Atmadharma magazine - Ank 081a
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 21

background image
: દ્વિતીય અષાઢ: ૨૪૭૬ આત્મધર્મ : ૧૮૫:
સ્યાદ્વાદ છે. સર્વજ્ઞ ભગવાને કહેલું અંતરનું રહસ્ય જણાવીને આચાર્યદેવ કહે છે કે હે ભાઈ, તું આત્મામાં
પ્રીતિ કર.
‘આત્મા’ ના નામે વાત તો ઘણા કરે છે, પણ આત્મા કહેવો કોને? તેનું સ્વરૂપ શું છે? એની સમજણમાં
અનાદિના વાંધા ઊઠયા છે. આત્મા પરનું કરે ને પુણ્યથી આત્માને લાભ થાય–એમ અજ્ઞાનીઓ માને છે. પણ
પરનું કરે કે પુણ્યથી લાભ થાય–એવું આત્માનું સ્વરૂપ નથી. આત્મા પરનું કરે તેવો નથી, તેમ જ પરથી તે
લાભ–નુકસાન પામતો નથી. પરથી આત્માને લાભ કે નુકસાન થાય–દેવ–ગુરુ–શાસ્ત્રથી લાભ થાય ને કર્મોથી
નુકસાન થાય–એમ જે માને તે પરને પોતાનાં માન્યા વગર તેમ માની ન શકે. પરની ને પોતાની એકપણાની
માન્યતાથી પરથી લાભ–નુકસાન માને છે તે માન્યતા મહા મિથ્યાત્વ છે. આત્મા આત્માપણે છે ને પરપણે નથી,
પર પરપણે છે ને આત્માપણે નથી, –એટલે આત્મા પોતા સિવાય કોઈ પરપદાર્થની વર્તમાનદશા કરી ન શકે, ને
કોઈ પરપદાર્થ આત્માની દશામાં જરાપણ લાભ કે નુકસાન કરી ન શકે. –આમ જો બરાબર નક્કી કરે તો સ્વ–
પરની એકતાબુદ્ધિનો ભ્રમ ટળે. જે પરપણે આત્માનું અસ્તિત્વ જ નથી તેનું આત્મા કાંઈ કરી શકે નહિ, છતાં
આત્મા પરનું કાંઈ કરે એ વાત અજ્ઞાનીઓએ ભ્રમથી માનેલી છે.
નજીકમાં રહેલા શરીરની દશા પણ પોતાની ઈચ્છા મુજબ રાખી શકતો નથી, તો પછી પરમાં તો આત્મા
શું કરે? શરીરમાં રોગ થાય ત્યાં તે રોગને ટાળવાની ઈચ્છા આત્મા કરે છે, પણ તે ઈચ્છાવડે આત્મા રોગને
મટાડી શકતો નથી. હું રાગ કરીને પરની દશાને પલટાવી દઉં–એમ અજ્ઞાનીઓ માને ભલે, પરંતુ રાગવડે
શરીરની દશા પણ ફેરવી શકાતી નથી. જો આત્માની ઈચ્છાને આધીન શરીરની દશા થતી હોય તો નિરોગમાંથી
રોગ કેમ થવા દ્યે? યુવાનમાંથી વૃદ્ધદશા શા માટે થવા દ્યે? ઈચ્છા ન હોવા છતાં તે દશાઓ થાય છે, કેમ કે તે તો
જડની વર્તમાનદશા છે. જડ પદાર્થ ત્રિકાળ છે, તે ત્રિકાળી પદાર્થની વર્તમાન અવસ્થા, બીજા ચૈતન્યના જ્ઞાનના
કે રાગના આધારે થતી નથી.
