Atmadharma magazine - Ank 082
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 21

background image
: ૨૦૪ : આત્મધર્મ–૮૨ : શ્રાવણ : ૨૦૦૬ :
સુવર્ણપુરીમાં મંગલ – પ્રવચન
[સૌરાષ્ટ્રમાં વિહાર કરીને સોનગઢ પધાર્યા બાદ, વીર સં. ૨૪૭૬ ના અષાઢ સુદ ૭ ના દિવસે
પૂ. ગુરુદેવશ્રીએ કરેલું પ્રથમ મંગલ – પ્રવચન.]

અહીં માંગળિક તરીકે આ સમયસારની ૨૦૬મી ગાથા વંચાય છે–
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે.
આ મંગળની ગાથા છે, તેમાં આત્માના ઉત્તમ સુખની વાત આવી છે. આચાર્યદેવ કહે છે કે હે ભવ્ય! તું
આમાં નિત્ય રત અર્થાત્ પ્રીતિવાળો થા, આમાં નિત્ય સંતુષ્ટ થા અને આનાથી તૃપ્ત થા; આમ કરવાથી તને
ઉત્તમ સુખ થશે.
હે ભવ્ય! આત્મા જ્ઞાનસ્વભાવ છે. જ્ઞાન તે જ ખરેખર આત્મા છે, વિકાર તે ખરેખર આત્મા નથી. છતાં
અનાદિથી વિકારને અને પરને પોતાનું સ્વરૂપ માનીને ચોરાશીના અવતારમાં રખડે છે; પોતાના જ્ઞાન અને
આનંદ સ્વભાવને અનાદિથી ચૂક્યો છે. જો તેનું ભાન કરે તો આનંદ પ્રગટ્યા વગર રહે નહિ.
શ્રી આચાર્યદેવ કહે છે કે હે ભવ્ય! એટલો જ સત્ય આત્મા છે જેટલું આ જ્ઞાન છે, એમ નિર્ણય કરીને તું
આત્મામાં સદા પ્રીતિવંત થા. આત્મા શું છે તેનો અત્યાર સુધી નિર્ણય પણ કર્યો નથી. અનાદિથી વિકારને
આત્મા માનીને તેની રુચિ કરી છે. પણ વિકાર વિનાનું ત્રિકાળી દ્રવ્ય આત્મા છે તે જ્ઞાનમાત્ર છે, તેની કદી રુચિ
કરી નથી.
પર્યાયમાં ક્ષણિક વિકાર વખતે જો આત્મા દ્રવ્ય સ્વભાવથી શુદ્ધ ન હોય તો શુદ્ધતા પ્રગટશે ક્યાંથી?
સર્વથા અશુદ્ધતા જ હોય તો અશુદ્ધતામાંથી શુદ્ધતા કદી પ્રગટી શકે નહિ, શુદ્ધતામાંથી શુદ્ધતા પ્રગટે. માટે ક્ષણિક
વિકાર વખતે પણ આત્મદ્રવ્ય સ્વભાવથી શુદ્ધ છે. તેમ જ, જો વર્તમાન પર્યાયમાં ક્ષણિક અશુદ્ધતા ન હોય તો આ
સંસાર ન હોય. માટે ક્ષણિક પર્યાયમાં વર્તમાન અશુદ્ધતા પણ છે. તેમાં ક્ષણિક અશુદ્ધતાની પ્રીતિ જીવે કરી છે
પણ શુદ્ધદ્રવ્યની પ્રીતિ કદી કરી નથી. શુદ્ધદ્રવ્યના જ આશ્રયે શુદ્ધતા અને સુખ પ્રગટે છે. જડ શરીર કે વિકારના
આશ્રયે સુખ મળે એમ કદી બનતું નથી.
હું જ્ઞાતા–દ્રષ્ટા જાણનાર છું, જેટલું જ્ઞાન છે તેટલો જ હું છું, વિકાર તે હું નથી. હું તો જ્ઞાન છું ને પર તથા
વિકાર મારું જ્ઞેય છે, તેનાથી હું ભિન્ન છું. એમ હે જીવ! જ્ઞાનમાત્ર આત્મામાં પ્રીતિ કર, તેનો આશ્રય કર.
સ્વભાવના આશ્રય વિના અનંત સંસારમાં તને ક્યાંય શાંતિ ન મળી.
સર્વજ્ઞ ભગવાને નવતત્ત્વ કહ્યા છે, તેમાં જીવતત્ત્વ કોને કહેવું? જેટલું જ્ઞાન છે તેટલો જ આત્મા છે. રાગ
તે જીવતત્ત્વ નથી, પણ જ્ઞાન તે જ જીવતત્ત્વ છે. જડ શરીરની ક્રિયા તે અજીવતત્ત્વમાં આવે છે. હિંસાદિ ભાવ તે
પાપતત્ત્વ છે, દયા, વ્રતાદિ ભાવ તે પુણ્યતત્ત્વ છે, તે પુણ્ય ને પાપ બંને આસ્રવતત્ત્વ છે, તે વિકારમાં આત્મા
અટકે તે બંધ–તત્ત્વ છે. વિકારરહિત શુદ્ધ આત્માનું જ્ઞાન અને એકાગ્રતા કરવી તે સંવર અને નિર્જરા તત્ત્વ છે,
અને પૂર્ણ શુદ્ધતા પ્રગટે તે મોક્ષતત્ત્વ છે. તેમાં પુણ્ય–પાપ વિકાર તે હું એમ અજ્ઞાની માને છે એટલે કે પુણ્ય–પાપ
આસ્રવ ને બંધતત્ત્વને જ તે જીવતત્ત્વ માને છે, તે ઊંધી રુચિ છે; તેને કહે છે કે પુણ્ય–પાપ તે જીવતત્ત્વ નથી પણ
જેટલું જ્ઞાન છે તેટલું જ જીવતત્ત્વ છે,–આમ સમજીને તું જ્ઞાનમાત્ર આત્માની રુચિ કર.
‘હે ભવ્ય! એટલો જ સત્ય (પરમાર્થ સ્વરૂપ) આત્મા છે જેટલું આ જ્ઞાન છે–એમ નિશ્ચય કરીને
જ્ઞાનમાત્રમાં જ સદાય રતિ (પ્રીતિ, રુચિ) પામ. ’ અહીં કહ્યું કે જ્ઞાન–સ્વભાવ છે તે જ આત્મા છે. કોઈ વખતે
પણ નિમિત્તનો કે રાગનો આશ્રય કરે તે આત્મા છે–એમ નથી કહ્યું. જેમ કેવળી ભગવાનનો આત્મા જ્ઞાનમય
છે, તેને રાગાદિ કે નિમિત્તનો આશ્રય નથી; તેમ કેવળજ્ઞાન સાથે મેળવીને કહે છે કે જેટલું જ્ઞાન છે તેટલો જ
સત્ય આત્મા છે. પુણ્ય–પાપના વિકલ્પ, તે કાંઈ સત્ય આત્મા નથી. દેવ–ગુરુ–શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ, તે
તરફનું જ્ઞાન કે પંચમહાવ્રતના વિકલ્પ–એવો જે વ્યવહાર રત્નત્રયનો ભાવ તે ખરેખર આત્મા