Atmadharma magazine - Ank 089
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 43

background image
: ૧૦૦ : આત્મધર્મ : ૮૯
બીજો રસ્તો છે જ નહિ. આત્માની શ્રદ્ધા–જ્ઞાન–રમણતા તે એક જ ત્રણ કાળ ત્રણ લોકના મુમુક્ષુ જીવોને માટે
મોક્ષનો ઉપાય છે.
ત્રણે કાળના અરિહંતોનો ઉપદેશ એક જ પ્રકારનો છે કે સ્વાશ્રયે ધર્મ છે. ભૂતકાળે ભગવાન મોક્ષ પામ્યા
તેઓ આ જ વિધિથી પામ્યા છે, અને અરિહંત દશામાં તેઓએ તે કાળે પ્રત્યક્ષ સાંભળનારા જીવોને એ જ માર્ગ
ઉપદેશ્યો તેમ જ ભવિષ્યકાળના મુમુક્ષુઓને માટે પણ તે એક જ ઉપાય સ્થાપ્યો છે.
પ્રભુ મોક્ષ પધારતાં પહેલાંં જગતના મુમુક્ષુ જીવોને મોક્ષનો ઉપાય સોંપી ગયા છે.. અમે આ ઉપાયથી
મોક્ષ પામીએ છીએ ને જગતના મુમુક્ષુઓ પણ આ જ ઉપાયથી મોક્ષ પામશે. જેમ અંતિમ સમયે પિતા પોતાના
પુત્રને મૂડી સોંપી દે છે અને ભલામણો કરે છે, તેમ અહીં પરમ ધર્મપિતા સર્વજ્ઞપ્રભુ પરમવીતરાગ આપ્તપુરુષ
મુક્તિ પામતાં પહેલાંં (–સિદ્ધ થતાં પહેલાંં) તીર્થંકરપદે દિવ્ય ઉપદેશ દ્વારા જગતના ભવ્ય જીવોને મોક્ષનો ઉપાય
દર્શાવે છે–તેમના સ્વભાવની મૂડી સોંપે છે.. હે જીવો! તમારો આત્મા સિદ્ધસમાન શુદ્ધ છે, તેને ઓળખીને તેનું
શરણ લો...સ્વભાવનું શરણ તે મુક્તિનું કારણ છે, બહારનો આશ્રય તે બંધનું કારણ છે. ધર્મપિતા તીર્થંકરો
આવો સ્વાશ્રિત મોક્ષનો માર્ગ બતાવીને સિદ્ધ થયા; અહો! તેમને નમસ્કાર હો.
સાધક આત્માના પરમ પિતા શ્રી તીર્થંકર દેવ છે. તેઓ ભલામણ કરે છે કે અહો જીવો! આત્માને
ઓળખો.. આત્માને ઓળખો. આત્મા સ્વાધીન સત્ પદાર્થ છે, તે પરના આશ્રય વગરનો પોતાથી પરિપૂર્ણ છે.
ભગવાનને સ્વાશ્રયભાવની પૂર્ણતા થતાં કેવળજ્ઞાન થાય છે; સમવસરણ રચાય છે, દિવ્યવાણી “
વીતરાગભાવે છૂટે છે ને બાર સભાના જીવો તે ઉપદેશ સાંભળે છે. ભગવાનની વાણીમાં એમ ઉપદેશ છે કે
આત્માને ઓળખો...રે...ઓળખો...સર્વ પ્રકારે આત્મસ્વભાવનો જ આશ્રય કરો. તે જ મુક્તિનો રસ્તો છે...
અનંત તીર્થંકરોએ દુંદુભીના નાદ વચ્ચે દિવ્યધ્વનિથી આ એક જ માર્ગ જગતના જીવોને દર્શાવ્યો છે.
જિનેન્દ્ર દેવોએ આત્મસ્વભાવ તરફના પુરુષાર્થથી મુક્તિ પ્રાપ્ત કરી છે અને દિવ્યધ્વનિમાં જગતના
જીવોને પુરુષાર્થનો જ ઉપદેશ કર્યો છે... હે જગતના જીવો! સંસાર સમુદ્રથી પાર થવા માટે સાચો પુરુષાર્થ કરો...
