Atmadharma magazine - Ank 080
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 21

background image
: ૧૫૬ : આત્મધર્મ : ૮૦
જ્ઞાનીને શું સંમત છે?
“જ્ઞાનીઓએ સંમત કરેલું સર્વ સંમત કરવું”
‘આત્મસ્વભાવમાં અભેદદ્રષ્ટિ તે જ જ્ઞાનીને સંમત છે’
આ શ્રીમદ્ રાજચંદ્રનો એક પત્ર વંચાય છે. તેમાં તેઓ લખે છે કે જ્ઞાનીઓએ સંમત કરેલું સર્વ સંમત
કરવું. જ્ઞાનીઓને શું સંમત છે? આત્મસ્વભાવમાં અભેદદ્રષ્ટિ તે જ સર્વે જ્ઞાનીઓને સંમત છે. એ સિવાય કોઈ
રાગથી ધર્મ થાય કે શરીરની ક્રિયા આત્મા કરે–એ વાત કોઈ જ્ઞાનીને સંમત નથી.
‘અનંતકાળથી પોતાને પોતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે’ શ્રીમદ્નું ૨૩ મા વર્ષે આ લખાણ છે.
આત્મા અનંતકાળથી છે, આ શરીરનો સંબંધ નવો થાય છે, પણ આત્મા નવો થતો નથી. આત્મા પોતે કોણ છે
તેની તેને અનંતકાળથી ખબર નથી. હું કોણ છું ને મારું સ્વરૂપ શું છે?–તે વિષે જ ભ્રાંતિ રહી ગઈ છે. મારું સુખ
જાણે કે બહારમાં હોય! એમ માને છે, એટલે પોતાને જ વિષે ભ્રાંતિ છે. દેવ–ગુરુ–શાસ્ત્રને વિષે ભ્રાંતિ રહી ગઈ
છે–એમ ન કહ્યું, કેમ કે સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને તો માન્યા, પણ પોતાના આત્મા વિષે ભ્રાંતિ કદી ટાળી નથી.
પરને વિષે ભ્રાંતિ રહી ગઈ છે. એમ ન કહ્યું, પણ સ્વકોણ તે વિષે ભ્રાંતિ રહી ગઈ છે. આત્માને ભૂલીને પરથી
લાભ માની રહ્યો છે, એટલે ઉપાદાનસ્વભાવમાં ભ્રાંતિ રહી ગઈ છે, પણ નિમિત્તમાં ભૂલ રહી ગઈ છે–એમ નથી.
બીજી રીતે કહીએ તો વ્યવહાર સંબંધમાં ભૂલ તો ટાળી, પણ આત્માનો સ્વભાવ શું તે જાણ્યો નહિ એટલે નિશ્ચય
સંબંધી ભૂલ કદી ટાળી નથી. દેવ–ગુરુ–શાસ્ત્રની કૃપા થઈ જાય તો મારા આત્માનું કલ્યાણ થઈ જાય–એમ માને
છે તે પોતાના સ્વરૂપમાં ભ્રાંતિ છે. પુણ્યને આત્માનું સ્વરૂપ માને તો તે પણ આત્મા વિષે ભ્રાંતિ છે. જીવે
અનંતકાળમાં બીજું બધું કર્યું છે પણ આત્માનો સ્વભાવ શું–તે વિષે ભ્રાંતિ કદી ટાળી નથી. પોતા વિષે ભ્રાંતિ
રહી ગઈ છે. પોતે એટલે કોણ? વિકારવાળો પોતાને માન્યો તે પણ ભ્રાંતિ છે. આત્મા ક્ષણિક વિકાર જેટલો
નથી, વિકારરહિત તેનો સ્વભાવ છે, તે સ્વભાવમાં ભ્રાંતિ રહી ગઈ છે. જીવે શુભભાવ અનંતવાર કર્યા છે, પણ
ભ્રાંતિરહિત થઈને શુદ્ધાત્માને કદી જાણ્યો નથી.
‘આ એક અવાચ્ય અદ્ભુત વિચારણાનું સ્થળ છે.’ વાણીથી ન કહી શકાય એવું અદ્ભુત વિચારણાનું
આ સ્થળ છે. અહીં આત્મસ્વભાવના વિચારની અપૂર્વતા બતાવે છે. એવું શું બાકી રહી ગયું કે અનંતઅનંતકાળ
ગયો છતાં ભ્રાંતિ ટળી નહિ. અનંતકાળમાં ત્યાગ, વ્રત વગેરે કર્યું, પણ આત્મસ્વભવાની વિચારણાનું સ્થળ બાકી
રહી ગયું છે. પોતાને વિષે શું ભ્રાંતિ રહી ગઈ? તે એક અદ્ભુત વિચારણાનું સ્થળ છે. બીજા બધા વિચારોમાં
ડહાપણ કર્યું છે, પણ આત્માની યથાર્થ વિચારણા કદી નથી કરી. પહેલાંં આત્મસ્વભાવની વાત કરીને પછી તેનું
નિમિત્ત પણ બતાવશે. અનંતકાળની ભ્રાંતિ કેમ ટળે. તેનો ઉપાય બતાવશે.
અનંતકાળથી પોતાને પોતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે; આ એક અવાચ્ય–
અદ્ભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય?
નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો; સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું. સત્પુરુષોનાં
ચરિત્રોનું સ્મરણ કરવું, સત્પુરુષોનાં લક્ષણોનું ચિંતન કરવું સત્પુરુષોની મુખાકૃતિનું
હૃદયથી અવલોકન કરવું, તેની મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભુત રહસ્યો ફરી
ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું.
આ જ્ઞાનીઓનાં હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા
યોગ્ય ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે–સમયે સમયે લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે.
અને એ જ સર્વ શસ્ત્રનો, સર્વ સંતના હૃદયના, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ
છે અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા
એ છે. અધિક શું લખવું? આજે ગમે તો તેથી મોડે અથવા વહેલે, એ જ સૂજ્યે, એ જ
પ્રાપ્ત થયે છુટકો છે. સર્વ પ્રદેશે મને તો એ જ સમ્મત.