિણામમાં પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય–એ ત્રણે બોલ
લાગુ પડે છે, તેમાં સમયભેદ નથી. આત્માએ સ્વભાવસન્મુખ દ્રષ્ટિ કરી તે દ્રષ્ટિરૂપ નિર્મળપર્યાય પોતે પ્રાપ્ય છે તથા તે
જ વિકાર્ય છે અને તે જ નિર્વર્ત્ય છે. આ પ્રમાણે પ્રાપ્ય–વિકાર્ય અને નિર્વર્ત્ય એવું વ્યાપ્યલક્ષણવાળું જે વીતરાગી શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્રરૂપ કર્મ છે તેમાં આત્મા જ વ્યાપક છે. તે વીતરાગી નિર્મળપરિણામરૂપી કર્મમાં આદિ–મધ્ય ને અંતમાં
આત્મા જ અંતર્વ્યાપક થઈને કર્તા થાય છે. પહેલાંં સમ્યગ્દર્શન તો આત્માને આશ્રયે થયું, પણ પછી ચારિત્ર તો
પંચમહાવ્રતના શુભરાગથી થતું હશે ને? –એમ કોઈ કહે, તો કહે છે કે–ના, શુભરાગ અંતર્વ્યાપક થઈને વીતરાગી
પરિણામ થયા નથી. પણ વીતરાગી પરિણામરૂપી ધર્મકાર્યમાં પહેલેથી છેલ્લે સુધી આત્મા જ અંતર્વ્યાપક થઈને કર્તા
થાય છે. દ્રવ્ય અને નિર્મળપર્યાય એક અભેદ થઈ ગયા તેથી અહીં ‘અંતર્વ્યાપક’ એમ કહ્યું છે. ખરેખર રાગમાં
અંતર્વ્યાપક આત્મા નથી. દ્રવ્ય જ પોતાના નિર્મળ વીતરાગી પરિણામમાં વ્યાપી ગયું, તેથી ધર્મી આત્મા પોતે
અંતર્વ્યાપક થયો. આ જ કર્તાનું કાર્ય છે, આવું કાર્ય આત્મા કરે તેનું નામ જ ધર્મ છે. વ્યવહાર કે નિમિત્તથી ધર્મ થતો
નથી; દ્રવ્યના આશ્રયે નિર્મળપર્યાય પ્રગટ થતાં ધર્મ થાય છે. નિર્મળપર્યાય પોતે જ ધર્મીનું ધર્મરૂપી કર્તવ્ય છે. તેના
આદિ–મધ્ય ને અંતમાં આત્મા જ અંતર્વ્યાપક છે. શરૂઆતમાં નિમિત્તના લક્ષે વિકલ્પ ઊઠ્યો તે કાંઈ નિર્મળ–દશામાં
વ્યાપક થતો નથી.