Atmadharma magazine - Ank 080
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 21

background image
જેઠ: ૨૪૭૬ : ૧૪૯:
(૨) નિમિત્તના આશ્રયને છોડીને ઉપાદાનનો આશ્રય કરવો.
(૩) વ્યવહારનો આશ્રય છોડીને નિશ્ચયનો આશ્રય કરવો.
(૪) પર્યાયનો આશ્રય છોડીને દ્રવ્યનો આશ્રય કરવો.
વચ્ચે રાગ–નિમિત્ત કે વ્યવહાર ભલે હો, પણ ધર્મીનું વલણ તો શરૂઆતથી જ સમ્યક્ એકાંત એવા
શુદ્ધપદની પ્રપ્તિ ઉપર જ છે. સાધકદશાની શરૂઆતથી માંડીને પૂર્ણ પરમાત્મપદની પ્રાપ્તિ થતાં સુધી આવું જ
વલણ હોય છે. વચ્ચે રાગાદિ વ્યવહાર અને ભંગભેદ આવે તે જાણવા માટે છે, પણ તેમાં રુચિ કરીને અટકવા
માટે તે નથી. આ પ્રમાણે નિત્ય–અનિત્ય, એક–અનેક, અભેદ–ભેદ વગેરે બધા બોલમાં સમજી લેવું. પૂર્ણ
પરમાત્મપદ પ્રગટી ગયા પછી એક તરફ ઢળવાનું રહેતું નથી, તેમ જ તેમને નય પણ હોતો નથી.
વસ્તુ અનંતગુણનો પિંડ છે. તે વસ્તુ તો છે છે ને છે, ત્રિકાળ છે. તે વસ્તુ કાંઈ નવી પ્રાપ્ત થતી નથી,
પરંતુ તેનું ભાન થઈને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રવડે પૂર્ણ પરમાત્મપદ પ્રગટે તેનું નામ નિજપદની પ્રાપ્તિ છે.
‘મૂળમાર્ગ’ માં કહે છે કે–
તે ત્રણે અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મારૂપ... તેહ મારગ જિનનો પામીયો રે, કિંવા પામ્યો તે
નિજસ્વરૂપ... મૂળ૦
જ્યારે સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન ને સમ્યગ્ચારિત્ર એ ત્રણે અભેદ પરિણામે આત્મારૂપ વર્તે ત્યારે તે જીવ
જિનનો માર્ગ પામ્યો એટલે કે નિજસ્વરૂપને પામ્યો. જિનનો માર્ગ કહો કે નિજસ્વરૂપ કહો–તે કાંઈ જુદા નથી.
લોકો બહારમાં જિનનો માર્ગ માની બેઠા છે, પણ જિનનો માર્ગ બહારમાં નથી, પોતાનું આત્મસ્વરૂપ તે જ
જિનનો માર્ગ છે.
૧–અવસ્થામાં અશુદ્ધતા હોવા છતાં શુદ્ધસ્વભાવ ઉપર દ્રષ્ટિ,
૨–પર નિમિત્તનું લક્ષ થવા છતાં સ્વદ્રવ્યનો આશ્રય,
૩–વ્યવહાર હોવા છતાં નિશ્ચયનું અવલંબન,
૪–ક્ષણિક પર્યાયના ભેદો હોવા છતાં અભેદ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ અથવા પર્યાયોની અનેકતા હોવા છતાં
સ્વભાવની એકતાનો આશ્રય,–આવો સમ્યક્ એકાંત છે, અને એની પ્રાપ્તિ કરાવવી તે જ અનેકાંતનું પ્રયોજન છે.
નિશ્ચયના અવલંબનથી ધર્મ થાય ને વ્યવહારના અવલંબનથી પણ ધર્મ થાય–એનું નામ અનેકાંત નથી, તે તો
મિથ્યા એકાંત છે. નિશ્ચયના આશ્રયે ધર્મ થાય ને વ્યવહારના આશ્રયે ધર્મ ન થાય–એવો અનેકાંત છે, અને તે
જાણીને નિશ્ચય તરફ ઢળવું તેનું નામ સમ્યક્ એકાંત છે. મોક્ષમાર્ગમાં વચ્ચે ક્યાંય વ્યવહારનું અવલંબન છે જ
નહીં. વચ્ચે વ્યવહાર હોવા છતાં તેના અવલંબને ધર્મ ટકતો નથી, મોક્ષમાર્ગ તો નિશ્ચયના અવલંબને જ ટક્યો છે.
ભાઈ, શાસ્ત્રોમાં નિશ્ચયના તેમ જ વ્યવહારના, ઉપાદાનના તેમ જ નિમિત્તના, દ્રવ્યના તેમ જ પર્યાયના,
અભેદના તેમ જ ભેદના તથા શુદ્ધના તેમ જ અશુદ્ધના કથનો ભલે હો, પણ સમ્યક્ એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ
એ જ સર્વનો સાર છે. એ બધું જાણીને જો સ્વભાવ તરફ ન વળે તો જીવને સમ્યગ્દર્શન પ્રગટે નહિ ને કલ્યાણ થાય
નહિ. જો સ્વભાવની રુચિ ન કરે અને ભેદની–વ્યવહારની–નિમિત્તની કે પર્યાયની રુચિ કરે તો મિથ્યા એકાંત થઈ
જાય છે. શાસ્ત્રના લક્ષે અનેક પડખાં જાણીને જો સ્વભાવ તરફનું વલણ ન કરે તો જીવને શું લાભ?
હું જ્ઞાતાદ્રષ્ટા ત્રિકાળ છું, પૂર્ણાનંદ પ્રગટ કરવાની તાકાત મારામાં ભરી છે, જ્ઞાનદર્શનની વીતરાગી
ક્રિયાનો જ હું કર્તા છું, જડની ક્રિયાનો હું કર્તા નથી તેમ જ પુણ્ય–પાપ પણ મારી સ્વાભાવિક ક્રિયા નથી. કોઈ
પર મને રખડાવતું નથી અને કોઈ પર મને સમજાવવાની તાકાતવાળું નથી. હું મારી ભૂલે રખડયો છું, ને મારા
પુરુષાર્થે સાચી સમજણ કરીને મુક્તિ પામું છું. અનંત સર્વજ્ઞો–સંતો પૂર્વે થઈ ગયા, પણ હું મારી પાત્રતાના
અભાવે ન સમજ્યો. મારા નિજપદની પ્રાપ્તિ સ્વસન્મુખ પુરુષાર્થથી થાય છે. વર્તમાનમાં હું મારા પૂર્ણાનંદમય
સ્વપદની પ્રાપ્તિ કરવા માંગું છું તો તેવો પૂર્ણાનંદ પ્રગટ કરનારા અનંત જીવો પૂર્વે થઈ ગયા છે, અત્યારે વિચરે છે
અને ભવિષ્યમાં પણ અનંત થશે. સર્વજ્ઞતા વગર પૂર્ણાનંદ ન હોય. સર્વજ્ઞતા પ્રગટ કરીને પૂર્ણાનંદ પામનારા
જીવો સમ્યક્ એકાંત એવા નિજપદનો જ આશ્રય લઈને પામ્યા છે–પામે છે ને પામશે; એ સિવાય રાગ–નિમિત્ત કે
વ્યવહાર–એ બધા પરપદ છે–તેના આશ્રયે કોઈ પામ્યા નથી–પામતા નથી ને પામશે નહીં.