Atmadharma magazine - Ank 089
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 43

background image
ફાગણ : ૨૪૭૭ : ૧૦૧ :
ઉપદેશ્યો તેવો સમજીને તેવો સ્વાશ્રય પોતામાં પ્રગટ કરવો તે જ ભગવાનને નમસ્કાર છે.
આચાર્યદેવ કહે છે કે અહો, જેમણે આવો સ્વભાવ મને સમજાવ્યો તે ભગવંતોને નમસ્કાર હો. ભગવંતો
પોતે સ્વાશ્રિત શુદ્ધોપયોગના બળથી મોહનો નાશ કરીને જગતને પણ એવો જ ઉપદેશ આપીને સિદ્ધ થયા;
તેમને વંદન હો. આચાર્યદેવ પોતે છદ્યસ્થ છે તેથી વિકલ્પ છે; ભગવાનને નમસ્કાર કરતાં વિકલ્પનો નિષેધ કરે
છે ને પૂર્ણ શુદ્ધઉપયોગનો જ આદર કરે છે. જેટલો શુદ્ધોપયોગ પ્રગટ્યો છે તેટલો નિશ્ચય છે, વિકલ્પ વર્તે છે તે
વ્યવહાર છે. તે વ્યવહારનો નિષેધ છે, ને શુદ્ધાતાનો આદર છે. –એ રીતે આચાર્યદેવને નિશ્ચય–વ્યવહારની સંધિ
છે. વર્તમાન વિકલ્પ છે તેનો આદર નથી પણ સર્વજ્ઞદેવે જે સ્વભાવ બતાવ્યો તે સ્વભાવનો જ આદર છે.
વિકલ્પને કારણે એમ કહ્યું કે ભગવંતોને નમસ્કાર હો... એટલે ખરેખર તો ભગવાન જે રીતે સ્વાશ્રય કરીને પૂર્ણ
થયા તે જ રીતે હું સ્વાશ્રયને અંગીકાર કરું છું– એ જ તીર્થંકરોનો પંથ છે.
અરિહંત ભગવંતો સ્વાશ્રિત જ્ઞાનની વિધિ વડે જ મોહનો ક્ષય કરીને કેવળજ્ઞાન પામ્યા; અને પછી
દિવ્યધ્વનિમાં જગતના ભવ્ય જીવોને પણ એમ જ ઉપદેશ આપ્યો કે, હે જગતના ભવ્ય આત્માઓ! જે રીતે અમે
કહીએ છીએ તે રીતે તમે આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયનો તમારા જ્ઞાનમાં નિર્ણય કરો... અને તમારા પર્યાયને
પરાશ્રયથી છોડાવીને સ્વાધીન આત્મતત્ત્વમાં વાળો. અમે પુરુષાર્થ વડે સમ્યક્ આત્મસ્વભાવની શ્રદ્ધા અને
એકાગ્રતાથી મોહક્ષય કરીને કેવળજ્ઞાન પામ્યા છીએ, તમને પણ તે જ વિધિવડે, પુરુષાર્થપૂર્વક પોતાના સમ્યક્
આત્મતત્ત્વની શ્રદ્ધા અને એકાગ્રતા કરવાથી મોહનો ક્ષય થઈને સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થશે. માટે
પુરુષાર્થ વડે સ્વાશ્રય કરો...
આચાર્યપ્રભુ કહે છે કે–સ્વાશ્રયના પુરુષાર્થ વડે મોહનો ક્ષય કરીને જેઓ કેવળજ્ઞાન પામ્યા અને જગતને
એ જ સ્વાશ્રયમાર્ગનો ઉપદેશ આપીને જેઓ સિદ્ધ થયા એવા ભગવંતોને હું નમસ્કાર કરું છું. હે નાથ! હું આપને
નમું છું... જે માર્ગે આપ નિવૃત્ત થયા તે જ માર્ગે હું ચાલ્યો આવું છું. હે પૂર્ણપુરુષાર્થના સ્વામી, ભગવાન્!
