Atmadharma magazine - Ank 080
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 21

background image
જેઠ: ૨૪૭૬ : ૧૪૩:
‘શ્રીમદ્ રાજચંદ્ર જન્મસ્થાનભુવન’ માં
પૂ. ગુરુદેવશ્રીનું ખાસ પ્રવચન
“અનેકાંતિક માર્ગ પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ
કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી.”
–શ્રીમદ્ના આ એક વાક્યમાં રહેલા જૈનદર્શનના ઊંડા રહસ્યને પૂ. ગુરુદેવશ્રીએ આ પ્રવચનમાં પ્રગટ
કર્યું છે. પૂ. ગુરુદેવશ્રી વવાણીયા પધાર્યા ત્યારે, ‘શ્રીમદ્ રાજચંદ્ર જન્મસ્થાનભુવન’ માં વીર સં. ૨૪૭૬ ના માહ
વદ ૩ નું આ પ્રવચન છે.
શ્રીમદ્ રાજચંદ્રનું આંતરિક જીવન હતું; તેને સમજવા માટે અંતરની પાત્રતા જોઈએ. બાહ્ય સંયોગમાં
ઊભા હોવા છતાં ધર્માત્માની અંતરસ્વભાવની દ્રષ્ટિ કંઈક જુદું કામ કરતી હોય છે. સંયોગદ્રષ્ટિથી જુએ તો તેને
સ્વભાવ ન સમજાય. બાહ્ય સંયોગ તો પૂર્વના પ્રારબ્ધ નિમિત્તે હોય પણ ધર્મીની દ્રષ્ટિ તે સંયોગ ઉપર હોતી
નથી, અંતરમાં આત્માનો સ્વ–પર પ્રકાશક સ્વભાવ શું છે, તેના ઉપર ધર્મીની દ્રષ્ટિ છે. એવી દ્રષ્ટિવાળા
ધર્માત્માનું આંતરિક જીવન આંતરિક દ્રષ્ટિથી સમજાય તેમ છે. બાહ્ય સંયોગ ઉપરથી તેનું માપ થતું નથી.
અંતરના ચૈતન્યપદનો મહિમા વાણીથી અગોચર છે, તે બતાવતાં અપૂર્વ અવસરમાં કહે છે કે–
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ તે પણ શ્રી ભગવાન જો...
તેહ સ્વરૂપને અન્ય વાણી તો શું કહે? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો...
ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા સ્વસંવેદનથી જણાય તેવો છે; પોતે સ્વસંવેદનથી જાણે તો દેવ–ગુરુ–
શાસ્ત્રને નિમિત્ત કહેવાય છે. જો પોતે અંતરમાં આત્માને જાણવાનો પ્રયત્ન ન કરે તો દેવ–ગુરુ–શાસ્ત્રની
વાણીના આશયને પણ યથાર્થપણે જાણી શકે નહિ અને તેને દેવ–ગુરુ–શાસ્ત્ર નિમિત્ત કહેવાય નહીં.
તળાવની ઉપલી સપાટી બહારથી સરખી લાગે, પણ અંદર ઉતરીને તેના ઊંડાણનું માપ કરતાં ઊંડાઈમાં
કેટલું અંતર છે તે જણાય છે. તેમ જ્ઞાની અને અજ્ઞાનીનાં વચનો ઉપરટપકે જોતાં સરખાં હોય તેવાં લાગે, પણ
અંતરનું ઊંડું રહસ્ય જોતાં તેમના આશયમાં કેવો આંતરો છે તે સમજાય.
જ્ઞાની અને અજ્ઞાનીની વેપાર–ખાવુંપીવું વગેરે બહારની ક્રિયાઓ સરખી દેખાય અને બાહ્યમાં વસ્ત્રાદિ
સંયોગનો અભાવ પણ કદાચ સરખો હોય, પરંતુ તેમની અંતરની દશામાં આકાશ–પાતાળ જેટલું અંતર છે, તેનું
માપ બહારથી થઈ શકે નહીં. જ્ઞાનીને પૂર્વ પ્રારબ્ધથી લાખોના વેપારનો સંયોગ વર્તતો હોય અને અજ્ઞાનીને
કદાચ પૂર્વ પ્રારબ્ધથી બાહ્ય સંયોગો ઓછા હોય, પણ અંતરમાં ‘શરીરાદિ જડની ક્રિયા હું કરું’ એવું પરમાં
અહંપણું અજ્ઞાનીને હોય છે, આત્માનો અનાદિ–અનંત જ્ઞાનસ્વભાવ નિજપદ સ્વરૂપ છે, તેનું તેને ભાન હોતું
નથી ને પુણ્ય–પાપમાં તથા પરમાં અહંપદ વર્તતું હોય છે, તેથી તે અજ્ઞાનીને ક્ષણે ક્ષણે અધર્મ થાય છે અને
જ્ઞાનીને બાહ્ય સંયોગ ઘણા હોવા છતાં, તેના અંતરમાં એક રજકણનું પણ સ્વામીપણું નથી, અંતરંગ
ચૈતન્યસ્વભાવના નિજપદ ઉપર તેમની દ્રષ્ટિ પડી છે એટલે તેમની પરિણતિ ક્ષણે ક્ષણે નિજપદ તરફ વળતી જાય
છે. ધર્મી–અધર્મીનાં માપ બહારથી આવે તેમ નથી.
શ્રીમદે પોતાના લખાણોમાં જ્યાં ત્યાં વારંવાર નિજસ્વરૂપની પ્રાપ્તિનો પોકાર કર્યો છે. ‘મૂળમાર્ગ’માં પણ
કહ્યું છે કે:–

તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ
...મૂળ૦
તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ
...મૂળ૦