Atmadharma magazine - Ank 081a
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 21

background image
: ૧૯૦ : આત્મધર્મ : દ્વિતીય અષાઢ: ૨૪૭૬
અપરાધથી જ રખડે છે. કર્મ રખડાવે–એમ કહેવું તે માત્ર આરોપનું કથન છે, વાસ્તવિક એમ નથી.
જીવને રાગ–દ્વેષાદિ વિકારીભાવો કર્મ કરાવે છે એમ ઘણા અજ્ઞાનીઓ માને છે, પણ તે મિથ્યા છે. રાગ
તો આત્માના ચારિત્રગુણની વિકારી અવસ્થા છે, તે અવસ્થા પોતે જ કરે છે, કોઈ પર કરાવતું નથી. આત્મામાં
અનંત ગુણો છે તેમાં એક ચારિત્રગુણ છે, તેની અવસ્થા દરેક સમયે પોતાથી થાય છે, તે દશા કાં તો નિર્મળ હોય
ને કાં તો વિકારી હોય. જ્યારે નિર્મળદશા ન હોય ત્યારે વિકારીદશા હોય છે. તે વિકાર જો કર્મને લીધે થતો હોય
તો તેને ટાળવાનું જીવના હાથમાં રહેતું નથી અને એમ થતાં જીવને સંબોધીને જે ઉપદેશ આપવામાં આવે છે તે
પણ નિરર્થક જાય છે. તેમ જ વિકાર જો કર્મે કરાવ્યો હોય તો તે વખતે જીવના ચારિત્રગુણે શું કામ કર્યું?
उत्पाद्व्ययध्रुवयुक्तं सत्–પદાર્થમાં દરેક સમયે તેનો ઉત્પાદ સ્વતંત્રપણે થાય છે. એક સમયમાં બે ઉત્પાદ ન હોય.
ચારિત્રગુણમાં વિકારના ઉત્પાદ વખતે નિર્વિકારનો ઉત્પાદ ન હોય, ને નિર્વિકાર વખતે વિકારનો ઉત્પાદ ન હોય.
ચૈતન્યમાં વિકારનો ઉત્પાદ જીવ પોતે પરનું લક્ષ કરે ત્યારે થાય છે, કોઈ બીજો તેનો કર્તા નથી. આત્મા પોતે
કર્તા, ને તેનો વિકારી કે અવિકારી ભાવ તે તેનું કર્મ છે. જડકર્મ તેનાથી ભિન્ન છે. આત્મા તે જડ કર્મને કરતો
નથી ને જડકર્મ આત્માને વિકાર કરાવતું નથી.
ચૈતન્યમાં ભૂલ પોતે કરે તો થાય છે, છતાં પરને માથે ઓઢાડવાની અનાદિની ટેવ પડી ગઈ છે. કાં તો
કોઈએ ગાળ દીધી માટે ક્રોધ થયો–એમ માને છે, પણ ભાઈ રે! તેં શા માટે ક્રોધ કર્યો? તારે શાંતિ રાખવી હતી
ને! તેમ શાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી એમ માને છે કે કર્મનો ઉદય ક્રોધ કરાવે છે. પણ એમ નથી. ભાઈ, કર્મનો
તો તારામાં અત્યંત અભાવ છે. અરે ભગવાન! તે કર્મ તારામાં શું કરે? ચાર પ્રકારના અભાવનું વર્ણન આવે છે
તેમાં મહા સિદ્ધાંત છે. આત્માની અવસ્થા અને જડ કર્મની અવસ્થાનો એકબીજામાં અત્યંત અભાવ છે. દેવ–
ગુરુ–શાસ્ત્ર આત્માને ગુણ કરાવે ને જડ કર્મનો ઉદય આત્માને દોષ કરાવે, –એ પ્રમાણે ગુણ અને દોષ બંને પર
કરાવે એમ અજ્ઞાની પરાધીનતા માને છે, એટલે પોતે તો સ્વાધીન તત્ત્વ જ ન હોય, નમાલો હોય–એમ માને છે.
