Atmadharma magazine - Ank 087
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 31

background image
: પોષ: ૨૪૭૭ : ૬૫:
કોઈ જીવ પુણ્યનો શુભરાગ કરીને એમ માને કે હું ધર્મ કરું છું, તો કાંઈ તેને તે રાગથી ધર્મ ન થાય, પણ તેણે
વસ્તુસ્વરૂપને વિપરીત જાણ્યું તેથી તે અજ્ઞાનના ફળમાં તેને ચોરાશીના અવતારમાં રખડવાનું થશે.
પરિણામ તે સ્વભાવ છે અને સ્વભાવવાન્ તે દ્રવ્ય છે, એમ જાણીને સ્વભાવવાન્ દ્રવ્યની રુચિ થતાં જ
સમ્યક્ત્વનો ઉત્પાદ, તે જ સમયે મિથ્યાત્વનો વ્યય અને સળંગપણે આત્માની ધુ્રવતા છે.
દરેક વસ્તુ ‘સત્’ છે, ‘સત્’ ત્રિકાળ સ્વયંસિદ્ધ છે. જો સત્ ત્રિકાળી ન હોય તો તે અસત્ ઠરે. પણ વસ્તુ
કદી અસત્ હોય નહિ. વસ્તુ ત્રિકાળ છે એટલે તેનો કોઈ કર્તા નથી, કેમ કે ત્રિકાળીનો રચનાર ન હોય. જો
રચનાર કહો તો તે પહેલાંં વસ્તુ ન હતી એમ ઠરે એટલે વસ્તુનું નિત્યપણું ન રહે. વસ્તુ ત્રિકાળ સત્ છે, અને તે
વસ્તુ પરિણામસ્વભાવવાળી છે, ત્રિકાળી દ્રવ્ય જ પોતાના ત્રણેકાળના વર્તમાન–વર્તમાન પરિણામને રચે છે, તે
પરિણામો પણ સ્વઅવસરમાં સત્ છે, માટે તે પરિણામનો રચનાર પણ બીજો કોઈ નથી. જેમ ત્રિકાળી દ્રવ્યનો
કર્તા કોઈ બીજો–ઈશ્વર વગેરે–નથી, તેમ તે ત્રિકાળી દ્રવ્યના વર્તમાન પરિણામનો પણ કર્તા કોઈ બીજો (નિમિત્ત,
કર્મ કે જીવ વગેરે) નથી. પોતાના એકેક સમયના ઉત્પાદ–વ્યય–ધુ્રવમાં ટકે છે માટે દ્રવ્ય સત્ છે. જો દ્રવ્ય
બીજાનાં ઉત્પાદ–વ્યય–ધુ્રવને અવલંબે તો તે પોતે સત્ રહી શકે નહીં. માટે જે જીવ દ્રવ્યને ખરેખર ‘સત્’ જાણતો
હોય તે દ્રવ્યનો કે દ્રવ્યની કોઈ પર્યાયનો કર્તા બીજાને ન માને; દ્રવ્યનો કે દ્રવ્યની કોઈ પર્યાયનો કર્તા બીજાને
માને તે જીવે ખરેખર ‘સત્’ ને જાણ્યું નથી.
અહો, વસ્તુના સત્ સ્વભાવને જાણ્યા વિના બહારના ક્રિયાકાંડના લક્ષે અનંતકાળ ગાળ્‌યો, પણ વસ્તુનો
સ્વભાવ સત્ છે તેને ન જાણ્યો, તેથી જીવ સંસારમાં રખડી રહ્યો છે.
