Atmadharma magazine - Ank 081a
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 21

background image
: દ્વિતીય અષાઢ: ૨૪૭૬ આત્મધર્મ : ૧૯૩:
આત્મા પોતે પોતાથી બંધાય છે ને મુકાય છે. આત્માનું બંધાવું–મુકાવું પોતાને કારણે છે. એક આત્મામાં
બીજાનું કાંઈ પણ કરી શકવાની ત્રેવડ નથી, બીજાનું કાંઈ પણ કરવાને આત્મા સમર્થ નથી. આત્મભગવાન દેહથી
જુદું તત્ત્વ છે, તે પરના કારણે બંધાય છે ને મુકાય છે–એમ જે માને છે તે આત્માને ઓશિયાળો બનાવે છે. આત્મા
પોતે સ્વતંત્ર તત્ત્વ છે, એને બંધાવું–મુકાવું તે પોતાના હાથમાં છે. પોતાના પુરુષાર્થવડે પોતાની મુક્તિ થાય ત્યારે
ભગવાનને નિમિત્ત કહેવાય છે. ભગવાનના સમવસરણમાં ઈંદ્રો આવે છે અને ઈંદ્રો પોતે જ સમવસરણ રચે છે.
ભગવાનનો દિવ્યધ્વનિ એકાક્ષરી હોય છે, હોઠ બંધ હોય છે અને દિવ્યધ્વનિ છૂટે છે; ભગવાનની સભામાં કોઈક
એવા જીવો પણ બેઠેલા હોય છે કે ત્યાંથી ધ્વનિ સાંભળીને બહાર જઈને ઊંધા પડે છે; ભગવાનની સભામાં ઈંદ્રો
અને ચક્રવર્તી વગેરે હોય છે અને આવા ઊંધા પડનાર જીવો પણ હોય છે. ભગવાન જો તારી દેતા હોય તો બધા
સમજી જવા જોઈએ; પણ બધા સમજી જતા નથી, જેની લાયકાત હોય તે સમજે છે. પરંતુ સમજે ત્યારે તેને વિનય
આવ્યા વગર રહેતો નથી, વિનયથી નિમિત્ત ઉપર આરોપ કરીને કહે છે કે હે જિનેન્દ્રદેવ! આપે મને તાર્યો, હે
નાથ! તરણતારણ આપ છો, આપે મને તાર્યો, આપે મને ઉગાર્યો, આપના દિવ્યધ્વનિ વડે હું સમજ્યો, આપના
દર્શનથી હું સંસારસાગર તર્યો. એમ, પોતે પોતાના પુરુષાર્થવડે સમજે ત્યારે સામા નિમિત્ત ઉપર ભક્તિભાવ
આવ્યા વગર રહેતો નથી, વિનયભાવ આવ્યા વગર રહેતો નથી, એવું સાધકનું સ્વરૂપ છે.
આચાર્યદેવ કહે છે કે ભગવાન કોઈને તારી દેતા નથી, પોતાના પુરુષાર્થ વગર પોતાનો મોક્ષ નથી. માટે
તારો બીજાને બાંધવા–મુકાવાનો અભિપ્રાય છે તે તદ્ન ખોટો છે. ભગવાન પણ બીજાને તારી શકતા નથી,
ભગવાન વીતરાગ છે, વીતરાગને ઈચ્છા હોતી નથી, તે તો ચૈતન્ય પરમબ્રહ્મ થઈ ગયા છે–પૂર્ણાનંદ પૂર્ણસ્વરૂપ
થઈ ગયા છે; ભગવાનને એક પણ રાગનો વિકલ્પ નથી છતાં તેમની સભામાં ઢોર, મનુષ્ય ને વિદ્યાધરો ધર્મ
પામી જાય છે, તેથી સિદ્ધ થાય છે કે કોઈ કોઈને મુક્ત કરી શકતું નથી ને કોઈ કોઈને તારી પણ શકતું નથી.
