Atmadharma magazine - Ank 089
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 43

background image
ફાગણ : ૨૪૭૭ : ૧૦૩ :
તે જ વિષયોની પ્રીતિ કરે છે. વીતરાગ સ્વભાવની રુચિવાળાના હૃદયમાં બીજે ક્યાંય આનંદ ન આવે.
ભગવાનની ભક્તિ કરવાથી કાંઈ ભગવાન કોઈને કંઈ આપી દેતા નથી. પણ, જેવા ભગવાન તેવો હું, ભગવાન
પણ આત્માની શક્તિમાંથી જ થયા છે–આવું ભાન કરીને પોતે પોતામાંથી ધર્મ કાઢે છે. લોકો પણ કહે છે કે
‘કોઈનું આપ્યું તાપ્યું પહોંચે નહિ’ એટલે જો ભગવાન મુક્તિ આપતા હોય તો વળી બીજો કોઈ આવીને તે
પડાવી લ્યે... પણ એમ નથી. પોતે પોતાના ત્રિકાળી સ્વભાવના આશ્રયે જ મુક્તિ પ્રગટ કરે છે, ને નિત્યના
આશ્રયે પ્રગટેલી તે મુક્તિ પણ નિત્ય ટકી રહે છે. પોતાના આવા સ્વભાવનું ભાન કરે તો તેણે ‘ભગવાનનું
શરણ લીધું’ એમ વ્યવહારથી બોલાય છે.
(૧૬) એકવાર વંદે જો કોઈ...
શક્તિરૂપે દરેક આત્મા પોતે ‘શાંતિનાથ ભગવાન’ છે; ને વ્યક્તિરૂપે જે પ્રગટ પરમાત્મા થયા છે એવા
ત્રિલોકનાથ તીર્થંકર વીતરાગી ચૈતન્ય ભગવાન... અહો! તેનું શરણ જોઈએ. ભક્તિમાં આવે છે કે એક વાર જો
યથાર્થપણે પ્રભુવંદના થાય તો કાર્યની સિદ્ધિ થઈ જાય... અત્યારે મહાવિદેહમાં સીમંધરનાથ પ્રભુ બિરાજે છે. હે
ત્રિલોકીનાથ દેવાધિદેવ ભગવાન્! આપને જો એકવાર ઓળખીને વંદના કરે તો તેને જન્મ–મરણ ન રહે. કઈ
રીતે? – ‘હે નાથ! જેવો આપનો સ્વભાવ તેવો જ મારો સ્વભાવ છે, હું શુદ્ધ પવિત્રસ્વરૂપ છું, કોઈ બીજા પાસેથી
મારે લેવું નથી, મારી અખંડ ચૈતન્ય રિદ્ધિ મારી પાસે જ છે’ આવા ભાનસહિત ભગવાનને નમ્યો તેને ભવ રહે
નહિ. ભગવાનને ‘ત્રિલોકનાથ, ત્રિલોકપતિ’ કહેવાય છે, ત્યાં ભગવાન કાંઈ જડના કે પરના ધણી નથી પણ
તેમના દિવ્ય જ્ઞાનમાં ત્રણલોક પ્રતિભાસે છે માટે તેમને ‘ત્રિલોકપતિ’ કહેવાય છે. આવા ભગવાનને ઓળખીને
તેમની ભક્તિ કરતાં ‘હું જ મારો રક્ષક છું’ એમ ન કહેતાં, ‘હે ભગવાન! આપ અમારા રક્ષક છો’:–એમ
વિનયના ભાવની ભાષા આવે છે.