પોતાના ગુણ–દોષનો કર્તા પોતે તો સ્વતંત્રપણે ન રહ્યો એટલે દોષ ટાળીને ગુણ પ્રગટ કરવામાં આત્માની
સ્વતંત્રતા ન રહી. –આવી અજ્ઞાનીની માન્યતા તે ઘોર મિથ્યાત્વ છે. આત્મા પોતે પોતાના અપરાધથી દોષ કરે
ને પોતે જ સવળા પુરુષાર્થથી તેને ટાળે, બંનેમાં આત્માની સ્વાધીનતા છે, પર ચીજ તો તેમાં નિમિત્તમાત્ર છે, તે
આત્માને કાંઈ ગુણ–દોષ કરાવતી નથી. આત્માના ગુણ–દોષમાં પર ચીજનો અભાવ છે.
બાપુ! તારી સ્વતંત્રતાનો મહિમા તેં કદી જાણ્યો નથી અને પરાધીનતા જ માની છે; તેથી જડને પણ
સ્વતંત્ર ન માનતાં પરાધીન માને છે. જડને લઈને તારી અવસ્થા થતી નથી, ને તારે લઈને જડની અવસ્થા થતી
નથી. જો પરને લઈને વિકાર થતો હોય તો તે ટાળવા માટે પર સામે જ જોયા કરવાનું રહ્યું, એટલે વિકાર વખતે
શુદ્ધસ્વભાવ સામે જોઈને તેની રુચિ કરવાનો અવકાશ રહેતો નથી. માટે એ પરાધીનપણાની મિથ્યા માન્યતા
છોડીને તું સ્વાધીન આત્માની રુચિ કર.
અહીં તો આચાર્યદેવ એમ કહે છે કે તું આત્માની પ્રીતિ કર. અત્યારસુધી આત્માને ભૂલીને વિકારની
પ્રીતિ પણ તેં જ કરી છે, તે ઊંધી પ્રીતિ કર્મે કરાવી નથી. અને હવે તે પ્રીતિ ટાળીને આત્માના શુદ્ધસ્વભાવની
પ્રીતિ પણ તું જ કરી શકે છે; માટે કહ્યું કે તું આવા જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરીને તેની જ પ્રીતિ કર.
વિકારને પણ જે સ્વતંત્ર ન માને અને પર કરાવે એમ માને તો તેને વિકાર ટાળવામાં પણ આત્માની
સ્વતંત્રતા રહેતી નથી. વિકાર પર કરાવે, ને પર ટાળે એમ માન્યું એટલે આત્માના હાથની કાંઈ વાત જ ન રહી.
આત્મા અને જડ બંને ભિન્ન છે, તે કોઈ કોઈનું કાંઈ ન કરે. કર્મ અજીવ છે તેને લઈને આત્મામાં વિકાર
થતો નથી. એક તત્ત્વને લઈને જો બીજા તત્ત્વમાં કાંઈ થાય તો તે બે તત્ત્વો જ પૃથક્ રહેતાં નથી, એટલે
અનેકાન્તનો જ લોપ થઈ જાય છે. બે તત્ત્વો પૃથક્ કહેવા અને એક બીજામાં કાંઈ કરે એમ કહેવું–એ વાત વિરુદ્ધ
છે. આત્મા પોતે સ્વભાવને ભૂલીને કે અસ્થિરતાથી રાગ–દ્વેષ કરે છે તે આત્માના ચારિત્રગુણની ઊલટી દશા છે,
તે દશા ગુણે પોતે કરી છે. જો ગુણની દશા પોતે ન કરે ને બીજો કરાવે તો તે ગુણની દશા રહેતી નથી. અને જો
અવસ્થાને સ્વતંત્ર ન માને તો