Atmadharma magazine - Ank 081a
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 21

background image
: ૧૮૮ : આત્મધર્મ : દ્વિતીય અષાઢ: ૨૪૭૬
જોતા નથી. સંયોગદ્રષ્ટિથી જ સંસાર ઊભો છે. સ્વભાવમાં સંયોગનો અભાવ છે, એટલે કે તેમાં તે નથી. છતાં,
જેમાં જે નથી તેમાં તેનાથી કાંઈ થાય–એમ અજ્ઞાનીઓએ મિથ્યાભ્રાંતિથી માન્યું છે.
ચૈતન્યસ્વરૂપ આત્મા પોતે આનંદસ્વભાવી છે, પુણ્ય–પાપના ભાવમાંથી કે લાડવા, સ્ત્રી, લક્ષ્મી
વગેરેમાંથી તેનો આનંદ આવતો નથી, કેમ કે તેમાં ક્યાંય આત્માનો આનંદ ભર્યો નથી. જ્યાં આનંદ ભર્યો છે તે
વસ્તુને જાણે નહિ અને બહારથી આનંદ લેવાનું માને તેને કદી આનંદ પ્રગટે નહિ. ચૈતન્યનો આનંદ ચૈતન્યમાં
છે, તેને જાણ્યા વગર અને તેની પ્રીતિ કર્યા વગર બીજા ગમે તેટલા ક્રિયાકાંડ કરે તો પણ ધર્મ થાય નહિ, ને
આનંદ પ્રગટે નહિ. ચૈતન્ય આનંદમૂર્તિનું ભાન કરીને તેમાં ઠરતાં ભ્રમભાવ અને આકુળતારૂપ કચાસ ટળે ને
જ્ઞાતાસ્વભાવનો સહજ આનંદ પ્રગટે, પછી ફરીને તે જીવ સંસારમાં અવતરે નહિ.
અજ્ઞાનપણામાં જે રુચિ પરને પોતાપણે સ્વીકારતી તથા વિકારના અંશને જ આખું સ્વરૂપ સ્વીકારતી,
તેણે ગુલાંટ મારીને હવે સ્વ તરફ વળીને ત્રિકાળી પૂર્ણાનંદ દ્રવ્યનો સ્વીકાર કર્યો. જે રુચિએ ત્રિકાળી પૂર્ણાનંદ
દ્રવ્ય તરફ વળીને તેનો સ્વીકાર કર્યો, તો તે રુચિની સાથે આનંદનો અંશ વ્યક્ત ન હોય એમ બને નહિ.
સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્રનો અંશ, આનંદનો અંશ, પુરુષાર્થ–એ બધા રુચિ ભેગાં જ છે. માટે આચાર્યદેવ કહે છે
કે અરે આત્મા! એક વાર તો પરની પ્રીતિ છોડીને તું આ ભગવાન આત્મા સામે જો, અને તેની પ્રીતિમાં લીન
થા, તો તને અપૂર્વ આનંદનો અનુભવ થશે.
‘એક વાર સામું જુઓ ને મારા સાહિબા’ –અરે ચૈતન્ય સાહેબા! એક વાર તો તારા સ્વભાવ સામે
જોઈને તેની પ્રીતિ કર. અત્યાર સુધી પરનો મહિમા કર્યો, હવે એકવાર તો, ભગવાન! તારો પોતાનો
મહિમા કર.