પરિણામમાં વસ્તુ પરિણમે છે, વસ્તુ પરિણામથી જુદી રહેતી નથી. એકેક સમયના પરિણામ વખતે
આખી વસ્તુ સાથે વર્તી રહી છે–આમ જાણે તો, ક્ષણિક રાગ જેટલો જ પોતાને ન માનતાં તે વખતે આખી વસ્તુ
રાગરહિત પડી છે–તેનો વિશ્વાસ કરે, એટલે રાગની રુચિનું જોર તૂટીને આખી વસ્તુ ઉપર રુચિનું જોર વળ્‌યું,
એટલે કે સમ્યક્રુચિ ઉત્પન્ન થઈ, રાગ અને આત્માનું ભેદજ્ઞાન થયું. હું પરમાં નથી વર્તતો, મારા પરિણામમાં
પરવસ્તુ નથી વર્તતી, પણ હું મારા પરિણામમાં જ વર્તું છું–આમ પરિણામ અને પરિણામીની સ્વતંત્રતા જાણતાં,
રુચિ પરમાં નથી જતી, પરિણામ ઉપર પણ નથી રહેતી પણ પરિણામી દ્રવ્યમાં ઘૂસી જાય છે, એટલે કે સમ્યક્–
રુચિ થાય છે.
‘પરિણામમાં વસ્તુ વર્તે છે,’ બસ! આમ નક્કી કરવામાં પર્યાયબુદ્ધિ ટળીને વસ્તુદ્રષ્ટિ થઈ જાય છે, તેમાં
જ વીતરાગતા રહેલી છે. મારી ભવિષ્યની કેવળજ્ઞાન પર્યાયમાં પણ આ દ્રવ્ય જ વર્તશે,–માટે ભવિષ્યની
કેવળજ્ઞાન પર્યાયને જોવાનું ન રહ્યું, પણ દ્રવ્ય સામે જ જોવાનું રહ્યું; દ્રવ્યની સન્મુખતામાં અલ્પકાળે કેવળજ્ઞાન
થયા વિના રહે નહિ.
અહો, હું મારા પરિણામસ્વભાવમાં છું, પરિણામ તે ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વરૂપ છે, તેમાં જ આત્મદ્રવ્ય વર્તે છે–
આમ સ્વવસ્તુની દ્રષ્ટિ થતાં પરથી લાભ–નુકસાન માનવાનો મિથ્યાભાવ ન રહ્યો; ત્યાં સમ્યગ્જ્ઞાનપર્યાયપણે
ઉત્પાદ છે, મિથ્યાજ્ઞાનપર્યાયપણે વ્યય છે ને જ્ઞાનમાં સળંગ પરિણામોપણે ધુ્રવતા છે. –એ રીતે આમાં ધર્મ આવે છે.
‘પરિણામીના પરિણામ છે’–એમ ન માનતાં જેણે પરને લઈને પરિણામ માન્યા તેણે પરિણામીને દ્રષ્ટિમાં
ન લીધો, પણ પોતાના પરિણામ પર કરે એમ માન્યું એટલે સ્વ–પરને એક માન્યા, તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે.
પરિણામ પરિણામીના છે–એમ પરિણામ અને પરિણામીની સ્વતંત્રતાની રુચિમાં સ્વદ્રવ્યની સમ્યક્રુચિ ઉત્પન્ન
થઈને મિથ્યારુચિનો નાશ થઈ જાય છે.
જુઓ, આ વસ્તુસ્થિતિનું વર્ણન છે. જૈનદર્શન કોઈ વાડો કે કલ્પના નથી પણ વસ્તુઓ જેવા સ્વભાવે છે
તેવી સર્વજ્ઞભગવાને જોઈ છે, ને તે જ જૈનદર્શનમાં કહી છે. જૈનદર્શન કહો કે વસ્તુનો સ્વભાવ કહો. –તેનું જ્ઞાન
કર તો તારું જ્ઞાન સાચું થશે ને ભવનું પરિભ્રમણ ટળશે. જો વસ્તુના સ્વભાવને વિપરીત માનીશ તો અસત્
વસ્તુની માન્યતાથી તારું જ્ઞાન મિથ્યા થશે અને તારું પરિભ્રમણ મટશે નહિ; કેમ કે મિથ્યાત્વને જ સૌથી મોટું
પાપ ગણવામાં આવ્યું છે, તે જ અનંત સંસારનું મૂળ છે.