: ૧૨૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૦૦૬ :
સ્વભાવની દ્રષ્ટિ થયા પછી સાધકદશામાં વચ્ચે રાગ આવે, છતાં તે સમયે પણ ધર્મી જીવ તે રાગમાં વ્યાપ્યો
નથી, પણ દ્રવ્યના આશ્રયે થયેલા વીતરાગી પરિણામમાં જ વ્યાપ્યો છે. જે રાગનો સમય છે તે સમયે જ આત્મા
નિર્મળપરિણતિને પકડીને તેમાં અભેદ થયો છે. પૂર્વની પર્યાય આદ્યમાં હતી માટે નિર્મળપર્યાય થઈ–એમ નથી, પણ
દ્રવ્ય જ આદ્યમાં છે, દ્રવ્યના આશ્રયે દરેક પર્યાય સ્વતંત્ર છે. દરેક પર્યાય સ્વતંત્ર છે–નિરપેક્ષ છે–એમ માનવામાં દ્રવ્યનો
જ આશ્રય આવે છે. (અહીં, નિર્મળપર્યાયની આદિમાં દ્રવ્ય જ છે–એમ કહ્યું તેથી, પહેલાંં દ્રવ્ય અને પછી નિર્મળપર્યાય–
એમ સમયભેદ ન સમજવો. દ્રવ્યને અને નિર્મળપર્યાયને સમયભેદ નથી, પણ નિર્મળ પર્યાય દ્રવ્યના જ આશ્રયે થાય
છે–એમ બતાવવા તેને આદ્યમાં છે–એમ કહ્યું છે.)
આત્મા સ્વભાવસન્મુખ રહીને પોતાના વીતરાગી શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર પરિણામરૂપે ઊપજ્યો, તે વીતરાગી
પરિણામને પ્રાપ્ત કર્યા તથા પૂર્વ પર્યાય પલટાવીને તે નવા પરિણામ કર્યા, –એ રીતે એક જ પરિણામને નિર્વર્ત્ય, પ્રાપ્ય
અને વિકાર્ય એવા ત્રણ પ્રકારથી સમજાવ્યા છે, કાંઈ ત્રણ પરિણામ જુદા નથી. ભગવાન આત્મા પોતે જ સ્વસન્મુખ
વીતરાગી શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર પર્યાય પ્રગટ કરીને તેમાં પોતે વ્યાપે છે. અનંતશક્તિનો પિંડ આત્મા પોતે વિકાસ પામીને
નિર્મળ પર્યાય થાય છે.
જેમ ગુલાબનું ફૂલ ખીલે છે તેની આદ્યમાં ગુલાબની કળી છે, સૂર્ય નહિ. સૂર્ય વિકસીને ગુલાબનું ફૂલ થતું નથી
પણ ગુલાબની કળી જ વિકસીને ગુલાબનું ફૂલ થાય છે. તેમ ભગવાન ચૈતન્યસ્વભાવની પહેલાંં હીણી–સંકોચાયેલી દશા
હતી, તે સ્વભાવની દ્રષ્ટિ થતાં ખીલે છે–વિકાસ પામે છે, તેનું કારણ દ્રવ્ય છે; કોઈ નિમિત્તિને કારણે અવસ્થાનો વિકાસ
થતો નથી. દ્રવ્ય પોતે જ ફેલાઈને જે નિર્મળ અવસ્થા થાય તેને ગ્રહે છે. ‘દ્રવ્ય’ અવસ્થાને ગ્રહે છે–એવો ભેદ તો
સમજાવવા માટે કથન છે. કાંઈ આત્મા અને નિર્મળપરિણામ જુદા નથી, અભેદ છે. આત્મા પોતે તે પરિણામરૂપે
પરિણમી ગયો એટલે આત્માએ તે પરિણામને ગ્રહ્યા–એમ કહેવાય છે. પહેલાંં પરિણામ થયા અને પછી આત્માએ તેને
ગ્રહણ કર્યા–એમ નથી.
રાગાદિ વિકાર થાય તે આત્મા નથી અને ખરેખર આત્મા તે રાગાદિને ગ્રહતો નથી. નવતત્ત્વમાં પુણ્ય–પાપ
તત્ત્વ ભિન્ન છે ને જીવતત્ત્વ ભિન્ન છે. જીવતત્ત્વમાં પુણ્ય–પાપ તત્ત્વનો અભાવ છે. જીવદ્રવ્યની સન્મુખ થઈને જે
સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન અને અંશે વીતરાગી પરિણામ થાય છે તેનો આત્મા કર્તા છે, એ સિવાય બીજાનો કર્તા આત્મા નથી.
