Atmadharma magazine - Ank 082
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 21

background image
: શ્રાવણ : ૨૦૦૬ : આત્મધર્મ–૮૨ : ૨૦૯ :



શ્રીમદ્ રાજચંદ્રજીને માત્ર સાત વર્ષની વયે પૂર્વના ભવોનું જ્ઞાન થયું હતું. તેમને જ્ઞાનનો ઉઘાડ ઘણો હતો.
સોળ વર્ષની નાની વયમાં ફક્ત ત્રણ દિવસમાં તેમણે આ મોક્ષમાળાના ૧૦૮ પાઠની રચના કરી છે. તેમાં આ
ચોથા પાઠમાં માનવદેહની દુર્લભતા બતાવે છે અને તે માનવદેહની ઉત્તમતા કઈ રીતે છે તે સમજાવે છે.
‘તમે સાંભળ્‌યું તો હશે કે વિદ્વાનો માનવદેહને બીજા સઘળા દેહ કરતાં ઉત્તમ કહે છે; પણ ઉત્તમ કહેવાનું
કારણ તમારા જાણવામાં નહિ હોય, માટે લ્યો હું કહું.’
આ મનુષ્યદેહ અનંતકાળે મળે છે; તેમાં પૈસા વગેરે મળે તે કાંઈ અપૂર્વ નથી, અને એનાથી કાંઈ
આત્માની મહત્તા નથી. આત્મા અંતરમાં જ્ઞાન–આનંદથી ભરેલો પદાર્થ છે તેની સમજણ કરવી તે અપૂર્વ છે.
અને એને લીધે જ માનવદેહની ઉત્તમતા છે.
વિદ્વાનો માનવદેહને બીજા બધા દેહ કરતાં ઉત્તમ કહે છે, પણ તે શા માટે ઉત્તમ છે? તે અહીં સમજાવે છે.
અમૂલ્ય તત્ત્વવિચારમાં પોતે કહે છે કે–
બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્‌યો
તોયે અરે! ભવચક્રનો આંટો નહિ એકે ટળ્‌યો....
આ માનવદેહ તો જડ છે; પણ માનવપણામાં જીવ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ પવિત્ર ભાવ પ્રગટ કરી
શકે છે, તેથી દેહને પણ ઉપચારથી ‘શુભ દેહ’ કહેવાય છે. અનંત કાળે આ માનવદેહ મળ્‌યો છે, તેમાં જો
આત્માની સમજણ પ્રગટ કરે તો તેને ઉત્તમ કહેવાય છે. એ સિવાય લક્ષ્મીના ઢગલા કે મોટા અધિકાર મળે
તેનાથી કાંઈ માનવદેહની ઉત્તમતા જ્ઞાનીઓએ કહી નથી. તેથી કહ્યું છે કે–
લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો?
વધવાપણું સંસારનું નર દેહને હારી જવો, એનો વિચાર નહિ અહોહો! એક પળ તમને હવો.
બહારમાં લક્ષ્મી વગેરે સંયોગ વધ્યા તેથી આત્મામાં શું વધ્યું? તે તો વિચારો. કાંઈ બાહ્ય સંયોગથી
આત્માની મોટપ નથી. માનવદેહ પામીને જો શરીરથી જુદા આત્માની ઓળખાણ ન કરે તો આ મનુષ્યદેહની
કિંમત કોડીની પણ નથી. આત્માના ભાન વગર બાહ્ય સંયોગથી મીઠાસ કરીને સંસાર વધારીને મનુષ્યભવ હારી
જાય છે.
આત્માની જે અંતરની ચીજ હોય તે કદી આત્માથી જુદી ન પડે. શરીર, પૈસા, સ્ત્રી, પુત્ર વગેરે વસ્તુઓ
આત્માની નથી, તેથી તે વસ્તુઓ પરભવમાં આત્માની સાથે જતી નથી. લાખો રૂપિયા મળે તેથી કાંઈ જીવની
મહત્તા નથી. રૂપીયા મળવા તેમાં કાંઈ વર્તમાન ડહાપણ નથી. જીવોને બહારના સંયોગ તો પૂર્વના પ્રારબ્ધ
અનુસાર થયા કરે છે; કાંઈ ભગવાન કોઈને સુખી–દુઃખી કરતા નથી, તેમ જ સંયોગનું પણ સુખ કે દુઃખ નથી,
જીવ પોતે પોતાની ભૂલથી પરાશ્રયે દુઃખી થાય છે, અને જો આત્માની ઓળખાણ કરીને સ્વાશ્રયભાવ પ્રગટ કરે
તો તેને પોતાથી પોતાનું કલ્યાણ થાય છે. હે જીવ! અનંત કાળે મહા મોંઘો આ મનુષ્યદેહ અને સત્સમાગમ
મળ્‌યો છે, હવે તું તારા આત્માની સમજણ કર, સમજણ કર. આત્માની સમજણ વગર અનંતઅનંતકાળ નિગોદ
અને કીડી વગેરેના ભવમાં કાઢ્યો, ત્યાં તો સત્ના શ્રવણનો પણ અવકાશ નથી. હવે આ દુર્લભ મનુષ્યપણું
પામીને આત્માની સમજણના રસ્તા લે ભાઈ! અંતરમાં આત્માનો મહિમા આવવો જોઈએ. પૈસા, સ્ત્રી વગેરેનો
જે મહિમા છે તે ટળીને અંતરમાં ચૈતન્યસ્વરૂપના મહિમાનો ભાસ થવો જોઈએ. જેમ પોતાની ડૂંટીમાં રહેલી
સુગંધી કસ્તૂરીનો વિશ્વાસ હરણિયાંને આવતો નથી એટલે બહારમાં તે સુગંધ માનીને રખડે છે. તેમ આ જીવમાં
પોતામાં જ પોતાની પ્રભુતા ભરી છે, ત્રણ લોકનો નાથ પરમાત્મા થવાની તાકાત તેનામાં ભરી છે, પણ પામરને
પોતાની પ્રભુતાનો વિશ્વાસ બેસતો નથી, એટલે પોતાની પ્રભુતાનો મહિમા ચૂકીને બહારના પદાર્થોને મહત્તા
આપે છે, તેથી બહારના આશ્રયે સંસારમાં રખડે છે. આત્માની સમજણ કરવાનો અવકાશ મુખ્યપણે આ
મનુષ્યદેહમાં છે. જ્યાંસુધી આત્મતત્ત્વના મહિમાને જાણ્યો નથી ત્યાંસુધી વ્રત–તપ–દાન કે જાત્રા વગેરે