Atmadharma magazine - Ank 080
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 21

background image
જેઠ: ૨૪૭૬ : ૧૫૭:
જ્ઞાન પર તરફના વિકલ્પ દ્વારા પણ જે આત્માને પહોંચાતું નથી તે આત્માને વાણીથી તો કેમ કહી શકાય? મતિ
એટલે પર તરફના જ્ઞાનનો ઉઘાડ, અથવા પર તરફના વલણવાળું જ્ઞાન–એમ અહીં અર્થ સમજવો. સમ્યક્
મતિજ્ઞાન વડે તો આત્મા જણાય છે, પણ પર તરફ વલણવાળા જ્ઞાનના ઉઘાડ વડે આત્મા જણાતો નથી.
આમ પહેલાંં તો ઉપાદાનસ્વભાવ તરફની વાત કરી, હવે અનંતકાળથી રહી ગયેલી તે ભ્રાંતિ ટાળવા માટે
અને અંર્તસ્વભાવમાં વળવા માટે શું કરવું તે કહે છે.
‘નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો’ ‘નિરંતર’ કહ્યું છે. જેમ બદામમાંથી તેલ કાઢવું હોય તો તેને
સળંગપણે ઘસવી જોઈએ; થોડાક લીસોટા મારીને પાછો વચ્ચે થોડીવાર બીજા કામમાં રોકાય, ને વળી પાછો
લીસોટા મારે,–એમ કટકે કટકે ઘસે તો તેલ ન નીકળે. પણ વચ્ચે અંતર પડ્યા વગર ઘસે તો તેલ નીકળે. તેમ
અહીં નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવાનું કહ્યું છે. પર પ્રત્યેની રુચિ કંઈક ઘટે તો અંતરના વિચાર તરફ વળે ને?
આ વાત નાસ્તિથી કરી છે. પર પ્રત્યે વૈરાગ્ય દશા લાવીને અંતરની વિચારણામાં નિરંતર રોકાવું જોઈએ. અહીં
નિરંતર પર પ્રત્યે ઉદાસીનતા સેવવાનું કહ્યું; તો શું ખાવું–પીવું કંઈ ન કરવું? તેમ કોઈ પૂછે તો કહે છે, કે–જેમ
વેપારનો લોલુપી સૂતો હોય કે ખાતો હોય, પણ સાથે તેને વેપારની લોલુપતાનો ભાવ તો પડ્યો જ છે. તેમ
ધર્મની રુચિવાળાને ઊંઘમાં પણ પર પ્રત્યેની ઉદાસીનતા ખસે નહીં; ધર્મની રુચિવાળો ઉદાસીનતાના ક્રમમાં
આંતરો પડવા દેતો નથી. ખાવું–પીવું કે વેપાર વગેરેનો રાગ વર્તતો હોવા છતાં અંતરની રુચિમાં તે પ્રત્યેની
ઉદાસીનતા એક ક્ષણ પણ ખસતી નથી.
વળી ભ્રાંતિ ટાળવાનું નિમિત્ત ઓળખાવે છે, કે ‘સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું. ’ પહેલાંં સત્પુરુષ
કોણ તે ઓળખવા જોઈએ, ઓળખવાની જવાબદારી પોતાની છે. સત્પુરુષ કોને કહેવાય તે જાણવાનો પોતાનો
ભાવ છે. બે પૈસાની તાવડી લેવા જાય ત્યાં પણ ટકોરા મારીને પરીક્ષા કરે છે. તો અનંતકાળની ભ્રાંતિ ટાળીને
આત્માનું કલ્યાણ પ્રગટ કરવા માટે સત્પુરુષની પરીક્ષા કરીને ઓળખવા જોઈએ. સત્ એટલે આત્મસ્વભાવ,
તેની જેને ઓળખાણ થઈ છે તે સત્પુરુષ છે. સંસાર પ્રત્યે નિરંતર ઉદાસ થવું અને સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન
થવું–એમ બે વાત કરી.
વળી વિશેષ કહે છે: ‘સત્પુરુષોનાં ચરિત્રોનું સ્મરણ કરવું.’ પહેલાંં જેનું જ્ઞાન કર્યું હોય તેનું સ્મરણ કરી
શકે. સત્પુરુષનું ચરિત્ર કોને કહેવાય તેના જ્ઞાન વિના તેનું સ્મરણ કઈ રીતે કરી શકે? સત્પુરુષનું ચરિત્ર ક્યાં
રહેતું હશે? કોઈ બહારની ક્રિયામાં કે શુભાશુભ રાગમાં સત્પુરુષોનું ચરિત્ર નથી. બહારમાં ફેરફાર ન દેખાય પણ
ધર્મીને અંતરની દશામાં રુચિનું વલણ સ્વભાવ તરફ વળી ગયું છે. જેમ નાના હીરાની કિંમત લાખોની હોય, તે
ઝવેરી જ જાણે, તેમ આત્માનું ચરિત્ર અંર્તદ્રષ્ટિથી જ ઓળખાય. ધર્મી આત્માનું ચરિત્ર શું? તે શરીરની દશામાં
કે વસ્ત્રમાં નથી, આહાર–શુદ્ધિમાં કે વસ્ત્રના ત્યાગમાં પણ ચરિત્ર નથી;–એ તો બધું અજ્ઞાનીને પણ હોય છે.
સત્પુરુષને અંતરમાં શું ફેર પડ્યો છે તે જાણ્યા વિના તેમના ચરિત્રનું જ્ઞાન થાય નહીં. સત્પુરુષનું અંતરનું ચરિત્ર
શું? ‘અમુક ગામમાં રહેતા હતા ને ઝવેરાતનો વેપાર કરતા હતા, જિજ્ઞાસુઓને પત્ર લખતા હતા કે ઉપદેશ દેતા
હતા’ –એમાં શું સત્પુરુષનું ચરિત્ર છે? એ તો બધી બાહ્ય વસ્તુ છે, તેમાં સત્પુરુષનું ચરિત્ર નથી પણ અંતરના
સ્વભાવને જાણીને ત્યાં ઠર્યા છે અને રાગાદિ ભાવોની રુચિ ટળી ગઈ છે, તે જ સત્પુરુષોનું ચરિત્ર છે; તેને
ઓળખે તો તેનું ખરું સ્મરણ થાય.
વળી કહે છે કે ‘સત્પુરુષોનાં લક્ષણોનું ચિંતન કરવું’ ‘આવી ભાષા હતી અને આવું શરીર હતું’ –એમ
શરીરના લક્ષણથી સત્પુરુષ ઓળખાય નહિ. અંતરસ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન ને રમણતા તે સત્પુરુષનું લક્ષણ છે.
બહારમાં ત્યાગ થયો કે શુભરાગ થયો તે સત્પુરુષનું ખરું લક્ષણ નથી. શરીર દેખાય છે તે દેવ–ગુરુ નથી, તે તો
જડ છે; દેવ કે ગુરુ તો આત્મા છે, અને અંતરમાં શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર સ્વરૂપ છે, તે જ તેનું લક્ષણ છે, તે લક્ષણ
વડે સત્પુરુષને ઓળખે તો પોતાનો આત્મા તેવો થાય.
લક્ષણ તેને કહેવાય કે જે વડે લક્ષ્યને ઓળખાય. સત્પુરુષમાં એવું શું લક્ષણ છે કે જે બીજામાં ન હોય ને
તેનામાં જ હોય ને તેનામાં જ હોય? સત્પુરુષની અંતરની શ્રદ્ધા–જ્ઞાન તે તેનું લક્ષણ છે; રાગાદિ થાય તે તેનું
લક્ષણ નથી.