Atmadharma magazine - Ank 082
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 21

background image
: શ્રાવણ : ૨૦૦૬ : આત્મધર્મ–૮૨ : ૨૦૩ :
અહોભાગ્ય હોય તેને આ સાંભળવા મળે

આચાર્યદેવ શ્રી સમયસારમાં કહે છે કે અનાદિકાળથી જે શુદ્ધ આત્માનું સ્વરૂપ નથી જાણ્યું તે શુદ્ધ
આત્માનું સ્વરૂપ હું દર્શાવું છું; હું દર્શાવું તે તમે પ્રમાણ કરજો.–આમ કહીને કહેનારના તથા સાંભળનારના ભાવનું
ઐક્ય કરે છે. હું અવિરુદ્ધ નિર્ણયથી કહીશ, તમે જો તેમ જ સમજશો તો ભૂલ નહિ થાય. અન્યથા કુતર્ક કે વાદથી
પાર આવે તેવું નથી. તમે જાતે સ્વાનુભવ–પ્રત્યક્ષથી, પરીક્ષા કરી પ્રમાણ કરજો (નિર્ણય કરજો). અંર્તતત્ત્વમાં
બહારની પરીક્ષા કાર્યકારી નથી. શ્રી આચાર્યદેવે પોતે તો શુદ્ધતત્ત્વનો અનુભવ કરીને કહ્યું છે, પણ શ્રવણ કરનાર
ઉપર આટલી જવાબદારી મૂકી છે કે તમે જાતે જ અનુભવ કરીને નિર્ણય કરજો. આત્મા, મન અને ઈન્દ્રિયોથી
અગોચર છે; તેથી પોતાના અંતર–જ્ઞાનસ્વભાવથી જે તેને જાણવાનો પ્રયત્ન કરશે તેને તે મારી જેમ
સ્વાનુભવપ્રત્યક્ષ થશે જ.
જેનાં અહોભાગ્ય હોય તેને આ તત્ત્વ સાંભળવાનું પ્રાપ્ત થાય. અને અપૂર્વ પાત્રતાથી આત્મપુરુષાર્થ કરે
તો પરમાર્થની પ્રાપ્તિ થાય. સ્વસમજણ કર્યા વગર અનંતવાર સાક્ષાત્ તીર્થંકર પાસે જઈ આવ્યો, ત્યાં તીર્થંકરના
દેહને જોયો, પણ તીર્થંકરદેવે જેવો કહ્યો તેવા પોતાના આત્માનું લક્ષ કર્યું નહિ. તીર્થંકરદેવ જેવું ઉત્કૃષ્ટ નિમિત્ત
જગતમાં બીજું કોઈ નથી; ત્યાં પણ અંતરમાં સ્વભાવની ના પાડનારા અને ઊંધાઈ સેવનારા હતા, અને
અનંતકાળ તેવા જીવો રહેવાના પણ છે. અવળાઈમાં પણ સૌ સ્વતંત્ર છે, તેથી કોણ કોને તારે?
દુનિયા તો જેમ છે તેમ રહેશે. પોતે સમજીને પોતાનું હિત કરે પછી દુનિયાની ઉપાધિ શા માટે રાખવી?
લોકો શું માને છે તેના ઉપર દ્રષ્ટિ રાખવી ન જોઈએ, પણ સર્વજ્ઞ શું કહે છે તેની અંતર પરીક્ષા કરવી જોઈએ.
પરમાર્થ ન સમજે અને માત્ર બાહ્ય પ્રવૃત્તિમાં રોકાય તો તેનાથી જન્મ–મરણ કદી પણ ટળે નહિ. કદાચ મંદકષાય
કરે તો પુણ્ય બાંધી સ્વર્ગમાં જાય, પરંતુ આત્મા પરથી ભિન્ન છે–તેની યથાર્થ શ્રદ્ધા વગર મોક્ષનો સહજ પુરુષાર્થ
નહિ થાય. જીવે નરકને લાયકના પાપભાવ કરતાં પુણ્યભાવ તો અનંતવાર કર્યાં છે (–નરક કરતાં સ્વર્ગમાં
અનંતવાર ગયો છે), પણ અહીં તો જેનાથી મોક્ષ મળે એવો ધર્મ કેમ થાય તેની વાત છે. પુણ્યથી ધીમે ધીમે ધર્મ
થશે, પરના અવલંબનથી આત્મગુણ પ્રગટશે વગેરે પ્રકારની ઊંધી માન્યતાઓ અનાદિની છે. નિમિત્તાધીન
દ્રષ્ટિથી જીવને સંસારમાં ભવભ્રમણ છે. પુણ્ય, પાપ અને રાગનો અંશ–માત્ર મારા સ્વભાવમાં નથી, હું એક
જ્ઞાયકમાત્ર છું,–એમ સમજ્યા વિના ચોરાશીના અવતારનો એકે આંટો ટળશે નહિ; ભવ ઘટે નહિ તો આ મનુષ્ય
અવતાર પામ્યાનું ફળ શું?
લૌકિક નીતિ પાળે તેનો નિષેધ ન હોય, પણ એવી વ્યવહાર પાત્રતા તો બાહ્ય આચરણમાં ગણાય છે;
અને આ તો હવે અંતરમુખદ્રષ્ટિ કરીને સત્સમાગમથી આત્માનો અપૂર્વ અનુભવ કરવાની આવશ્યકતા છે, તેની
વાત છે. તેના વિના બીજું બધું અનંતકાળમાં જીવે કર્યું છે પણ તે બધાં સાધનો બંધનરૂપ થયાં. મોક્ષનું ખરું
સાધન શું છે તેને ઓળખ્યું નહિ.
(જુઓ, સમયસાર–પ્રવચન ભાગ ૧ પૃ. ૧૫૧–૨)
ધાર્મિક દિવસો
મુમુક્ષુઓની સગવડતા ખાતર, સોનગઢમાં દરવર્ષે જે રીતે ધાર્મિક દિવસો મનાય છે તે રીતે
આ વર્ષે પણ તા. ૯–૯–૫૦ શ્રાવણ વદ ૧૨ ને શનિવારથી તા. ૧૬–૯–૫૦ ભાદરવા સુદ પ ને
શનિવાર સુધી ધાર્મિક દિવસો ગણવામાં આવશે.
શ્રી જૈન અતિથિ સેવા સમિતિની વાર્ષિક મીટિંગ ભાદરવા સુદ ૨ તા. ૧૩–૯–૫૦ બુધવારના
રોજ સાંજે પાંચ વાગે થશે.