ભગવાનની સભામાં ઢોર પણ આત્મધર્મ પામી જાય છે અને અહીં કેટલાક મનુષ્ય થઈને પણ ધર્મનો અનાદર
કરે છે. બહાર જઈને કહે છે કે આવી તે વાત હોતી હશે? રોટલાની વાત નહિ, પૈસાની વાત નહિ ને ત્રણે ટાણાં
એક આત્માની જ માંડી છે! એમ કરીને ધર્મની આસ્રાતના કરે છે, અને વિરાધક થાય છે. તે પણ પોતાના
કારણથી, બીજાના કારણથી નહિ.
ભગવાન પણ કોઈનું કાંઈ કરી શકતા નથી. બધા જીવ અને જડ પરમાં કાંઈ પણ કરવાને અકિંચિત્કર છે
એટલે કે કોઈ કોઈનું કાંઈ કરી શકતું જ નથી.
કોઈ દિગંબર મુનિરાજ ધ્યાનમાં હોય, ને અડતાલીશ મિનિટમાં મોક્ષ લેવાના હોય; ત્યાં પૂર્વનો કોઈ વેરી
દેવ આવીને લવણ સમુદ્રના ખારા પાણીમાં મુનિરાજને બોળી મૂકે. પણ મુનિરાજ તો, પાણીમાં જ્યાં શરીર પડ્યું
ત્યાં તે વખતે જ સ્વરૂપમાં લીન થયા, ને લીન થયા કે તરત જ કેવળજ્ઞાન પ્રગટ થયું ને તરત જ મોક્ષ થયો.
સામો વેરી દેવ જાણે કે આને નરકમાં લઈ જાઉં. ઉપસર્ગ દેનારા દેવને એમ વિચાર આવે કે આને આવા ઊંડા
પાણીમાં ગૂંગળાવી નાંખું, મૂંઝવી નાંખું. પરંતુ મુનિરાજ તો ચિદાનંદ જ્ઞાતાનું ચોસલું જુદું પાડીને, રાગનો અંશ
હતો તેને તોડીને, વીતરાગતા કરી કેવળજ્ઞાન પામી મુક્તિને પામ્યા; અને ઉપસર્ગ દેનારા દેવે રૌદ્ર ધ્યાનના ભૂંડા
પરિણામ કર્યાં તેથી અશુભ કર્મ બાંધી દુર્ગતિમાં જાય. કોઈને એમ થાય કે દેવમાં બહુ સુખ હશે, પરંતુ દેવમાં પણ
રાગ–દ્વેષ ને ઈર્ષાના બધા ભાવો પડ્યા છે. સુખ તો આત્માના સ્વભાવમાં છે, દેવમાં સુખ છે નહિ.
દેવના પરિણામ તો મુનિરાજને કર્મથી બંધાવાના હતા કે મુનિને ઉપસર્ગ આપું ને મુનિ રાગ–દ્વેષના
પરિણામ કરી કર્મથી બંધાય. પરંતુ મુનિ તો સ્વભાવની સમતા રાખીને પુરુષાર્થ કરીને કેવળજ્ઞાન પામ્યા. માટે
સિદ્ધાંત થયો કે કોઈના પરિણામ વગર કોઈ કોઈને બંધાવી–મુકાવી શકતું નથી.
કોઈને એમ થાય કે હું બીજાની મુક્તિ કરાવી દઉં. પણ બીજાની મુક્તિ કરાવવી કાંઈ સામાના હાથની
વાત નથી. સામાનો ભાવ એના પોતાના કારણે ફરે ને સ્વભાવ તરફ ઢળે તો મુક્તિ થાય. બીજાના ભાવનું
અધિકારીપણું પોતામાં આવતું નથી. માટે બીજાની મુક્તિ કરાવવાની ત્રેવડ પોતામાં નથી. હું બીજાની મુક્તિ
કરાવી દઉં એવો અભિપ્રાય સ્વ–પરમાં એકત્વ–બુદ્ધિ થયા વિના સંભવે નહિ.
શ્રી સમયસાર–બંધ અધિકાર ગા. ૨૬૭ ઉપરના પ્રવચનોમાંથી