પુરુષાર્થ કરો. પોતાના આત્માને સર્વજ્ઞ જેવો સમજીને સર્વજ્ઞની ઓથ દઈને પુરુષાર્થ કરો... સર્વજ્ઞનું અનુકરણ
કરીને સર્વજ્ઞ જેવો પુરુષાર્થ કરો... જેમ સર્વજ્ઞદેવે સ્વાશ્રય કર્યો તેમ તમે તમારા આત્માનો આશ્રય કરો.
આચાર્યદેવ કહે છે કે અરિહંત ભગવાન જેવા અમારા ચૈતન્યમૂર્તિ સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાન કરીને અમે
અમારા જ્ઞાનને સ્થિર કર્યું છે, અને તે અમે અમારા અનુભવથી જાણ્યું છે. હવે અમારી મતિને ફેરવવા કોઈ સમર્થ
નથી. જેણે સ્વભાવનો નિર્ણય કરીને જ્ઞાનને સ્વભાવમાં સ્થિર કર્યું છે તેણે સ્વાશ્રિત મોક્ષમાર્ગને અંગીકાર કર્યો
છે. સ્વભાવના આશ્રયે પ્રગટેલો ભાવ સદાય સ્વભાવ સાથે અભેદપણે ટકી રહે છે. તેથી, આચાર્યદેવ કહે છે કે
અમે અમારા સ્વભાવનો આશ્રય કર્યો છે તેથી મોહનો ક્ષય કરીને અપ્રતિહતભાવે કેવળજ્ઞાન પ્રગટ કરવાના
છીએ... જેમ અરિહંતો મોક્ષ પામ્યા તેમ અમે પણ એ જ પ્રકારનો પુરુષાર્થ કરીને મોક્ષ પામવાના છીએ..
ભગવંતોને નમસ્કાર હો!
પોતે સ્વાશ્રયમાં મતિ સ્થાપી છે, પણ હજી છઠ્ઠા ગુણસ્થાને રાગની વૃત્તિ ઊઠે છે, તેથી આચાર્યદેવ
ભગવાન તરફના ઉલ્લાસને જાહેર કરતાં કહે છે કે અરિહંત ભગવંતોને નમસ્કાર હો.. અહો નાથ! તમે
સ્વભાવના આશ્રયે મોહનો ક્ષય કરીને કેવળજ્ઞાન પામ્યા, તેમ હું પણ તમારો જ વારસો લેવા માટે સ્વાશ્રયથી
તમારી પાછળ ચાલ્યો આવું છું. અહીં! જેણે આવો પૂર્ણ સ્વતંત્ર સ્વાશ્રિત માર્ગ બતાવીને અનંત ઉપકાર કર્યો તે
ભગવંતોને હું નમસ્કાર કરું છું–એટલે કે હું પણ એ સ્વાશ્રયને જ અંગીકાર કરું છું. ભગવાનના ચરણકમળમાં
અમારા નમસ્કાર હો, ભગવાને બતાવેલા સ્વાશ્રિતમાર્ગને અમારા નમસ્કાર હો. આચાર્યદેવ પોતે પોતાના મોક્ષ
માટેનો ઉત્સાહ અને ખુશાલી જાહેર કરે છે કે હે પ્રભો! જે રીતે આપે મુક્તિ કરી તે જ રીતે અમે પણ મોક્ષના જ
રસ્તે છીએ, અમે પણ કેવળજ્ઞાન પ્રગટ કરશું અને અમે પણ તે જ ઉપદેશ કરીને નિર્વાણ પામશું. બીજું તો શું
કહીએ? ભગવંતોને નમસ્કાર હો. જે જીવોને સ્વાશ્રયની રુચિ હોય અને પરાશ્રયની રુચિ ટળી ગઈ હોય તે જ
જીવ ભગવંતોને નમસ્કાર કરે છે. ખરેખર ભગવાને જેવો સ્વાશ્રયમાર્ગ
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)