આત્માએ પરનું કામ કર્યું કે શરીરની ક્રિયા કરી કે આહારનું ગ્રહણ–ત્યાગ કર્યું–એમ કહેવું તે બધા બોલવાના કથન છે,
ખરેખર વસ્તુનું સ્વરૂપ એમ નથી એટલે તે વ્યભિચારી વાણી છે. એકબીજાનો સંબંધ બતાવીને તે વાણી કથન કરે છે
માટે તે વ્યભિચારી વાણી છે.
ધર્મી આત્માવડે કયું કામ કરવામાં આવે છે? તે વાત થઈ. શરીરનાં કે પરનાં કામ તો કોઈ આત્મા કરતો જ
નથી. રાગ–દ્વેષરૂપી કર્મને ધર્મી જીવ કરતો નથી; સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રના પરિણામસ્વરૂપ જે કર્મ છે તે આત્માવડે
કરવામાં આવે છે. અહીં ‘આત્મા’ કહેતાં નિર્મળપર્યાયરૂપે પરિણમેલો આત્મા લેવો. કોઈ નિમિત્તો વડે કે રાગના
વિકલ્પવડે તે નિર્મળદશારૂપી કર્મ કરવામાં આવતું નથી, કેમકે તેઓ આત્મા નથી. સર્વજ્ઞતા પ્રગટ કરવાની તાકાત
આત્મામાં પડી છે, તેના ઉપર દ્રષ્ટિ પડતાં જ્ઞાતાદ્રષ્ટાની વીતરાગીદશા ખીલવા માંડે છે ને નિર્મળતા વધતાં વધતાં
કેવળજ્ઞાન ખીલે છે. એ રીતે ધર્મરૂપી નિર્મળકાર્ય વસ્તુની દ્રષ્ટિએ પ્રગટે છે અને તે કાર્ય આત્માવડે કરવામાં આવે છે.
ધર્મી જીવ સમયે સમયે એવા કાર્યને કરે છે.
કલ્યાણની મૂર્તિ
હે જીવો! જો તમે આત્મકલ્યાણને ચાહતા હો તો સ્વતઃશુદ્ધ અને સમસ્ત પ્રકારે પરિપૂર્ણ આત્મસ્વભાવની રુચિ
અને વિશ્વાસ કરો, તેનું જ લક્ષ અને આશ્રય કરો. એ સિવાય બીજું જે કાંઈ છે તે સર્વની રુચિ, લક્ષ અને આશ્રય
છોડો. કેમકે સુખ સ્વાધીન સ્વભાવમાં છે, પરદ્રવ્યો તમને સુખ કે દુઃખ કરવા સમર્થ નથી. તમે તમારા સ્વાધીન
સ્વભાવનો આશ્રય છોડીને પોતાના દોષથી જ પરાશ્રયવડે અનાદિથી પોતાનું અમર્યાદિત અકલ્યાણ કરી રહ્યા છો. માટે
હવે સર્વ પર દ્રવ્યોનું લક્ષ અને આશ્રય છોડીને સ્વ દ્રવ્યનું જ્ઞાન, શ્રદ્ધાન તથા સ્થિરતા કરો. સ્વ દ્રવ્યમાં બે પડખાં છે–
એક તો ત્રિકાળ શુદ્ધ સ્વત: પરિપૂર્ણ નિરપેક્ષ સ્વભાવ છે અને બીજું ક્ષણિક વર્તમાન વર્તતી વિકારી હાલત છે. પર્યાય
પોતે અસ્થિર છે તેથી તેના લક્ષે પૂર્ણતાની પ્રતીતરૂપ સમ્યગ્દર્શન નહિ પ્રગટે, પણ જે ત્રિકાળી સ્વભાવ છે તે સદા શુદ્ધ
છે, પરિપૂર્ણ છે અને વર્તમાન પણ તે પ્રકાશમાન છે, તેથી તેના આશ્રયે, લક્ષે પૂર્ણતાની પ્રતીતરૂપ સમ્યગ્દર્શન પ્રગટ
થશે. એ સમ્યગ્દર્શન પોતે કલ્યાણરૂપ છે અને તે જ સર્વ કલ્યાણનું મૂળ છે. જ્ઞાનીઓ સમ્યગ્દર્શનને ‘કલ્યાણની મૂર્તિ’
કહે છે. માટે હે જીવો, તમે સર્વપ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો અભ્યાસ કરો.