આપના દિવ્ય ઉપદેશની કોઈ અદ્ભુત બલિહારી છે. આપનો ઉપદેશ જીવોને પરાશ્રયથી છોડાવીને મોક્ષમાર્ગમાં
લગાડનારો છે. આપના ચરણકમળમાં હું નમસ્કાર કરું છું... કઈ રીતે નમું છું? આપના ઉપદેશને પામીને. આપે
ઉપદેશેલા સ્વાશ્રિત વિધિને અંગીકાર કરીને હું આપના પંથે ચાલ્યો આવું છું.
અહીં એક જ પ્રકારના વિધિવડે મોક્ષનો ઉપાય બતાવ્યો. બીજા કોઈ વિધિથી મોક્ષનો ઉપાય છે નહિ. મૂઢ–
અજ્ઞાની લોકો તો આવી માન્યતાને એકાંતિક માન્યતા માને છે કેમ કે તેમને સ્વાશ્રયમાર્ગનું ભાન નથી.
જ્ઞાનીઓ તો કહે છે કે આવા સ્વાશ્રયમાર્ગની યથાર્થ માન્યતા તે ક્ષાયક જેવું અપ્રતિહત સમ્યગ્દર્શન છે. અહો
નાથ! જે ઉપાયે આપે દ્રવ્ય–ગુણ–પર્યાયને ઓળખીને, ક્રમબદ્ધ આત્મપર્યાયને જાણીને, અભેદ સ્વરૂપની પ્રતીતિ
અને સ્થિરતા કરીને, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ નિર્મળ દશા પ્રગટ કરી અને અરિહંતદશા પામ્યા, તથા
જગતને તે જ ઉપદેશ કરીને સિદ્ધદશા પામ્યા, તેમ અમે પણ આપનો સ્વાશ્રયનો ઉપદેશ સાંભળીને, એ જ રીતે
સ્વાશ્રય વડે સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરીને મુક્ત થઈશું. એ માટે હે પ્રભો! આપને નમસ્કાર હો.
‘આત્મા જ્ઞાનસ્વભાવી છે, એ સ્વભાવના આશ્રયે જાણનાર–દેખનાર રહીને જાણ.’ –આ જિનેન્દ્રદેવના
સર્વ ઉપદેશનો મૂળ સાર છે... ભગવાન કહે છે કે–જેવા ભગવાન અમે, તેવો જ ભગવાન તું. આવડા મોટા
રાગરહિત પરિપૂર્ણ સ્વભાવનો જેણે પોતાના જ્ઞાનમાં નિર્ણય કર્યો તેણે એકલા આત્માના આશ્રયનો સ્વીકાર
કર્યો અને સમસ્ત પરદ્રવ્ય તેમ જ પરભાવોના આશ્રયની માન્યતા છોડી તેને અનંત પુરુષાર્થ પ્રગટ્યો છે.. એ
જીવ તીર્થંકરોના પંથે ચાલવા માંડયો છે.
આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! તીર્થંકરોએ સ્વાશ્રયનો ઉપદેશ કર્યો હતો; અત્યારે પણ સ્વાશ્રય થઈ શકે
છે. તીર્થંકરો કાંઈ એમ કહેતા નહોતા કે ‘તું અમારો આશ્રય કર.’ તીર્થંકરો તો એમ કહેતા હતા કે તું તારા
સ્વભાવનો નિર્ણય કરીને તારો જ આશ્રય કર. અત્યારે પણ સ્વભાવનો નિર્ણય કરીને–સ્વાશ્રય પ્રગટ કરીને
તીર્થંકરોના પંથે વિચરી શકાય છે.
શ્રી સીમંધરાદિ અરિહંત ભગવંતોને નમસ્કાર હો.
શ્રી તીર્થંકરોના સ્વાશ્રિત પંથને નમસ્કાર હો.
તીર્થંકરોનો પંથ દર્શાવનારા સંતોને નમસ્કાર હો.
(શ્રી પ્રવચનસાર ગા. ૮૨ ઉપરના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનોમાંથી કેટલાક અંશો)
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)