Atmadharma magazine - Ank 080
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 21

background image
જેઠ: ૨૪૭૬ : ૧૫૧:
‘ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો’ આ સંસારનો અંત લાવીને નિજપદની પૂર્ણતાની શીઘ્ર પ્રાપ્તિ
કરવાની હતી, પૂર્ણતાની જ ભાવના હતી. આત્મામાં કેવળજ્ઞાનની અનંત પર્યાયો સાદિ–અનંતકાળ પ્રગટ્યા કરે
તેવી તાકાત ભરી છે, એવો પરિપૂર્ણ આત્મા દ્રષ્ટિમાં તો આવ્યો છે–પ્રતીતમાં આવ્યો છે, સ્વભાવની નિઃશંકતા
પ્રગટી છે. અને એ સ્વભાવના આશ્રયે અલ્પકાળે સંસારનો અંત કરીને મોક્ષદશા પ્રગટ કરવાની ભાવના હતી–
‘ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો, ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે ઘણો બોજો રહ્યો હતો તે
આત્મવીર્યે કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો.’ અહીં
પર્યાયની નબળાઈનું જ્ઞાન પણ વર્તે છે તેની વાત કરી, તેમાં પણ આત્મવીર્યની વાત લીધી છે, પણ કર્મ નડશે
એવી વાત લીધી નથી. અંતરમાં સમ્યક્ એકાંત એવા નિજપદ ઉપર દ્રષ્ટિ પડી છે, અને સ્વભાવ તરફ પુરુષાર્થનો
વેગ વળ્‌યો છે, પણ સ્વભાવમાં વળતાં વળતાં વચ્ચે વીર્ય અટકી ગયું, પૂર્ણતાના પુરુષાર્થમાં ન પહોંચી શકાયું,
એટલે એકાદ ભવ થયો. તેનું જ્ઞાન વર્તે છે; છતાં સ્વભાવની નિઃશંકતા જાહેર કરતાં કહે છે કે–
‘જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી; એ જ અદ્ભુત આશ્ચર્ય છે, અવ્યાબાધ સ્થિરતા છે.’ અવસ્થામાં
નબળાઈથી જરાક વીર્ય અટક્યું છે તેનું ભાન છે, પણ દ્રષ્ટિમાં જે સ્વરૂપ આવ્યું છે તે અન્યથા થવાનું નથી, એ
સ્વરૂપની દ્રષ્ટિ કદી ખસવાની નથી. એટલે એ દ્રષ્ટિના જોરે સ્વરૂપસ્થિરતા પ્રગટ કરીને અલ્પકાળે પૂર્ણદશા પ્રગટ
કરવાના છીએ. ‘સ્વાત્મવૃત્તાંત’ માં નિઃશંકતા પૂર્વક કહે છે કે–
અવશ્ય કર્મનો ભોગ જે ભોગવવો અવશેષ રે,
તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે... ધન્ય રે૦
હવે અનંતભવ કરવાના રહ્યા નથી, પણ એક જ ભવ બાકી છે. એક ભવમાં અમને પૂર્ણસ્વરૂપની પ્રાપ્તિ
થશે, તેમાં ત્રણકાળ ત્રણલોકમાં શંકા પડતી નથી. ‘અપૂર્વ અવસર’ ની છેલ્લી કડીમાં પણ આ સંબંધમાં લખે છે કે–
એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો.
તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો...
અંતરમાં એવા પરમાત્મસ્વભાવની શ્રદ્ધા અને જ્ઞાન પ્રગટ્યાં છે, અને તેની પૂર્ણ પ્રાપ્તિ માટેની ભાવના
વર્તે છે. ‘આવી જેની દશા હોય તે એકાવતારી થાય’ એવી ભગવાનની આજ્ઞાનું ભાન છે, અને સાથે પોતાનો
નિશ્ચય ભેળવીને કહે છે કે અલ્પકાળે જરૂર અમે તે પરમપદસ્વરૂપ થઈશું. અંર્તસ્વભાવની દ્રષ્ટિપૂર્વક આવા
સ્વકાળના અપૂર્વ પુરુષાર્થની ભાવના કરતાં કરતાં જેને દેહ છૂટયો તેને પછી વિશેષ ભવ હોય નહીં.
નિરર્થક અભિપ્રાય
જીવ જે પ્રમાણે માનતો હોય તે પ્રમાણે જો વસ્તુસ્વરૂપ ન હોય તો તેની માન્યતા નિરર્થક છે–મિથ્યા છે.
શું પરવસ્તુના પર્યાયનું પરિણમન કોઈની અપેક્ષા રાખે છે? કે પોતે પોતાના દ્રવ્યની અપેક્ષાથી જ પરિણમે છે?
કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યની અપેક્ષા રાખતું જ નથી. સર્વ દ્રવ્યો પોતે પોતાથી જ સ્વતંત્ર પરિણમે છે. આમ વસ્તુસ્વરૂપ
છે, તોપણ પરદ્રવ્યના પરિણમનમાં મારી અપેક્ષા છે એમ અજ્ઞાની માને છે. એવી તારી માન્યતા હે ભાઈ! તને
જ દુઃખનું કારણ છે. તારો જે અભિપ્રાય છે તે પ્રમાણે વસ્તુમાં બનતું તો નથી, માટે તારો અભિપ્રાય વ્યર્થ છે–
નિરર્થક છે, અને તને જ બંધનનું કારણ છે.
સમયસાર–બંધઅધિકાર ગા. ૨૬૬ ઉપરના પ્રવચનમાંથી.