Atmadharma magazine - Ank 079
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 21

background image
: વૈશાખ : ૨૦૦૬ : આત્મધર્મ : ૧૨૫ :
વસ્તુની પર્યાયો ક્રમબદ્ધ–સર્વજ્ઞભગવાને જોયા પ્રમાણે જ થાય, તેમાં ફેરફાર થાય નહિ. પરવસ્તુની પર્યાયો તેના
દ્રવ્યમાંથી ક્રમબદ્ધ થાય છે અને મારી પર્યાયો મારા દ્રવ્યમાંથી ક્રમબદ્ધ જેમ છે તેમ થાય છે. આ પ્રમાણે, અક્રમ એવા દ્રવ્યમાં
બુદ્ધિ થયા વિના ક્રમનો નિર્ણય થાય નહિ. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરતાં બુદ્ધિ સ્વદ્રવ્યસન્મુખ વળે છે. એટલે ક્રમબદ્ધ
પર્યાયનો નિર્ણય કહો, દ્રવ્યનો નિર્ણય કહો, સર્વજ્ઞનો નિર્ણય કહો, દ્રવ્યદ્રષ્ટિ કહો કે સમ્યગ્દર્શન કહો, તથા જ્ઞાયકભાવ કહો કે
યથાર્થ પુરુષાર્થ કહો,–એમાંથી એક આવે તો તેમાં બધું આવી જાય છે. સર્વજ્ઞને અથવા તો ક્રમબદ્ધપર્યાયને સ્વીકારે એટલે
દ્રવ્યદ્રષ્ટિ તરફ વળ્‌યે જ છૂટકો; એ સિવાય સર્વજ્ઞને કે ક્રમબદ્ધપર્યાયને યથાર્થ સ્વીકારી શકે જ નહિ.
‘સર્વજ્ઞદેવે જોયું હોય તેમ થાય’ –એમ સર્વજ્ઞનો નિર્ણય કર્યો ત્યાં પૂર્ણ જ્ઞાનનો નિર્ણય થયો. એટલે અધૂરું જ્ઞાન
તે મારું સ્વરૂપ નથી પણ પૂર્ણજ્ઞાન તે મારું સ્વરૂપ છે–એમ નક્કી કર્યું; હવે જો પોતાની પર્યાયસન્મુખ જુએ તો પર્યાયમાં
તો પૂરું જ્ઞાન નથી, એટલે દ્રવ્ય તરફ વળે છે. પૂર્ણ જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ તરફ ઢળતાં વિકલ્પ તૂટીને સમ્યક્શ્રદ્ધા થઈ, તેનું
નામ અપૂર્વ સમ્યગ્દર્શનધર્મ છે. પહેલાંં અપૂર્ણતામાં ને વિકારમાં જ પૂરું સ્વરૂપ માનતો, તે મિથ્યાશ્રદ્ધા ટળીને પૂર્ણ
જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવની સન્મુખ થઈને તેની શ્રદ્ધા કરી. એટલે હવે અવસ્થામાં અધૂરું જ્ઞાન હોવા છતાં, સર્વજ્ઞભગવાન
જેમ પૂર્ણ જ્ઞાતાદ્રષ્ટા છે તેમ તે ધર્મી જીવ પણ જ્ઞાતાદ્રષ્ટા થયો.
ઉપર પ્રમાણે વીતરાગી શ્રદ્ધા–જ્ઞાનરૂપ ધર્મપરિણામની શરૂઆત થઈ તેમાં આદિમાં આત્મા જ વ્યાપક છે. પહેલાંં
વ્યવહાર હતો અને તે વ્યાપક થઈને ધર્મદશા પ્રગટી–એમ નથી. આત્મા વ્યાપક થઈને નિર્મળ પર્યાય ખીલી, ત્યારે
વિકલ્પને વ્યવહાર તરીકે જાણ્યો. આ સિવાય, પહેલાંં વ્યવહારથી ધર્મ માને તો તેવો વ્યવહાર તો અનાદિથી કરતો
આવ્યો છે. જે અનાદિથી કરે છે તેને પહેલું કેમ કહેવાય? સમયસારમાં એકલા વ્યવહારને તો અનાદિરૂઢ કહ્યો છે. જેની
દ્રષ્ટિ એકલા વ્યવહાર ઉપર છે તે જીવ અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ છે. શરૂઆતમાં આત્મા સન્મુખ વળીને આત્મા
અંતર્વ્યાપક થયા વિના, અજ્ઞાની જીવ ધર્મની આદિમાં રાગને અને વ્યવહારને અંતર્વ્યાપક કરવા માંગે છે, તે જીવ
અનાદિરૂઢ એવા વ્યવહારમાં મૂઢ છે, તેને ધર્મની આદિ થતી નથી.
આ ચોથી ભૂમિકાની એટલે ધર્મને માટે પહેલી ભૂમિકાની વાત છે. ચોથી ભૂમિકા તે ધર્મની શરૂઆતની ભૂમિકા
છે. આ સમજ્યા વગર ધર્મની શરૂઆત થતી નથી.
પરની પર્યાય અમુક પ્રકારની હોય તો મને ઠીક પડે અથવા તો અમુક પ્રકારનો શુભભાવ હોય તો મને ઠીક
પડે–એ મિથ્યાદ્રષ્ટિની બુદ્ધિ છે. આત્માના સ્વભાવ ઉપર દ્રષ્ટિ પડતાં નિર્મળદશા પ્રગટીને તેમાં આત્મા વ્યાપ્યો, તે
ધર્મીનું ધર્મકાર્ય છે.
