Atmadharma magazine - Ank 086
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 21

background image
: માગશર: ૨૪૭૭ : ૩૩ :
મોંઘો છે. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય, તેમ આ સત્ સમજવાનું અને ચૈતન્યલક્ષ્મી
પ્રાપ્ત કરવાનું ટાણું આવ્યું છે–અપૂર્વ કલ્યાણ પ્રગટ કરવાનું ટાણું આવ્યું છે–તે ટાણે ‘પછી કરશું’–એમ ન હોય.
જો આ ટાણે દરકાર કરીને સત્ નહિ સમજ તો ફરીને આવું ટાણું ક્યારે મળશે? માટે પ્રથમ નવતત્ત્વને જાણવા
જોઈએ.
વર્ણન થઈ ગયું છે, હવે નવમું મોક્ષતત્ત્વ છે. અનંતજ્ઞાન અને આનંદમય આત્માની પૂર્ણ શુદ્ધ દશા થાય તે
મોક્ષતત્ત્વ છે. આવા મોક્ષતત્ત્વને જે ઓળખે તે સર્વજ્ઞદેવને ઓળખે, એટલે તે કુદેવાદિને માને નહીં. જે
કુદેવાદિને માને છે તેણે મોક્ષતત્ત્વને જાણ્યું નથી. મોક્ષ તે આત્માની પૂર્ણ નિર્મળ રાગરહિત દશા છે, તે
મોક્ષતત્ત્વને જાણતાં અરિહંત અને સિદ્ધ ભગવાનની પણ પ્રતીત થાય છે. હજી તો, અરિહંત ભગવાન
અજીવ વાણીને ગ્રહણ કરે ને પછી સામા જીવની યોગ્યતા અનુસાર તે વાણી છોડે–એમ જે કેવળી
ભગવાનને અજીવનું ગ્રહણ–ત્યાગ માને તેણે અરિહંતનું સ્વરૂપ જાણ્યું નથી. જેણે અરિહંતનું સ્વરૂપ નથી
જાણ્યું તેણે મોક્ષતત્ત્વને પણ જાણ્યું નથી. મોક્ષતત્ત્વને જાણ્યા વગર નવતત્ત્વ જણાય નહીં અને નવતત્ત્વને
જાણ્યા વગર ધર્મ થાય નહીં.
દરેક આત્માનો સ્વભાવ શક્તિપણે અનંત કેવળજ્ઞાન–દર્શન–સુખ અને વીર્યથી પરિપૂર્ણ છે; તેનું ભાન
કરીને તેમાં એકાગ્રતાથી જેમને અનંત જ્ઞાન–દર્શન–સુખ ને વીર્યરૂપ અનંત ચતુષ્ટય પ્રગટ્યા તે દેવ છે, ને તેમને
મોક્ષતત્ત્વ પ્રગટ્યું છે. એવી મુક્તદશા પ્રગટ્યા પછી જીવને ફરીથી કદી અવતાર હોતો નથી. અજ્ઞાની જીવો
આત્માના રાગરહિત સ્વભાવને જાણતા નથી અને મંદકષાયરૂપ શુભરાગને જ તેઓ ધર્મ માની લે છે, તે
શુભરાગના ફળમાં સ્વર્ગનો ભવ થાય, ત્યાં રહેવાની સ્થિતિ ઘણી લાંબી હોવાથી અજ્ઞાનીઓ તેને જ મોક્ષ માની
લે છે. તેમ જ, તે સ્વર્ગમાંથી પાછો બીજે અવતાર થાય છે તેથી અજ્ઞાનીઓ મોક્ષ થયા પછી પણ અવતાર થવાનું
માને છે. જીવની મુક્તિ થઈ ગયા પછી ફરીથી પણ અવતાર થવાનું માને તેઓ મોક્ષતત્ત્વને જાણતાં નથી, પણ
બંધતત્ત્વને જ મોક્ષ તરીકે માને છે. અવતારનું કારણ તો બંધન છે; તે બંધનનો એકવાર સર્વથા નાશ થઈ ગયા
પછી ફરીથી અવતાર થાય નહિ. આત્માની પૂર્ણ ચિદાનંદ દશા થઈ ગઈ તેનું નામ મોક્ષદશા છે, તે મોક્ષદશા થયા
પછી ફરીને અવતાર અર્થાત્ સંસારપરિભ્રમણ હોય નહીં. તે મુક્ત થયેલા પરમાત્મા કોઈને જગતનાં કામ કરવા
માટે મોકલતા નથી, તેમ જ જગતના જીવોને દુઃખી દેખીને કે ભક્તોનો ઉદ્ધાર કરવા માટે પોતે પણ સંસારમાં
અવતાર ધારણ કરતા નથી, કેમ કે તેમને રાગાદિ ભાવોનો અભાવ છે. જગતમાં જીવોને દુઃખી દેખીને ભગવાન
અવતાર ધારણ કરે એમ જેઓ માને છે તેઓ ભગવાન–મુક્તઆત્મા–ને રાગી અને પરના કર્તા ઠરાવે છે,
તેઓએ મુક્તઆત્મા ને ઓળખ્યા નથી. પુનર્ભવરહિત મોક્ષતત્ત્વને પામેલા શ્રી સિદ્ધ અને અરિહંત પરમાત્મા તે
દેવ છે. તેમને જે ન ઓળખે તેને તો સાચાં પુણ્ય પણ હોતાં નથી.
અક્ષર–અવિનાશી ચૈતન્યસ્વભાવની પૂર્ણાનંદ દશા તે મોક્ષતત્ત્વ છે. તે દશા પામ્યા પછી જીવને કોઈની
સેવા કરવાનું ન હોય. પૂર્ણ જ્ઞાન–આનંદદશાને પામેલા અરિહંત પરમાત્મા શરીરસહિત હોવા છતાં વીતરાગ છે;
તેમને પૂર્ણ જ્ઞાન–આનંદ હોય છે, તેમને શરીરમાં રોગ ન હોય, દવા ન હોય, ક્ષુધા ન લાગે, ખોરાક ન હોય, તેમ
જ તેઓ કોઈને વંદન કરે નહિ. વળી તેમનું શરીર સ્ફટિક જેવું સ્વચ્છ–પરમ ઔદારિક થઈ જાય ને આકાશમાં
૫૦૦૦ ધનુષ ઊંચે વિચરે. આવા અરિહંત પરમાત્માને જે ન માને તેણે તો મોક્ષતત્ત્વને વ્યવહારે પણ જાણ્યું
નથી. શ્રી કેવળીભગવાનને અનંત જ્ઞાન અને અનંત આનંદ પ્રગટ્યો ત્યાં ચાર ઘાતિકર્મો તો ક્ષય પામ્યાં છે ને
ચાર અઘાતિકર્મો બાકી રહ્યાં છે પણ તે બળેલી સીંદરી સમાન છે. જેમ બળેલી સીંદરી બાંધવામાં કામ ન આવે
તેમ ચાર અઘાતિકર્મો બાકી છે તેથી કાંઈ અરિહંત ભગવાનને ક્ષુધા કે રોગાદિ થતા નથી. આવા અરિહંત
ભગવાન જીવન્મુક્ત છે. અને શરીરરહિત પરમાત્મા થઈ જાય તે સિદ્ધ છે. તેમની જેને ઓળખાણ થાય તેને
વ્યવહારે નવતત્ત્વની શ્રદ્ધા થઈ કહેવાય. નવતત્ત્વમાં મોક્ષતત્ત્વની શ્રદ્ધા કરતાં તેમાં અરિહંત અને સિદ્ધની શ્રદ્ધા
આવી જાય છે.