ભાઈ રે, તું શું કરી શકે છે અને શું માની રહ્યો છે તેનો તો વિચાર કર! પોતે કોણ છે ને પોતે શું કાર્ય
કરી શકે છે? તથા વર્તમાન પોતે શું કાર્ય કરી રહ્યો છે? તેનો જીવે કદી અંતરમાં વિવેક કર્યો નથી. જ્ઞાનસ્વરૂપી
આત્મા પોતાથી બહાર કાંઈ કાર્ય કરી શકે નહિ. જે કાંઈ કરે તે પોતામાં જ કરે. અજ્ઞાનભાવે પોતાની અવસ્થામાં
વિકારી ભાવો કરે અને જ્ઞાનભાવે પોતાની અવસ્થામાં નિર્મળજ્ઞાનભાવને કરે, પણ જડમાં તો તે કાંઈ કરી શકે
નહિ. જો એક સેંકડ પણ પરથી પૃથક્પણાનું યથાર્થ ભાન કરે તો વિકાર અને પરના અભાવ સ્વભાવવાળા
આત્માનું સ્વસંવેદન થઈને અંતરમાં સિદ્ધ ભગવાન જેવા આનંદનો અંશ પ્રગટે.
જે વસ્તુ હોય તે ખરેખર પોતાના સ્વભાવથી વિકારવાળી ન હોય. આત્મા જ્ઞાનસ્વભાવી છે, તેની
અવસ્થામાં જે અલ્પજ્ઞતા અને રાગ–દ્વેષ–ક્રોધાદિ વિકાર છે તે તેનો સ્વભાવ નથી. વિકાર વિનાનો જ્ઞાનસ્વભાવ
છે, પણ તેનો આનંદ પ્રગટ આવતો નથી, તેનું કારણ એ છે કે પોતે જે સ્વરૂપે છે તે સ્વરૂપે પોતાને જાણ્યો નથી
અને ક્યાંક બીજે પોતાની હયાતી માની રહ્યો છે. વસ્તુ હોય તે પોતાની વર્તમાન હાલત વગરની હોય નહિ. પર
ચીજની વર્તમાનદશા સ્વતંત્રપણે થતી હોવા છતાં, પર ચીજનું વર્તવું મારા કારણે થાય છે–એમ અજ્ઞાની માને છે,
તેથી પરમાં એકાગ્રતાથી તે અજ્ઞાનભાવને ઉત્પન્ન કરે છે, એ જ સંસારનું મૂળ છે. પરથી જુદા પોતાના મૂળ
સ્વભાવની ખબર વગર ‘હું પરનું કરું’ એમ પરમાં પોતાપણું અને ‘પર મારું કરે’ એમ પોતામાં પરનું હોવાપણું
માનીને, એક બીજાથી લાભ–નુકસાન માની રહ્યો છે, પણ તેમ થવું કદી સંભવતું નથી; ફક્ત સ્વ–પરની
એકત્વબુદ્ધિથી જીવના ભાવમાં મિથ્યાત્વ થાય છે, તે મોટો અધર્મ છે.
આત્માનું કાર્યક્ષેત્ર કેટલું? ક્યાંય બહારમાં તો આત્માનું કાર્યક્ષેત્ર છે જ નહિ. રાગી જીવ પોતાની
અવસ્થામાં ઈચ્છા કરે, તે ઈચ્છાનું કાર્યક્ષેત્ર કેટલું? તે ઈચ્છા આત્માના સ્વભાવમાં તો મદદ કરતી નથી, તેમ જ
શરીરની ક્રિયામાં ફેરફાર કરવો તે પણ ઈચ્છાનું કાર્ય નથી. શરીરમાં રોગ ન આવવા દેવો તે ઈચ્છાનું કાર્ય નથી.
વહાલો પુત્ર મરતો હોય તેને બચાવવાની ઈચ્છા કરે, પણ પુત્રને મરતાં બચાવવો તે ઈચ્છાનું કાર્ય નથી.
ઈચ્છાનું કાર્ય ફક્ત આકુળતા છે. માટે હે ભાઈ! તારા જ્ઞાનસ્વભાવને તે ઈચ્છાથી ને શરીરથી ભિન્ન જાણીને તું
આત્મામાં રત થા.