આદ્યમાં તો આત્માના આશ્રયે સમ્યગ્દર્શન થયું પણ પછી મધ્યમાં તો પંચમહાવ્રતના વિકલ્પ વગેરેથી મુનિદશા
ટકે ને? –એમ કોઈ શંકા કરે, તો શ્રી આચાર્યદેવ કહે છે કે એમ નથી. જે સ્વભાવના આશ્રયે ધર્મની શરૂઆત થઈ તેના
જ આશ્રયે ધર્મદશા ટકીને પૂર્ણતા થાય છે. જેને પહેલેથી વ્યવહારની રુચિ અને હોંશ પડી છે તેને તો ધર્મની શરૂઆત જ
થતી નથી, તો પછી મધ્ય અને અંતમાં શું હોય તેની તેને શું ખબર પડે?
પહેલેથી ધર્મી જીવ જે સ્વભાવના આશ્રયે ઉપડ્યો તેના જ આશ્રયે પર્યાય પરિણમ્યે જાય છે; વચ્ચે રાગ અને વિકલ્પ
આવે તેના અભાવસ્વભાવરૂપે પરિણમન થાય છે. શાસ્ત્ર પણ પર છે. સાચા શાસ્ત્રના ભણતરના લક્ષે પણ સ્વભાવસન્મુખ–
દ્રષ્ટિ થાય નહિ. અસ્તિસ્વભાવની સન્મુખ દ્રષ્ટિ થયા વિના શાસ્ત્ર–સન્મુખતાની દ્રષ્ટિ ટળે નહિ. પર તરફનું વલણ ભૂલવાનું
કહેવું તે નાસ્તિથી કથન છે, પણ ક્યે ઠેકાણે અસ્તિ રાખીને તે ભૂલશે? અનંત ગુણનો ચૈતન્યપિંડ અસ્તિસ્વભાવની સન્મુખ
દ્રષ્ટિ થતાં પરની સન્મુખતા છૂટી જાય છે. આવી દ્રષ્ટિ સિવાય ધર્મ થાય–એવું વસ્તુસ્વભાવમાં નથી. ‘અમારું બધું ઊડી જાય
છે’ –એમ અજ્ઞાનીઓ પોકાર કરે તો કરો, પણ વસ્તુ તો આમ છે, વસ્તુ પોતે જ પોતાનો પોકાર કરી રહી છે.
પોતાના આત્મા સિવાય સર્વજ્ઞને વચ્ચે નાંખે–કે સર્વજ્ઞ ભગવાનના આશ્રયે મારું હિત થશે, ભગવાનની
ભક્તિથી મારું કલ્યાણ થશે–એમ માને–તો ય આત્માની નિર્મળતા પ્રગટે તેમ નથી. આત્મા જ્ઞાતાદ્રષ્ટા સર્વજ્ઞશક્તિનો
પિંડ પોતે ભગવાન છે, તેની દ્રષ્ટિ અને એકાગ્રતા કરીને તે જ પોતે વીતરાગી ધર્મરૂપે પરિણમીને આદ્ય–મધ્ય–અંતમાં
વ્યાપે છે. ધર્મીને પોતાના સ્વભાવની દ્રષ્ટિ થઈ ત્યાં, દ્રવ્ય પોતે રાગરૂપે ન થતાં વીતરાગી પરિણામરૂપે થઈને તેમાં
વ્યાપ્યું. પર્યાયબુદ્ધિમાં જે રાગની લાયકાત હતી તે દ્રવ્યબુદ્ધિ થતાં છૂટી ગઈ, એટલે વીતરાગી શ્રદ્ધા, જ્ઞાન અને અંશે
ચારિત્રરૂપ પરિણામ પ્રગટ થયાં, તે દ્રવ્યનો સ્વકાળ છે, દ્રવ્યના સ્વકાળમાં તે અવસ્થા હતી તેને દ્રવ્યે પ્રાપ્ત કરી છે, તેથી
તે પ્રાપ્ય છે. અહીં નિર્મળપર્યાયને પ્રાપ્યકર્મ કહ્યું, કેમકે તે નિર્મળ પર્યાય તેના સ્વકાળે થઈ ત્યારે દ્રવ્ય તેને પહોંચી વળ્‌યું
છે. કોઈ રાગમાં કે પૂર્વની પર્યાયમાં તે નિર્મળપર્યાયને પ્રાપ્ત કરવાની તાકાત ન હતી. બારમા ગુણસ્થાનના છેલ્લા
સમયની પર્યાય તે તેરમા ગુણસ્થાનના પહેલા સમયની પર્યાયને પ્રાપ્ત કરે છે–એમ નથી; દ્રવ્ય પોતે જ પોતાની નિર્મળ
પર્યાયોને પ્રાપ્ત કરે છે. અને નિર્મળ અવસ્થા થઈ તે દ્રવ્યનું પ્રાપ્ય છે. અહીં નિર્મળ અવસ્થાને દ્રવ્યનું વ્યાપ્ય કહીને
આચાર્યદેવ એ બતાવે છે કે ત્રિકાળ અને વર્તમાન એક થયા, એટલે કે દ્રવ્ય અને નિર્મળપાર્યય અભેદ થતા જાય છે.
રાગ દ્રવ્યમાં અભેદ થતો ન હતો પણ નિર્મળદશા દ્રવ્યમાં અભેદ થતી જાય છે. આ જ ધર્મીનું કાર્ય છે.