Atmadharma magazine - Ank 080
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 21

background image
ભાઈ! તું તારું સુધાર!
હું પરને કરી શકું એવી જેણે માન્યતા કરી તેણે પરને અને પોતાને એક માન્યાં છે. હું બીજાને કેળવણી
આપી શકું છું–એમ માન્યું તેણે બે જુદા પદાર્થને એક માન્યા. આને બંધાવું અને આને મૂકાવી દઉં. એવો ભાવ
એની માનેલી માન્યતાની અર્થક્રિયા કરી શકતો નથી; માટે તે અભિપ્રાય ત્રિકાળ મિથ્યા છે. જેમાં ત્રિકાળ નિયમ
લાગુ પડે એને સિદ્ધાંત કહેવાય; માટે તે નિયમ પ્રમાણે પરમાં પરનો વ્યાપાર નહિ હોવાથી તે અધ્યવસાન પરની
અર્થક્રિયા કરવામાં અસમર્થ છે, માટે પરને બંધાવું ને મૂકાવું એવો અભિપ્રાય ત્રિકાળ જૂઠો છે.
શું અજ્ઞાનભાવે રાગ–દ્વેષ થાય તેથી જીવ બીજાનું કરી શકે? સુખી–દુઃખી બીજાને કરી શકે? જીવન–મરણ
બીજાનાં કરી શકે? શું બંધ–મુક્તિ બીજાની કરી શકે? –ન કરી શકે. તેથી એની ધારેલી માન્યતા પ્રમાણે ન થયું,
માટે એનો અભિપ્રાય મિથ્યા છે.
હું આકાશના ફૂલને ચૂટું છું, હું આકાશના ફૂલને તોડું છું તે અભિપ્રાય તદ્ન મૂર્ખાઈ ભરેલો છે. તેમ હું
બીજાને જીવાડું–મારું, બદ્ધ–મુક્ત કરું તે અભિપ્રાય પણ તદ્ન મૂર્ખાઈ ભરેલો છે. તું સવળો ભાવ તારામાં કરી
શકે ને અવળો ભાવ પણ તારામાં કરી શકે. પરનું કાંઈ પણ કરવાનું તારામાં કાંઈ પણ સમર્થપણું નથી.
આચાર્યદેવે આકાશના ફૂલનો કેવો સરસ ન્યાય આપ્યો છે! જેમ ‘આકાશના ફૂલને તોડું’ તે ભાવ મિથ્યા
છે, તેમ ‘હું પરને જિવાડું–મારું, બદ્ધ–મુક્ત કરું’ તે ભાવ પણ આકાશના ફૂલ તોડવા જેવો મિથ્યા છે. તે ભાવથી
પોતાની ધારેલી ધારણા પ્રમાણે થતું નથી માટે અનર્થને કરે છે આત્મા સિવાય શરીર, વાણી, મનનું હું કરું, અને
બીજા પર પદાર્થોનું પણ હું કરું તે અભિપ્રાય કેવળ અનર્થરૂપ છે. કેટલાક એમ માને છે કે ‘છોકરા–છોકરીને
ઠેકાણે પાડી બધી સરખાઈ કરીને પછી ધર્મ કરશું;’ તે અભિપ્રાય કિંચિત્માત્ર લાભરૂપ નથી, એકલો અનર્થરૂપ
છે. પરનું તું કાંઈ પણ કરી શકતો નથી, માટે પર તારે આધીન નથી, તું પરને આધીન નથી; તો હવે તારે ખોટી
માન્યતાથી અનર્થના કેટલા વિચાર કરવા છે? અને તારે તારું કેટલું બગાડવું છે? તું એનો ઓશિયાળો નથી, એ
તારો ઓશિયાળો નથી; તારો ભાવ તારામાં સ્વતંત્ર છે, એનો ભાવ એનામાં સ્વતંત્ર છે. પરનું કાંઈ તારી ધારેલી
માન્યતા પ્રમાણે થતું નથી; તો હવે વિષયાદિમાં સુખબુદ્ધિ રાખીને તારે તારું કેટલુ બગાડવું છે? તારે તારું
બગાડવું છે કે સુધારવું છે? માટે ભાઈ! ચિદાનંદ આત્માની પ્રતીત કરી, તેનું જ્ઞાન કરી, તેમાં ઠર! તે તારા
હાથની વાત છે, તે જ મુક્તિનો માર્ગ છે.
સમયસાર–બંધઅધિકાર ગા. ૨૬૬ ઉપર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી
કોણ કર્તા અને શું તેનું કાર્ય?
(૧) ધર્મી જીવ કર્તા અને નિર્મળ અવસ્થા તે તેનું કાર્ય.
(૨) અધર્મી જીવ કર્તા અને વિકારી અવસ્થા તેનું કાર્ય.
(૩) જડ–પુદ્ગલ કર્તા અને જડની અવસ્થા તેનું કાર્ય.
(૧) ધર્મી જીવ વિકારીભાવોનો કે શરીરાદિ જડની ક્રિયાનો કર્તા થતો નથી.
(૨) અધર્મી જીવ વિકારનો કર્તા થાય છે અને જડ શરીરાદિની ક્રિયા હું કરું છું–એમ માને છે, પણ
જડના કાર્યને તે કરી શકતો નથી.
(૩) શરીરાદિ જડ પદાર્થો આત્માની અવસ્થામાં વિકાર કરાવતાં નથી, તેમ જ ધર્મ પણ કરાવતાં નથી.
આ પ્રમાણે કર્તા–કર્મનું સ્વરૂપ સમજીને, શરીરાદિ જડ પદાર્થના કાર્યનો હું કર્તા–એ માન્યતા છોડવી, તેમ
જ ક્ષણિક વિકારનો હું કર્તા ને તે મારું કાર્ય–એવી બુદ્ધિ પણ છોડીને, ત્રિકાળી નિર્વિકાર ચૈતન્યસ્વભાવની
દ્રષ્ટિથી નિર્મળ અવસ્થારૂપી કાર્ય પ્રગટ કરવું–તેનું નામ ધર્મ છે, ધર્મી જીવ તેનો કર્તા છે.