(૧૭) વીતરાગના ભક્તને રાગનો આદર ન હોય
ભક્તિમાં જે શુભરાગ છે તેનો આદર ધર્માત્માને હોતો નથી. અહો! જે ભાવે તીર્થંકરનામકર્મ બંધાય કે
ઈન્દ્રપદ, ચક્રવર્તીપદ કે બળદેવ–વાસુ દેવની પદવી મળે, તે ભાવને ધર્મી જીવ શુભવિકાર જાણે છે, વીતરાગતાના
આદર પાસે તે કોઈ ભાવનો આદર તેમને હોતો નથી. જે રાગથી પુણ્યની પ્રકૃતિ બંધાય તે પણ બંધનભાવ છે,
ધર્મીને તે રાગનો આદર ન હોવા છતાં, હજી વીતરાગતા પૂરી થઈ નથી એટલે અધૂરી દશામાં ધર્મવૃદ્ધિના
શુભવિકલ્પથી તીર્થંકરપ્રકૃતિ વગેરે બંધાઈ જાય છે. દેવાધિદેવ તીર્થંકરનો આત્મા જ્યારે માતાના ગર્ભમાં આવે
ત્યારે ચૌદ બ્રહ્માંડમાં પ્રકાશ થાય. ભગવાન તો મહા પવિત્રતા અને પુણ્યના પૂતળાં છે. હું મારી વીતરાગતા પૂર્ણ
કરું, તે સિવાય બીજું કાંઈ જોઈતું નથી–એવી ભાવનામાં વચ્ચે અલ્પ રાગ રહ્યો તેનાથી તીર્થંકરપ્રકૃતિ બંધાઈ
ગઈ...ને ત્રિલોકપૂજ્ય તીર્થંકરપદ થયું.
પ્રશ્ન:– એક રાગના કણીયામાં આટલું થાય, તો ઝાઝા રાગમાં તો કેટલું થાય!
ઉત્તર:– અરે ભાઈ! રાગની ભાવનાવાળાને એ પદ–નથી મળતાં. જે રાગથી તીર્થંકરાદિ પદ મળે એ રાગ
વિષય–કષાયનો નહિ...પણ તે તો આત્માના ભાનપૂર્વક ધર્મવૃદ્ધિનો રાગ હતો, આત્મસ્વભાવની ભાવના હતી,
રાગની ભાવના ન હતી. જેને રાગનો રાગ છે તેને તો અધર્મનો રાગ છે, તેને ઊંચા પુણ્ય બંધાતા નથી. ‘હું
નિર્મળજ્ઞાનઘન આત્મા છું, રાગનો એક અંશ પણ મારો નથી’–એવા ભાન સહિત ધર્મનું વલણ છે ત્યાં કંઈક
રાગ રહી ગયો તે પ્રશસ્ત રાગ છે, ને તે રાગમાં પણ આદરબુદ્ધિ નથી, ત્યાં તીર્થંકરપ્રકૃતિ વગેરે પુણ્ય બંધાઈ
જાય છે. જે જીવ આત્માના વીતરાગી સ્વરૂપને તો સમજે નહિ ને રાગને આદરણીય માને તે આત્મસ્વરૂપનો
ભક્ત નથી, વીતરાગદેવનો સેવક નથી. જેને આત્માની રુચિ હોય તે વીતરાગ પરમાત્મા સિવાય બીજા કોઈના
ગાણાં ન ગાય, એના અંતરમાં લક્ષ્મી કુટુંબના ગાણાં ન હોય.
(૧૮)...તો જીવનની સાર્થકતા શી?
પાછળ દીકરા, મકાન, લક્ષ્મી વગેરે મૂકીને ચાલ્યો જાય ત્યાં પાછળના લોકો કહેશે કે ‘બાપા લીલીવાડી
મૂકીને ગયા’...પણ જ્ઞાની કહે છે કે અરે બાપુ! એ તો પૂર્વનાં જે પુણ્ય લઈને આવ્યો હતો તે બાળીને ચાલ્યો
ગયો... જીવનમાં આત્માની ઓળખાણ ન કરી તો તેની શી ગણતરી? પાછળ બધું રહ્યું તેમાં આત્માને શો
લાભ? એ તો આત્માના ભાન વિના મરીને ક્યાંય ચાલ્યો ગયો.
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)