Atmadharma magazine - Ank 084
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
: ૨૪૬ : : આત્મધર્મ : ૮૪
* એકત્વસ્વભાવ અને દ્વૈતભાવ *
(૧) એકવાર પણ આત્મભાન કરે તો...
આત્મા જ્ઞાનાનંદસ્વભાવથી ભરેલો પદાર્થ છે, તે દેહાદિથી જુદો છે. તે આત્મસ્વભાવનું ભાન કરીને તેમાં
એકાગ્રતા દ્વારા રાગ–દ્વેષ ટાળીને વીતરાગતા અને કેવળજ્ઞાન પ્રગટ કરીને જે અરિહંત ભગવાન થયા, તેમની
વાણીમાં એમ ઉપદેશ આવ્યો કે, આત્માનો જ્ઞાનસ્વભાવ છે; જેવો સિદ્ધભગવાનનો સ્વભાવ છે તેવો જ દરેક
આત્માનો સ્વભાવ છે. તે સ્વભાવનું ભાન ભૂલીને અજ્ઞાન અને રાગ–દ્વેષમાં રોકાવું થાય છે તે જ સંસાર છે.
આત્માનો મૂળસ્વભાવ અનાદિઅનંત પવિત્ર શુદ્ધ હોવા છતાં જીવે તેનું ભાન કર્યું નથી તેથી પર્યાયમાં થતા
વિકારને પોતાનું સ્વરૂપ માનીને ભવભ્રમણમાં રખડે છે. જો સત્સમાગમે યથાર્થ શ્રવણ કરીને એક વાર પણ
આત્મભાન કરે તો આત્મામાં સિદ્ધભગવાન જેવો આનંદ પ્રગટે અને મુક્તિ થયા વિના રહે નહિ. તે આત્મભાન
કેમ થાય? તે વાત અહીં આચાર્યભગવાન બતાવે છે.
(૨) ભ્રાંતિ અને આત્મભાન
ભાઈ, તારો આત્મા આનંદસ્વભાવી છે, તે જ્ઞાતા–સાક્ષીસ્વરૂપ છે. પરમાં કાંઈ કરવાનો તેનો સ્વભાવ
નથી તેમ જ પરમાં રાગ દ્વેષ કરવાનો પણ તેનો સ્વભાવ નથી. તેને બદલે હું પરને ફેરવું ને પરમાંથી સુખ લઉં–
એવી જે અજ્ઞાનીની બુદ્ધિ છે તે ભ્રાંતિ છે. અવસ્થામાં તે ભ્રાંતિ હોવા છતાં આત્માનો સ્વભાવ જ્ઞાયકમૂર્તિ શાંત
આનંદકંદ છે, તેનો કદી નાશ થતો નથી. આત્મા અનાદિઅનંત છે, તેની શરૂઆત નથી ને નાશ પણ નથી. તેનો
કાયમી એકરૂપ રહેનાર સ્વભાવ શું છે? તે ઓળખવો જોઈએ. અવસ્થામાં જે રાગ–દ્વેષાદિ ભાવો છે તે તો નવા
થાય છે, આત્મા કાંઈ નવો થતો નથી; માટે તે રાગ–દ્વેષાદિ ભાવો કે શરીર–મન–વાણી તે આત્માનો સ્વભાવ
નથી, પણ રાગરહિત, શરીરરહિત કાયમ જ્ઞાનાનંદસ્વભાવ છે, તે સ્વભાવના ભાનથી ભ્રાંતિ ટળે છે ને શુદ્ધતા
પ્રગટે છે.
(૩) ઈચ્છાનું નિરર્થકપણું
શરીરમાં રોગ થાય તેને ટાળવાની જીવ ઈચ્છા કરે છે, પણ રોગને તે ટાળી શકતો નથી. ઈચ્છા શરીરમાં
પણ કામ કરતી નથી. શરીર પોતાનું નથી, તેમ જ ઈચ્છા પણ પોતાનું સ્વરૂપ નથી, માટે ઈચ્છા નિરર્થક છે,
આત્માના સ્વભાવમાં તે કાંઈ લાભ કરતી નથી તેમજ પરમાં પણ તે કાંઈ કાર્ય કરતી નથી. આત્માનો સ્વભાવ
તો જાણવા–દેખવાનો છે, ઈચ્છા થાય તે આત્માનો સ્વભાવ નથી. આમ ઈચ્છાને અને આત્મસ્વભાવને ભિન્ન
ભિન્ન જાણીને સ્વભાવના આશ્રયે રહેતાં નિર્મળ પર્યાયની ઉત્પત્તિ થાય છે. એકરૂપ આત્મસ્વભાવમાં વિકારની
ઉત્પત્તિ થાય તે દ્વૈતભાવ છે, તે વિકારના આશ્રયે વિકારની ઉત્પત્તિ થાય છે. તે વાત શ્રી આચાર્યદેવ આ
ગાથામાં કહે છે–
(૪) અદ્વૈતસ્વભાવ અને દ્વૈતભાવ
द्वैततोद्वैतमद्वैतादद्वैतं खलु जायते।
लोहाल्लोहमयं पात्रं हेम्नोहेममयं यथा।।३१।।
જેવી રીતે લોઢામાંથી લોઢામય પાત્રની ઉત્પત્તિ થાય છે તથા સુવર્ણમાંથી સુવર્ણમય પાત્રની ઉત્પત્તિ થાય
છે, તેવી રીતે આત્મામાં અદ્વૈતના આશ્રયે ખરેખર અદ્વૈતની ઉત્પત્તિ થાય છે, અને દ્વૈતના આશ્રયે દ્વૈતની ઉત્પત્તિ
થાય છે.
‘બધું થઈને એક આત્મા જ છે, આત્મા સિવાય બીજું કાંઈ જગતમાં છે જ નહિ’ –એમ અહીં અદ્વૈતનો
અર્થ ન સમજવો. જગતમાં જીવ, અજીવ આદિ ભિન્ન ભિન્ન તત્ત્વો છે. વિકાર અને ભેદરહિત આત્માનો પરથી
ભિન્ન જે એકરૂપ સ્વભાવ છે તે અદ્વૈત છે, તે સ્વભાવના આશ્રયે નિર્મળ પર્યાયની ઉત્પત્તિ થાય છે, તે નિર્મળ
પર્યાય આત્મામાં જ અભેદ થાય છે તેથી તે અદ્વૈત છે. માટે કહ્યું કે અદ્વૈતના આશ્રયે અદ્વૈતની ઉત્પત્તિ થાય છે.
પર પદાર્થો અને વિકારી ભાવો તે આત્માનું દ્વૈત છે, તેના આશ્રયે દ્વૈતની એટલે વિકારની ઉત્પત્તિ થાય છે.