જ્યાં સુધી વીતરાગ ન થાય ત્યાં સુધી પુણ્ય–પાપની વૃત્તિ હોય, પણ તે સ્વમાં કે પરમાં કાર્યગત થતી
નથી. રાગવડે શરીરાદિમાં કે દ્વેષવડે દુશ્મનાદિમાં ફેરફાર કરી શકાતો નથી; તેમ જ તે પુણ્ય–પાપની વૃત્તિ
આત્માના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વગેરે ગુણોમાં પણ કાંઈ મદદ કરે એમ ત્રણકાળમાં બનતું નથી. જો આમ
સમજે તો પર સામે જોવાનું ટળી જાય ને પુણ્ય–પાપની રુચિ ઊડી જાય, એટલે સ્વભાવસન્મુખ થઈને તેની
પ્રીતિ થાય. અનંતકાળથી તેં પર સામે જ જોયું છે, માટે હે ભવ્ય! હવે પોતાનો જ્ઞાતાસ્વભાવ છે તેની સામે તો
જો. જેમાં તારો આનંદસ્વભાવ ભર્યો છે તેની સામે જોતાં તે પ્રગટશે, પણ જ્યાં તારો આનંદ નથી તેની સામે
જોતાં આનંદ પ્રગટશે નહિ. જેમાં સ્વભાવ હોય તેમાંથી પ્રગટે, પણ ન હોય તેમાંથી પ્રગટે નહિ.
એક વાર શિયાળાની ટાઢ વખતે જંગલમાં માણસોએ ઘાસ ભેગું કરીને તેમાં દીવાસળી સળગાવીને
તાપણી કરી. ઝાડ ઉપરથી એક વાંદરાએ તે જોયું. અને તેણે પણ માણસોની જેમ ઘાસનો ઢગલો ભેગો કર્યો,
અને દીવાસળીને બદલે ઊડતા આગિયાને પકડીને ઘાસમાં મૂક્યો. પણ અગ્નિ થયો નહિ. કેમ કે આગિયામાં
અગ્નિનો સ્વભાવ નથી. દીવાસળીમાં સળગવાનો સ્વભાવ છે. વસ્તુના સ્વભાવને જાણ્યા વિના વાંદરાએ ફકત
બાહ્ય સંયોગનું અનુકરણ કર્યું. તેમ જ્ઞાનીઓને શુભરાગરહિત ચૈતન્યસ્વભાવનું ભાન હોય છે ને તેમને શુભરાગ
પણ હોય છે, ત્યાં અજ્ઞાનીઓ રાગરહિત સ્વભાવને જાણ્યા વગર ફકત શુભરાગનું અનુકરણ કરે છે અને તેનાથી
ધર્મ માને છે. જ્ઞાનીને તો અંતરમાં સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાનવડે ધર્મ થાય છે તેને ન ઓળખતાં, જ્ઞાનીને શુભરાગ
થાય છે માટે તે રાગવડે જ્ઞાનીને ધર્મ થતો હશે–એમ માનીને, અજ્ઞાની તે રાગથી ધર્મ માને છે. પણ વસ્તુનો
સ્વભાવ શું છે તેને તે જાણતો નથી. જ્ઞાનીને શુભ–અશુભભાવો થતા હોવા છતાં અંતરમાં ભાન છે કે આ બંને
ભાવો વિકાર છે, તેનાંથી મારું કલ્યાણ નથી, મારું સ્વરૂપ તેનાથી જુદા પ્રકારનું છે. અજ્ઞાની તો પુણ્યભાવથી
કલ્યાણ માની લે છે, પુણ્ય–પાપ વગરનો ત્રિકાળ પવિત્ર સ્વભાવ છે તેની તે રુચિ કરતો નથી, ને વિકારની રુચિ
કરે છે, તે ઊંધી રુચિ તેને અનંત સંસારના પરિભ્રમણનું કારણ છે. –કેમ? કારણ કે આત્મામાં જ્ઞાન, દર્શન વગેરે
અનંત ગુણો છે તેની રુચિ અને આદર ન કરતાં, એક ચારિત્ર ગુણના ક્ષણિક વિકારની અને સંયોગની રુચિ
તથા આદર કરીને આત્માના અનંત પવિત્ર ગુણોનો અનાદર કર્યો, તેથી તે અનંત સંસાર પરિભ્રમણનું કારણ છે.
અને જો ચૈતન્યસ્વભાવની રુચિ કરે, તેમાં લીન થાય તો અનંતકાળ સુધી અનંત સુખ પ્રગટે. ચૈતન્યની રુચિ
કર્યા વગર કદી શાંતિ ન થાય.